ગાંધીનગરઃ ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું બાલ ભવન નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે હાલ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને ગાંધીનગર ગિફ્ટ સિટી નજીક શાહપુર ગામ અને રતનપુર ગામ વચ્ચે ૩૦ એકર જમીન ફાળવી છે. આશરે ૧૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ પાંચ વર્ષના અંતે તૈયાર થશે.
જ્ઞાન સાથે ગમ્મત
‘ટોયઝ મ્યુઝિયમ’ બાલ ભવનનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે કારણ કે, અહીં દેશના ખૂણે ખૂણેથી ૧૧ લાખથી પણ વધુ પ્રાચીન અને આધુનિક રમકડાં લાવી પ્રદર્શનમાં મુકાશે. ભારતમાં થયેલા વિજ્ઞાની, કલાકારો, શહીદો, મહાપુરુષો, ગગનયાન, વિવિધ મિસાઈલ્સ, ઇવીએમ મશીન, ૧૮૫૭નો સ્વતંત્રતા સંગ્રામ, અંગ્રેજો સામેની લડાઈની ઝાંખી દર્શાવતા રમકડાંઓના માધ્યમથી બાળકોને રમત-ગમતની સાથે સંસ્કાર આપવાનું કામ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કરશે. વિશ્વમાં ક્યાંય ના હોય એવું બાલ ભવન ગુજરાતમાં બનાવવા વડા પ્રધાને ૨૨મી ઓગસ્ટે ઓનલાઈન મીટિંગ યોજી હતી જેમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને આવતા બે મહિના સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે પ્રેઝન્ટેશન રજૂ કરવા સૂચના મળી છે. વડા પ્રધાન પ્લાનને મંજૂરી આપે પછી ભૂમિપૂજન માટે તેઓ પોતે આવશે. વ્યક્તિત્વનિર્માણમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અગત્યનો ભાગ ભજવી શકશે તેમ વડા પ્રધાને મીટિંગમાં કહ્યું હતું. તેમણે કહ્યું કે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી આ બાબતે જેટલી તાકાત હોય તેટલી લગાવી દે. આ પ્રોજેક્ટમાં તમામ મંત્રાલયોને પણ પૂરક મદદ પુરી પાડવા સૂચના અપાઈ હતી.
મોદીએ વ્યક્તિગત રસ લીધો
૨૨ ઓગસ્ટે યોજાયેલ ઓનલાઈન મીટિંગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની, પીયુષ ગોયલ, રમેશલાલ પોખરિયાલ તેમજ સંલગ્ન વિભાગના પ્રિન્સિપાલ સેક્રટરી ઉપસ્થિત રહ્યાં હતા. મીટિંગમાં ગુજરાતમાંથી એક માત્ર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. હર્ષદ શાહ ઉપસ્થિત રહ્યાં હતાં. વડા પ્રધાને પ્રોજેક્ટ અંગે વ્યક્તિગત રસ દાખવીને ડો. શાહને સીધી સૂચનાઓ આપી હતી.
દેશી અને વૈજ્ઞાનિક રમકડાં બનશે
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી રમકડાંનું શાસ્ત્ર વિકસાવશે. અહીં મનોવૈજ્ઞાનિક સંશોધન બાદ સાંસ્કૃતિક અને વિજ્ઞાનને પ્રોત્સાહક રમકડાંનું નિર્માણ થશે. દેશના જુદા જુદા રાજ્યો અને ગામડાના બાળકો જે રમકડાં રમે છે તે રમકડાં પાછળનો ઈતિહાસ અને મહત્ત્વ સમજાવાશે. ડીઆરડીઓ અને ઈસરોની મદદથી ઈલેક્ટ્રોનિક, બેટરી અને સોલર આધારિત નાના-નાના યાન, પૃથ્વી મિસાઈલ, અગ્નિ મિસાઈલ, સેટેલાઈટ વગેરે તૈયાર થશે.
હાલ યુએસમાં સૌથી મોટું ટોય મ્યુઝિયમ છે
યુએસએના મિસોરી સ્ટેટમાં વિશ્વનું સૌથી મોટું ટોયઝ મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમમાં હાલ ૧૦ લાખથી વધુ પ્રાચીન અને આધુનિક રમકડાં મુકાયેલા છે. આશરે ૩૦ હજાર ચોરસ મીટર જગ્યામાં જુદા-જુદા સાત વિભાગમાં આ ‘ટોયઝ મ્યુઝિયમ’ પથરાયેલું છે.
આત્મનિર્ભર બનાવવાનો પ્લાન
એક અંદાજ મુજબ દર વર્ષે ૨૫૦૦ કરોડથી વધારેના રમકડાં ચાઈનાથી ભારતમાં આયાત થાય છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના માધ્યમથી ચાઈનાના રમકડાં માર્કેટને તોડવાનો સરકારનો પ્લાન હોવાનું નિષ્ણાતો કહે છે. ભારતીય ઉત્પાદકોને રમકડાંના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવાની પણ યોજના છે.
વડા પ્રધાનની સીધી દેખરેખ
આગામી બે મહિનામાં બાલ ભવનનો પ્લાન તૈયાર કરી વડા પ્રધાન સમક્ષ રજૂ કરવાનો છે. વડા પ્રધાન પ્લાનને મંજૂરી આપે પછી ભૂમિપૂજન કરીને પ્રોજેક્ટ નિર્માણની કામગીરી શરૂ થશે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ સરકાર પાસે ૧૦૦ એકર જગ્યા માંગી છે.
ચાઇનીઝ રમકડાં વિરુદ્વ ‘મન કી બાત’
વિશ્વનું ટોય માર્કેટ ૭ લાખ કરોડ રૂપિયાનું છે પણ આ ક્ષેત્રમાં ભારતની હિસ્સેદારી ઘણી ઓછી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમમાં આ વાત કરી હતી. વોકલ ફોર લોકલ પર ભાર મૂકતાં તેમણે કહ્યું, ‘હું સ્ટાર્ટઅપ મિત્રોને, નવા ઉદ્યોગ સાહસિકોને કહું છું કે આ ક્ષેત્રમાં ડગ માંડો અને દેશને ટોય હબ બનાવો, જેથી આપણે બહારથી રમકડાં ન મંગાવવા પડે.’ વડા પ્રધાનની આ અપીલ ચીન વિરુદ્ધનું વધુ એક પગલું મનાય છે, કેમ કે ભારતના રમકડાં બજારમાં ચીનનો બહુ મોટો હિસ્સો છે. મોદીએ મોબાઇલ ગેમ્સ-એપ્સ મામલે આત્મનિર્ભર બનવા, ચંપારણમાં સદીઓથી થારુ આદિવાસી સમાજના ૬૦ કલાકના લોકડાઉન, ખેડૂતોનો જુસ્સો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રેસ્ક્યૂ મિશનોમાં દેશી ડોગ્સની ભૂમિકા, પર્યાવરણ, શિક્ષકોના મહત્ત્વ અંગે જણાવ્યું.