ઈડર: ઈડર પાવાપુરી જલમંદિરના લંપટ સાધુ રાજતિલકની કામલીલાના કાળા કરતૂતો એક પછી એક બહાર આવી રહ્યા છે. લંપટ સાધુ રાજતિલકે સુરેન્દ્રનગર જિલ્લાની મહિલાને લગ્નની લાલચ આપી ૨૨ એપ્રિલ ૨૦૧૩ના રોજ બળજબરીથી પૂજા રૂમમાં બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદ નોંધતા જ ઇડર પોલીસે લંપટ સાધુને જૈનતીર્થમાંથી ઉઠાવી લઈને ધરપકડ કરી હતી. સાધુ રાજતિલકને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી. જોકે, કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી સબ-જેલમાં મોકલવા હુકમ કર્યો હતો.
ઈડરનું પાવાપુરી જલમંદિર લંપટ સાધુઓના કરતૂતોને લઈને ફરી એક વાર વિવાદમાં સપડાયું છે. અગાઉ આ તીર્થના કલ્યાણસાગર તથા આ જ સાધુ રાજતિલક સામે વ્યભિચાર તથા છેડતીની ફરિયાદ નોંધાઇ હતી.
પૂજાઘરમાં જ દુષ્કૃત્ય આચર્યું
સુરેન્દ્રનગરની મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ ૨૦૧૩માં તે આયંબિલ ઓળી પ્રસંગમાં ઈડરના જૈન ઉપાશ્રયમાં આઠ દિવસ રોકાઈ હતી. જેમાં ગત તા. ૨૨ એપ્રિલ ૨૦૧૩ના દિવસે બપોરે લોકો એક પછી એક મહારાજના દર્શન કરવા જતા હતા. તેવામાં મહિલા પણ તેનો જન્મદિવસ હોવાથી મહારાજના આશીર્વાદ લેવા ગઈ હતી. જેમાં લંપટ સાધુ રાજતિલકે મહિલાને પૂજા રૂમમાં બોલાવી હતી. આ રૂમમાં સાધુ અને મહિલા એકલા જ હતા. તેવામાં આ લંપટે મહિલાના પરિવાર વિશેની તમામ હકીકત જાણ્યા બાદ સારા ભવિષ્ય માટે ધ્યાનમાં બેસવાનું કહ્યું હતું.
મહિલા ધ્યાનમાં બેસી જતાં સાધુ પણ તેની સામે બેસીને લંપટગીરી પર ઊતરી આવ્યો હતો. મહિલાને આંખમાં આંખ પરોવવાનું જણાવી કહેવા લાગ્યો હતો કે મારે તારી સાથે લગ્ન કરવા છે અને તારી દીકરીને પિતાનું સુખ આપવું છે. આ પછી બળજબરી કરીને પૂજારૂમમાં જ મહિલાને નિર્વસ્ત્ર કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. સાથે જ ધમકી આપી હતી કે આ બાબતે કોઈને વાત કે પોલીસ કેસ કરીશ તો તને અને તારી દીકરીને જાનથી મારી નાંખીશ. ત્યારબાદ ભોગ બનનાર મહિલા ઉપાશ્રય છોડી તેના ઘરે જતી રહી છે.
આ ઘટના બાદ પણ લંપટ રાજતિલક મહિલાને આશીર્વાદ લેવા માટે બોલાવતો હતો પણ મહિલા ગઈ નહોતી. વળી મહિલાએ લંપટ સાધુની ધમકીથી ડરી જઈ તથા સમાજમાં છબી ખરડાવાની બીકે જે તે વખતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી.
આખરે મહિલાએ હિંમત કરી
જોકે ગત તા. ૨૨ જૂનના રોજ લંપટ રાજતિલક સામે ફરિયાદ થઈ હોવાની જાણ થતાં જ મહિલાની હિંમત ખૂલી ગઈ હતી. સાધુનો આંચળો ઓઢી ધર્મની આડમાં મહિલાઓનું શોષણ કરતા આ લંપટને પાઠ ભણાવવા મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. સાથે જ આ ફરિયાદના સમર્થનમાં જુબાની આપવા તૈયારી દર્શાવી હતી. મહિલાની ફરિયાદ બાદ રાત્રે જ પોલીસની એક ટીમે લંપટ સાધુ રાજતિલકને ઉઠાવી લાવી હતી.