અમદાવાદઃ ગુજરાત રાજ્ય ભરપૂર મેઘમહેરના કારણે તરબતર થઇ ગયું છે. રાજ્યમાં મંગળવાર સુધીમાં ૪૦ ઇંચ વરસાદ થઈ ગયો છે, જે સામાન્ય કરતા પણ ૧૦ ઇંચ વધુ છે. વડોદરામાં વિશ્વામિત્રી, ભરૂચમાં નર્મદા અને સૌરાષ્ટ્રમાં પોરબંદર પંથકમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આણંદ જિલ્લાના બોરસદ, સોજીત્રા અને આંકલાવમાં ૨.૫ ઇંચ વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં ભાભર અને ડીસામાં ૩-૩ ઇંચ, દિયોદર-દાંતીવાડામાં ૨-૨ ઇંચ વરસાદ પડ્યો હતો. અનેક ઠેકાણે એનડીઆરએફની ટીમ એલર્ટ રખાઈ છે.
સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા
સૌરાષ્ટ્ર ઉપર બારે મેઘ ખાંગા થયા હોય તેમ શનિવાર અને રવિવાર એમ સતત બે દિવસ ભારે વરસાદ વરસતા ચોમેર પાણી-પાણી થઈ ગયું છે. ગીરનાથ ઉપર સૌથી વધુ ૧૦ ઇંચ જ્યારે જૂનાગઢ જિલ્લામા વંથલી ૯ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય જામનગર, વિસાવદર અને તાલાલામાં ૮ ઇંચ વરસાદ વરસ્યો હતો. બોટાદના ગઢડામાં ૭.૪૮ ઇંચ, ગીર સોમનાથના સૂત્રાપાડા, મોરબી અને માળીયામાં ૬ ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકાર થયો હતો. રાજકોટના કોટડાસાંગાણીમાં ૫ ઇંચ, લોધીકામાં ૩ ઇંચ, જસદણમાં ૩ ઇંચ, ગોંડલમાં ૨ ઇંચ, મોટી પાનેલીમાં અઢી ઇંચ જેવો વરસાદ પડી ગયો છે. જૂનાગઢના વંથલી ૯ ઇંચ, તાલાલામા ૮ ઇંચ, વિસાવદર ૬ ઇંચ, મેદડરડા, માણાવદર ૬ ઇંચ, માળીયાહાટીના પ ઇંચ વરસાદ પડયો હતો. ગીરગઢડા ૪, વેરાવળ, તાલાલા, કોડીનારમાં ૩ ઇંચ વરસાદ પડયો હતો. મોરબી ૬.૧૬ ઇંચ વરસાદ પડયો હતો. જામનગર શહેર-જિલ્લામાં એકથી આઠ ઇંચ વરસાદ નોંધાયો હતો.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને રવિવારે મેઘરાજાએ ધમરોળતા સાર્વત્રિક ભારે વરસાદ ખાબકયો હતો જેમાં સોમવારે જામજોધપુરમાં વધુ ૭ ઇંચ, ખંભાળીયામાં ૫.૨ ઇંચ અને લાલપુરમાં ૩ ઇંચ સહિત સાર્વત્રિક એકથી ૨.૫ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ધ્રોલ અને જોડિયામાં સોમવારે વધુ અડધાથી એક ઇંચ પાણી વરસ્યું હતું.
