ગિરનાર રોપ-વે નવેમ્બર સુધીમાં કાર્યરત કરવા કંપની અને સરકારના પ્રયાસો

Saturday 05th September 2020 07:02 EDT
 
 

જૂનાગઢ: સોરઠની આર્થિક જીવાદોરી સમાન ગિરનાર રોપ-વે જૂનાગઢના સ્વાતંત્ર્ય દિન, નવમી નવેમ્બરના રોજ કાર્યાન્વિત કરવા રાજય સરકાર અને ઉષા બ્રેકો કંપનીએ પ્રયાસો હાથ ધર્યા છે. મોટા ભાગની કામગીરી પૂર્ણ છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઓસ્ટ્રીયાના ઇજનેરો સપ્તાહમાં આવીને આખરી ઓપ આપશે.
જૂનાગઢના સ્વાતંત્ર્ય દિન નવમી નવેમ્બરને યાદગાર બનાવવા માટે રાજયના પ્રવાસન વિભાગ અને ઉષા બ્રેકો કંપની દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે. જેના ભાગરૂપે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ રોપ-વે સાઇટની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે રોપ-વેના સાઇટ મેનેજર દિનેશ નેગી પાસેથી કામગીરીની વિગતો મેળવી હતી.
સાંસદ રાજેશ ચુડાસમાના જણાવ્યા પ્રમાણે, રોપ-વેની મોટા ભાગની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. મશીનરી ફીટ કરવામાં આવી રહી છે. આવતા માસમાં કામગીરી પૂર્ણ કરાય તેવી સંભાવના છે. તેમણે ઉમેર્યું હતું કે, કંપનીના ઓસ્ટ્રીયાના ઇજનેરો આગામી સપ્તાહમાં આવી રહ્યા છે. તેઓ નિરીક્ષણ કરશે. અને જરૂરી સુધારાવધારા તથા ટ્રોલીઓની ટ્રાયલ કરાશે. આ તમામ કામગીરીને ઓકટોબર માસમાં પૂર્ણ કરવામાં આવે તેવી કંપનીની તૈયારી છે.


comments powered by Disqus