બન્નીની લાખેણી કુંઢી ભેંસઃ રોજનું ૨૩ લિટર દૂધ આપે છે

Thursday 03rd September 2020 07:07 EDT
 
 

ભુજ: કચ્છની બન્ની નસલની જાતવાન કુંઢી ભેંસ ૫.૧૧ લાખની અધધ કિંમતે વેચાઈ છે. દરરોજનું ૨૩ લિટર દૂધ આપતી ભેંસ સુરતના એક માલધારીએ ભુજ તાલુકાના કુનરિયા ગામેથી ખરીદી છે. ‘ધાલુ’ નામની કુંઢી ભેંસની વેચાણ કિંમત આટલી ઉપજી હોય તેવો પ્રથમ સોદો છે.
વિશાળ ઘાસિયું મેદાન અને જાતવાન ભેંસના ઉછેર માટે કચ્છનો બન્ની વિસ્તાર પશુપાલનમાં આગવું મહત્ત્વ ધરાવે છે. અહીંની કુંઢી નસલની ભેંસ પ્રતિદિન સરેરાશ ૧૮થી ૨૦ લિટર દૂધ આપતી હોય છે.
કુંઢી નસલની ભેંસ ઓછામાં ઓછી એકાદ લાખ રૂપિયાની કિંમતે વેચાતી હોય છે. જોકે કુનરિયા ગામના પશુપાલક ભરતભાઈ લખમણભઈ આહીરની એક જાતવાન કુંઢી ભેંસ સુરતના કાળુભાઈ દેસાઈ નામના માલધારીએ રૂ. ૫.૧૧ લાખમાં ખરીદી છે.
આ સોદામાં મધ્યસ્થી બનનારા લોરિયા ગામના હુસેન મામદ કુંભારે કહ્યું કે પોતે ૧૯૯૮થી આ ક્ષેત્રે સંકળાયેલા છે પણ આટલી કિંમતે સોદો થયાનો પ્રથમ બનાવ છે.
કુનરિયાના પશુપાલકના જણાવ્યા અનુસાર તેમની ભેંસ અસલ કુંઢી નસલની છે. બંને શિંગડાં ગોળ વળેલા છે. આ પ્રકારની ભેંસના આંચળ માપના હોય છે, તેનું મોં ટૂંકું અને ગરદન લાંબી તથા ટૂંકી પૂંછ તેની ઓળખ છે. તેને દોહવા બેસો ત્યારે જ્યાં સુધી દોહન પૂરું ન થાય ત્યાં સુધી પગ પણ હલાવતી નથી, તે દરરોજ બે ટાઈમમાં ૨૩ લિટર દૂધ આપે છે.


comments powered by Disqus