કચ્છના ખેડૂતે સફળતાપૂર્વક ‘સીમલા’ના સફરજન ઉગાડ્યા!

Friday 04th September 2020 07:09 EDT
 
 

આણંદપર: કચ્છના ખેડૂતો ધારે તો કોઈ પણ પરિણામ મેળવી શકે છે. એના ઉદાહરણરૂપે ઠંડો પ્રદેશ ગણાતા હિમાચલ પ્રદેશમાં થતાં સફરજન ગરમીનો પ્રદેશ ગણાતા કચ્છમાં ઉગાડીને સફળતા મેળવી છે. નખત્રાણા તાલુકાના ખીરસરા (રોહા)માં રહેતા ખેડુતે સફરજનની ખેતી કરીને ખેડૂતોને નવો માર્ગ ચીંધ્યો છે.
ખેડૂત શાંતિલાલ દેવજી માવાણી સફરજનના સફળ વાવેતર માટે ચારથી પાંચ વર્ષથી પ્રયાસ કરવામાં આવતા હતા. સફરજનની ઇટાલિયન વેરાયટી રેડ ડિલિસિયસને ઝીરો ટેમ્પરેચર જેટલું નીચું ઉષ્ણતામાન જ માફક આવતું હોય છે. જેથી કચ્છમાં આ સફરજન ઉગાડવાનો કોઇ વિચાર પણ કરતું નહોતું. જોકે કચ્છમાં સફરજનની ખેતીના પ્રયોગ દરમિયાન જણાયું હતું કે જો રોપા ટીસ્યુ કલ્ચર કરેલ હોય તો ૪૫થી ૪૭ ડીગ્રી ટેમ્પરેચર પણ માફક આવી જાય છે. આ પછી શાંતિલાલે સફરજનના ઝાડને વધારે તડકો ના લાગે એ માટે બે મિટરની ગ્રીન નેટ બેથી ત્રણ ફૂટ બાંધીને છાંયડો કર્યો હતો અને બે વર્ષમાં તો ફળ આવવા લાગ્યા છે. હજુ તો શરૂઆત છે એટલે એક ઝાડમાં ઓછામાં ઓછા આઠથી દસ અને વધારેમાં વધારે પાંત્રીસથી છત્રીસ નંગ ઉગે છે. જોકે આવતા વર્ષાથી ફળની સંખ્યામાં વધારો થશે તેમ તેમણે જણાવ્યુ હતું.
શાંતિલાલ માવાણી જણાવે છે કે આ સફરજનના રોપા હિમાચલ પ્રદેશમાંથી લઈ આવીને અહીં વાવેતર કર્યું છે. હિમાચલાથી ખીરસરા (રોહા) પહોંચતા આ એક રોપો ૨૮૦ રૂપિયામાં પડયો છે. સફરજનના ઝાડના મુળિયામાંથી લેબોરેટરીમાં ટીસ્યુ કલ્ચરમાંથી બનાવેલ રોપાની હાઈટ દશ ફૂટની હોય છે. જેનું વાવેતર દસ બાય દસના અંતરે કરવામાં આવે છે. અને આ રોપાની ખાસિયત એ છે કે બે વર્ષ બાદ તેમાં ફાલ આવી જાય છે. સફરજનના છોડને વહેતુ પાણી જોઈએ, જેમાં ડુંગરાળ કે પથરાળ જમીન વધારે માફક આવે છે. અહીં કચ્છમાં આવી જમીન ના હોવાથી આ ઝાડની બાજુમાં માટીની ઉંચી બેડ બનાવવામાં આવે છે જેથી કરીને પાણીનો ભરાવો થતો નથી. ખીરસરા ગામનું પાણી સફરજનના પાકને માફક આવી ગયું છે. વાતાવરણ નબળું હોય તો જીવામૃત દવા અને બેક્ટેરિયા ખાતર નાખવામાં આવે છે. હાલ કોઈ એક્સ્ટ્રા માવજત નથી કરવી પડતી. ચારથી પાંચ વર્ષની મહેનત ફળીભૂત થઈ છે.


comments powered by Disqus