ગુજરાતના આ શાપિત ગામમાં અટક ચરવડિયા જ રાખવી પડે છે

Saturday 05th September 2020 07:00 EDT
 

મોરબી: મોરબી જિલ્લામાં બોકડથંભા નામે એક ગામ છે. અહીં રહેતા દરેક પરિવારની અટક એક જ છે ચર‌વડિયા. લગભગ ૭૦૦ જણા આ ગામમાં રહે છે અને દરેકની સરનેમ ચરવડિયા જ છે. લોકોનું કહેવું છે કે તેમનું ગામ શાપિત છે. જેમને પણ આ ગામમાં રહેવું હોય તેમણે ચરવડિયા અટક રાખવી જરૂરી છે.
વર્ષો પહેલાં જુદી અટકવાળા કેટલાક પરિવારો અહીં આવ્યા હતા, પણ તેઓ વારંવારની બીમારીથી પરેશાન થઈને ગામ છોડીને જતા રહ્યા. વાંકાનેરથી ૧૩ કિલોમીટર દૂર આવેલા આ ગામમાં છેલ્લા સો વર્ષથી માત્ર એક જ અટક ધરાવતા લોકો રહે છે. આ અટક વિનાના લોકો માટે ગામમાં રહેવાનું નિષેધ છે. ગામના લોકો એની પાછળ એક શાપ હોવાનું કારણ માને છે.
૮૫ વર્ષના મંગાબાપા ચરવડિયા ગામનો ઇતિહાસ જણાવતાં કહે છે કે હજારો વર્ષ પહેલાં વાંકાનેરના શાસકોએ ચાર ભાઈઓ માટે આ ગામ બનાવ્યું હતું. આ ગામ એ ચાર ભાઈઓનો વંશજ છે. ગામ લોકો જે જમીન પર ખેતી કરે છે એ કોઈ રાજપૂત પરિવારની સંપત્તિ હતી. આઝાદી બાદ લેન્ડ સિલિંગ એક્ટ અંતર્ગત આ જમીન ગામવાળાઓને વહેંચી દેવાઈ. આ ગામમાં કોઈ ગ્રામ પંચાયત પણ નથી, જો કોઈ વાદવિવાદ થાય તો અંદરોઅંદર સહમતીથી નિપટાવી લેવાય છે.


comments powered by Disqus