ઐતિહાસિક યુદ્ધજહાજ ‘આઇએનએસ વિરાટ’નો અલંગમાં અંતિમ મુકામ

Wednesday 02nd September 2020 06:48 EDT
 
 

ભાવનગર: સૌથી લાંબો સમય યુદ્ધ જહાજ તરીકે સેવા આપી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન ધરાવનારું ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ ‘આઇએનએસ વિરાટ’ ભાવનગરના અલંગ શિપબ્રેકિંગ યાર્ડ ખાતે આવતા મહિને ભંગાણ (ડિસ્મેન્ટલ) થવા માટે આવી પહોંચશે. ભારતીય નૌકાદળ દ્વારા ત્રણ દસકા સુધી ‘આઇએનએસ વિરાટ’ની સેવા લેવામાં આવી હતી. અલંગના શીપ બ્રેકિંગ યાર્ડની એક રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઓનલાઇન ઓક્શનમાં રૂપિયા ૩૮.૫૪ કરોડની કિંમતે આઇએનએસ વિરાટની ખરીદી કરાઇ હતી.
ત્રણ દસકા સુધી સેવા
‘આઇએનએસ વિરાટ’ને આવતા મહિને મુંબઇથી ટગ સાથે બાંધીને અલંગ લાવવામાં આવશે. ૧૮ હજાર ટન એલડીટી ધરાવતા આ યુદ્ધ જહાજને વર્ષ ૧૯૫૯માં બનાવવામાં આવ્યું હતું. આ યુદ્ધ જહાજ વર્ષ ૧૯૮૭માં ભારતીય નેવીમાં સામેલ થયું હતું. ‘આઇએનએસ વિરાટ’ ૩૦ વર્ષ સુધી ભારતીય સેનામાં કાર્યરત રહ્યું હતું અને ૨૩ જુલાઇ ૨૦૧૬ના અંતિમ સફર ખેડી હતી. ૬ માર્ચ ૨૦૧૭ના સત્તાવાર રીતે ભારતીય યુદ્ધ જહાજ તરીકે વિદાય અપાઇ હતી. ‘આઇએનએસ વિરાટ’ની પહોળાઇ ૪૯ મીટર અને લંબાઇ ૨૨૫ મીટર છે. જહાજને ડિસ્મેન્ટલ કરવા માટે ખરીદનારાના મતે આ ઐતિહાસિક યુદ્ધ જહાજ સપ્ટેમ્બરના અંત સુધીમાં અલંગ આવી પહોંચે તેની સંભાવના છે. ચોમાસું કે અન્ય કોઇ પરિબળ નડશે તો પણ તે કમસેકમ સપ્ટેમ્બરના અંત સુધીમાં આવી પહોંચશે.
સૌથી પહેલા ફોકલેન્ડ યુદ્ધમાં ભાગ લીધો
આઇએનએસ વિરાટ હાલમાં મુંબઇ ખાતે નૌકાદળના ડોકયાર્ડમાં છે. એકસમયે આ યુદ્ધ જહાજ ૨૮ નોટ્સની ઝડપે સફર કરવા સક્ષમ હતું અને તેમાં ૨ હજારથી વધુ લોકો સફર કરી શકે તેટલી ક્ષમતા હતી. આ યુદ્ધ જહાજે ૧૯૮૨ના ફોકલેન્ડ ટાપુના યુદ્ધમાં સૌપ્રથમ ભાગ લીધો હતો. આ યુદ્ધ જહાજ ફાઇટર જેટ્સ-હેલિકોપ્ટર સહિત ૨૪ એરક્રાફ્ટસનું વહન કરવા સક્ષમ છે. તેના ફ્લાઇંગ અવર્સ ૨૨૬૨૨ હતા અને તેણે ૨૨૫૨ દિવસ સમુદ્રમાં કાપીને ૫.૮૮ લાખ નૌટિકલ માઇલ્સની સફર ખેડી હતી.
છ વર્ષમાં બીજા યુદ્ધ જહાજનું ભંગાણ
ભારતમાં છેલ્લા ૬ વર્ષમાં આ બીજા યુદ્ધ જહાજનું ભંગાણ કરાશે. વર્ષ ૧૯૭૧માં પાકિસ્તાન સામેના યુદ્ધ વખતે મહત્વની ભૂમિકા અદા કરનારા ‘આઇએનએસ વિક્રાંત’ને વર્ષ ૨૦૧૪માં ડિસ્મેન્ટલ કરાયું હતું. ગુજરાત મેરીટાઇમ બોર્ડના મતે ‘આઇએનએસ વિરાટ’ એ અલંગ ખાતે ભંગાણ માટે આવનારુ નૌકાદળનું સૌથી મોટું જહાજ છે. અગાઉ યુનાઇટેડ કિંગડમ, ન્યૂઝીલેન્ડના યુદ્ધ જહાજનું પણ અલંગ ખાતે ભંગાણ કરાયું છે. આઇએનએસ વિરાટને ભંગાણ માટે ૮થી ૧૦ મહિનાનો સમય લાગી શકે છે.
યુદ્ધજહાજને મ્યુઝિયમ બનાવવાની તક ગુમાવી
ભારતીય નેવી સાથે ૩૦ વર્ષ સુધી જોડાયેલા ‘આઇએનએસ વિરાટ’ને મ્યુઝિયમમાં ફેરવવાનો પણ પ્રસ્તાવ હતો. પરંતુ સરકારે આ ઐતિહાસિક યુદ્ધ જહાજને ભંગાણમાં મોકલવાનો આશ્ચર્યજનક નિર્ણય લીધો હતો. આ યુદ્ધ જહાજને મ્યુઝિયમમાં ફેરવાયું હોત તો આવનારી પેઢીને પણ અભ્યાસ માટે મદદ થઇ શકે તેમ હતી.
‘આઇએનએસ વિરાટ’ને સેવા નિવૃત્ત કરવામાં આવ્યા બાદ આ જહાજને મુંબઇના મધદરિયે મ્યુઝિયમ બનાવવાનો પ્રસ્તાવ આવ્યો હતો. પરંતુ મ્યુઝિયમમાં તબદીલ કરવાનો પ્રસ્તાવ પડતો મૂકાયો હતો. જેના સ્થાને તેને ઓનલાઇન હરાજી વડે ભાંગવા માટે વેચી દેવાનું નક્કી કરાયું હતું.


comments powered by Disqus