ગાંધીનગર:સરદાર પટેલની જન્મજયંતી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા આવી રહ્યા છે. આ પ્રસંગે તેઓ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સી-પ્લેન સેવાનું ઉદ્ઘાટન કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૩૧મી ઓક્ટોબરે સી-પ્લેન રૂટનું ઉદઘાટન કરીને અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લેનની મુસાફરી કરે તેવી શક્યતાઓ છે. ૧૯ સીટર સી-પ્લેન સેવા અંતર્ગત રોજની ચાર ફ્લાઇટ કેવડિયા જશે. એક ટિકિટનું ભાડું ૪૮૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. દેશમાં સી-પ્લેન પ્રોજેક્ટ હેઠળ ૧૬ રૂટ નક્કી કરવામાં આવ્યા છે જેમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રૂટનો પણ સમાવેશ થાય છે. આ રૂટ માટે ગત જુલાઇ મહિનામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતા.
વડા પ્રધાન અમદાવાદથી સી-પ્લેન મારફતે કેવડિયા આવી રહ્યા હોવાથી કેવડિયા ખાતે મગરો પકડવાની કામગીરી શરૂ કરાઈ છે. અત્યાર સુધી ૧૦૮ મગરોને પકડી સરદાર સરોવરમાં છોડાયા છે. ૩૧ ઓક્ટોબર સુધી તળાવને મગરમુક્ત કરવાની કામગીરી ચાલશે.