અમૂલ ડેરીમાં ફરી એક વખત ‘રામ-રાજ’, પણ ભાજપના બે ધારાસભ્યો હાર્યા

Wednesday 02nd September 2020 07:22 EDT
 
 

ગાંધીનગર: ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ - અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપના રામસિંહ પરમાર અને કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર વચ્ચે ભાઈબંધીની ચાલ ફાવી ગઈ છે. સોમવારે જાહેર પરિણામોમાં કોંગ્રેસ સામે ભાજપના બે ધારાસભ્યોની હાર થતા હવે ચેરમેનપદનો કબજો લેવા સફેદ દૂધનું રાજકારણ વધુ ડહોળાય તો નવાઈ નહીં.
ઓગસ્ટ ૨૦૧૭ની રાજ્યસભા ચૂંટણી વખતે ચુસ્ત કોંગ્રેસી રામસિંહ પરમાર બળવો કરીને ભાજપ ભેગા થયા હતા. ડિસેમ્બર-૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં કમળના નિશાને ઠાસરાથી હારેલા રામસિંહને ભાજપે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેનપદ અપાવ્યું હતું. જોકે, પ્રદેશ ભાજપ પ્રમુખ બદલાયા પછી ફેડરેશનમાં તેમને બીજી ટર્મ મળી નથી. હવે ભાજપમાં કોંગ્રેસીઓની નો-એન્ટ્રી જાહેર થયા પછી અમૂલ ડેરીની ચૂંટણીમાં રામસિંહ પરમાર પોતે તો બિનહરીફ ચૂંટાયા છે, પણ તેઓ ભાજપના બે ધારાસભ્યોને જીતાડી શક્યા નથી.
ઉમરેઠથી ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર કોંગ્રેસના કાંતિ સોઢા પરમાર સામે હાર્યા છે. જ્યારે રાજ્યસભા ચૂંટણી વખતે ક્રોસવોટિંગની તૈયારી કરનારા માતરના કેસરીસિંહ સોલંકીનો પણ કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલ સામે કારમો પરાજય થયો છે.
આમ, આ એક જ જિલ્લા સંઘમાં ૧૦ ડિરેક્ટરો પૈકી બોરસદના રાજેન્દ્રસિંહ પરમાર સહિત કોંગ્રેસના ત્રણ - ત્રણ ધારાસભ્યોનો અને ખંભાત મતદાર મંડળમાં પણ કોંગ્રેસના ધારાસભ્ય પૂનમ પરમારના ભાભી એમ ચાર નેતાઓની જીત થઈ છે. ગુજરાતમાં દૂધ સંઘો પર ભાજપના આગેવાનોનો કબજો છે. અમૂલમાં વર્ષોથી ચાલતા પ્રયત્નોમાં છેલ્લે કોંગ્રેસના રામસિંહ પરમારને ભાજપમાં સામેલ કરી અમૂલ ડેરી પર કબજો મેળવ્યો હતો.


comments powered by Disqus