અંબાજીઃ મા અંબાના બંધ દ્વારમાં યોજાયેલા ભાદરવી મેળાના રવિવારે વિશેષ દિપાર્ચન મહાપૂજા કરાઇ હતી. યાત્રાધામ અંબાજી મંદિરમાં આ પૂજા ઇતિહાસમાં પ્રથમ કરાઇ હોવાનું વિદ્વાન પંડિતોનું કહેવું છે. દીપાર્ચન મહાપૂજામાં ૧૦૦૦ દીપ સાથે એક હજાર વિવિધ આહુતિઓ યજ્ઞમાં અર્પણ કરીને લોકોને કોરોના મહામારીમાંથી મુક્તિ અપાવવા માતાને વિનવણી કરાઇ હતી. મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ છે, પરંતુ તંત્ર દ્વારા ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરાઇ છે, જેનો ૩૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે.
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે ભાદરવી પૂનમ-૨૦૨૦ મહોત્સવ પ્રસંગે ૨૭ ઓગસ્ટે કલેકટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ સાંગલેના હસ્તે ચાચર ચોકમાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનો વિધિવત શુભારંભ કરાયો હતો. કલેક્ટરે યજ્ઞશાળામાં પૂજન વિધિ કરીને માતાજીના આશીર્વાદ મેળવીને મંદિર ઉપર ધજા ચડાવી હતી.
કલેકટરે જણાવ્યું કે વિશ્વ કલ્યાણ અર્થે માનવજાતના ક્લયાણ માટે તેમજ કોરોના
સંકટ દૂર થાય તે માટે આ મહાયક્ષનું આયોજન કરાયું છે. પ્રતિ વર્ષ ભાદરવી મહામેળા પ્રસંગે પદયાત્રા દ્વારા અંબાજી આવતા ૧૪૦૦ રજીસ્ટર્ડ થયેલા સંઘોને તેમની લાગણી અનુસાર પૂજા કરેલ માતાજીની ધજાઓ પહોંચાડવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે આ વર્ષે માઇભક્તો ઘેરબેઠાં માતાજીના દર્શન કરી શકે તે માટે માતાજીની આરતી, દર્શન, ગબ્બર દર્શનના લાઇવ પ્રસારણની વ્યવસ્થા કરાઇ છે. અંબાજીના લોકો અને યાત્રિકોની સલામતી માટે ૨૪ ઓગસ્ટથી ૪ સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે માઇભક્તોની લાગણી ધ્યાને લઇને હવે મંદિર એક દિવસ વહેલું - ૩ સપ્ટેમ્બરથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકી દેવાશે.