સુરત: મહાપાલિકામાં હંગામી ધોરણે ફરજ બજાવતાં મહિલા કર્મચારીઓને કાયમી કરતાં પહેલાં સ્મીમરે હોસ્પિટલમાં તેમનાં મેડિકલ ચેકઅપ દરમિયાન તેમને નિર્વસ્ત્ર કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ મહાનગરપાલિકાનાં એક યુનિયન દ્વારા કરવામાં આવ્યા હતા. આ વિવાદમાં હોસ્પિટલના ડીન અને સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રીટેન્ડેન્ટ ડો. વંદના દેસાઈએ તાજેતરમાં ખુલાસા કરતાં કહ્યું હતું કે, કર્મચારીઓનો રૂટિન ચેકઅપ જરૂરી છે. મહિલાઓનાં શરીરનાં પ્રાઈવેટ ભાગમાં ઈન્ફેક્શનથી લઈને કોઈ પણ બીમારીની તપાસ બંધ રૂમમાં અને તેમની મરજીથી જ થતી હોય છે. સુપ્રીટેન્ડેન્ટે જણાવ્યું કે, શરીરમાં ઈન્ફેકેશન કે બ્રેસ્ટ કેન્સર વગેરેની તપાસ યોગ્ય રીતે થતી હોય છે, પરંતુ આ મુદ્દાને ખોટી રીતે રજૂ કરાયો હોય તેવું જણાતાં આ ખુલાસો કરવામાં આવી રહ્યો છે.
માહિતીની ગુપ્તતા
નવી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટે જણાવ્યું કે, મહિલા કર્મચારીએ શા માટે આ પ્રકારે નિવેદન આપ્યું છે? એ ખબર પડતી નથી. કારણ કે હોસ્પિટલમાં કોઈ પણ જાતની તપાસની સંપૂર્ણ ગુપ્તતા જાળવવામાં આવે છે. તપાસ વખતે કોઈ પણ કર્મચારી દ્વારા વિરોધ કરાયો નહોતો. અમુક મેડિકલ તપાસ વ્યક્તિને નિર્વસ્ત્ર કરીને જ કરવી પડે છે, પણ તેની ગુપ્તાની જાળવણી રાખવામાં આવે છે. મેરિડ અને અનમેરિડ મહિલાઓ માટેની તપાસ પણ અલગ રીતે થતી હોય છે. ચેકઅપ ટીમ એમનું કામ કરે છે.
કમિશનરની ભલામણઃ સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ
ડો. વંદના દેસાઈએ જણાવ્યું હતું કે, પાલિકા કમિશનરની ભલામણ બાદ આખો મામલો ગેરમાર્ગે જતો હોવાથી મેડિકલ તપાસનું માર્ગદર્શન આપવા મારો અભિપ્રાય માગવામાં આવતાં મેં આ અંગે વાતચીત કરી છે. સિવિલ સુપ્રીટેન્ડેન્ટ પ્રીતિ કાપડિયાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં મેડિકલ ફિટનેસ અંગેની તપાસ બાબતે સ્પષ્ટતા માટે મને પાલિકા કમિશનરે સૂચન કર્યું હતું તેથી મેં રિપોર્ટ અંગે બ્રિફ આપી છે.
તપાસ કમિટી નિમાઈ
આ મામલાની તપાસ માટે કમિટી પણ બનાવવામાં આવી છે. આ કમિટી સમક્ષ હજી કોઈ ફરિયાદી આગળ આવ્યું ન હોવાની વિગતો મળી રહી છે. જો કોઈ ફરિયાદી આગળ ન આવે તો છેલ્લા બે માસમાં જે મહિલાઓનું મેડિકલ ચેક અપ થયું છે તેમની પૂછપરછ કરવામાં આવે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. મ્યુનિસિપલ કમિશનરે તરત જ ત્રણ સભ્યોની કમિટી બનાવીને તપાસ શરૂ કરાવી દીધી હતી. તંત્રએ સ્પષ્ટ કર્યું હતું કે, જે ફરિયાદી સીધા અધિકારીઓ પાસે જઈ ન શકતા હોય તેમણે તપાસ સમિતિ સમક્ષ હાજર રહેવું, પરંતુ મ્યુનિ. કેમ્પસમાં ચાલતી ચર્ચા મુજબ જે પ્રકારની ફરિયાદ થઈ છે તેવી એક પણ મહિલા હજી તપાસ સમિતિ સમક્ષ આવીને ફરિયાદને સમર્થન આપ્યું નથી.

