ગાંધીનગર: વિશ્વભરમાં કોરોનાના કપરા કાળ દરમિયાન ઉદ્યોગધંધાની સ્થિતિ ખરાબ થઇ છે અને તેઓ છટણી કરી રહ્યા છે, તેવા ચિત્રને બદલે ગુજરાતમાં જુદું જ ચિત્ર ઉપસી રહ્યું છે. અર્થતંત્રની ગતિ મંદ પડી હોવા છતાં ગુજરાતમાં આવનારા દિવસોમાં નવું ૧૦,૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થવા જઇ રહ્યું છે.
આ રોકાણ થકી ગુજરાતમાં પાંચ નવા પ્રોજેક્ટ્સ આવશે અને તેનાથી નવી રોજગારીનું નિર્માણ પણ થશે.
ઉદ્યોગ વિભાગની તાજેતરમાં બહાર પડાયેલી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-૨૦૨૦ને લઇને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે યોજેલા વેબિનાર દરમિયાન આ જાહેરાત થઇ હતી.
જે અનુસાર, વેદાન્તા જૂથે ગુજરાતમાં રૂ. ૪,૫૦૦ કરોડ, કિરી ઇન્ડસ્ટ્રીઝે રૂ. ૩,૦૦૦ કરોડ, વેલસ્પન ગ્રૂપે રૂ. ૨,૦૦૦ કરોડ અને યુએનઓ મિન્ડા ગ્રૂપે રૂ. ૧,૦૦૦ કરોડનું રોકાણ કરવાની જાહેરાત મુખ્ય પ્રધાન સમક્ષ કરી હતી.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વેબિનારમાં કહ્યું કે, વિશ્વ કોરોના મહામારીના કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે ગુજરાતે ઉદ્યોગો-વેપાર ધંધા, રોજગારને ફરી ચેતનવંતા કરવા આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-૨૦૨૦ લોંચ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં ગુજરાત આ પોલિસીથી લીડ લેશે. અમે રોકાણકારોને રાજ્યની વિકાસયાત્રાના ભાગીદાર તરીકે આવકારીએ છીએ.