કચ્છમાં ધમાકેદાર મેઘસવારી
પશ્ચિમ કચ્છના અબડાસા અને નખત્રાણામાં તથા દરિયાકાંઠાના મુન્દ્રા અને માંડવીએ કંઠીપટમાં ધમાકેદાર વરસાદ પડ્યો હતો. અબડાસાના નલિયા તથા આસપાસના ગામોમાં શનિવારે ૬ કલાકમાં ૮ ઈંચ અને મુન્દ્રામાં ૪.૫ ઇંચ, નખત્રાણામાં આશરે સાડા ત્રણ ઈંચ, માંડવીમાં અઢી ઇંચથી વધુ વરસાદ પડયો હતો. ભુજમાં અઢી ઈંચ જેવું પાણી વરસી ગયું હતું. આ ઉપરાંત નલિયા, તેરા, બિટ્ટા, કોઠારા, વાયોર, રાપર (અબડા) સહિત સમગ્ર તાલુકામાં ધોધમાર ૮ ઇંચ વરસાદ તૂટી પડયો હતો. નલિયાની મુખ્ય બજારમાં તો ૪ ફૂટ પાણી ભરાયા હતા. અબડાસાના વમોટીમાં પણ આઠ ઇંચ વરસાદ પડયો છે. નખત્રાણા તાલુકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડયો હતો. રવાપર, ઘડાણી, વાલ્કા, નેત્રા, અરલ, કોટડા (જ), નિરોણા સહિત પાવરપટ્ટી પંથકના ગામોમાં પણ મેઘરાજાના મંડાણ થયા હતા. માંડવીમાં પણ અઢી ઇંચ જેટલો વરસાદ પડયો છે. ઉપરાંત જિલ્લામાં અનેક ગામોમાં સાડા ત્રણથી ચાર ઇંચ વરસાદ પડયો હતો. ભુજમાં પણ અઢી ઇંચ વરસાદ પડયો હતો. માધાપર, કુકમા, સુખપર, માનકુવા, સામત્રા, દેશલપર, સૂરજપર, નારાણપર, કેરા, ભારાપર, બળદિયા સહિતના વિસ્તારોમાં પણ એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. લખપત તાલુકામાં બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. નલિયા-માતાના મઢ માર્ગ વચ્ચેથી પસાર થતી વેગડી નદી પર બનાવાયેલો કોઝ-વે તૂટી પડયો છે.
દક્ષિણ ગુજરાત તરબોળ
દક્ષિણ ગુજરાતના વલસાડમાં ૪.૭ ઇંચ, ઉમરગામમાં અડધો ઇંચ, કપરાડામાં ૧ ઇંચ, ધરમપુર અડધો ઇંચ, પારડી ૧ ઇંચ, વાપીમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રવિવારે મેઘરાજાની બેટિંગ યથાવત્ રહી હતી. ખાસ કરીને સુરત જિલ્લામાં માંગરોળમાં ૬.૧૬ ઇંચ ખાબકતાં ૬ કોઝવે પર પાણી ફરી વળ્યું હતુ. ઉમરપાડામાં ૪.૬ ઇંચ, બારડોલીમાં ૨.૫૬ ઇંચ, માંડવીમાં ૧.૯૨ ઇંચ, મહુવામાં ૧.૫૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના ઉમરગામમાં ૪.૩૨ ઇંચ, કપરાડા ૪.૩૬ ઇંચ, ધરમપુર ૩.૪૮ ઇંચ, પારડી ૧.૩૬ ઇંચ, વલસાડ ૨.૧૨ ઇંચ વરસાદ વરસ્યો હતો. તાપી જિલ્લાના ડોલવણ અને વાલોડમાં ૪ ઇંચ, વ્યારામાં ૨.૭૬ ઇંચ, નિઝરમાં ૨.૩૬ ઇંચ વરસાદ પડયો હતો.
નર્મદા ડેમમાંથી પાણી છોડાતાં ભરૂચમાં પૂર
નર્મદા ડેમમાંથી ૧૧ લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચના કાંઠે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચ શહેરમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એનડીઆરએફની બે ટીમ કાર્યરત છે. ૩૦ ગામોને પૂરથી અસર થઈ છે. અત્યાર સુધીમાં ઝઘડિયા, અંકલેશ્વર, ભરૂચ તાલુકામાંથી કુલ ૪૯૭૭ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લોકોને સાવધ રહેવા જણાવાયું છે. ભરૂચના ભાડભૂત ગામેથી બોટમાં આવી રહેલા પાંચ લોકોને એનડીઆરએફની ટીમે બચાવ્યા હતા. આ લોકોની બોટ રસ્તામાં બંધ થઈ ગઈ છે. કરનાળીમાં પણ પરિસ્થિતિ વણસી છે.
વિશ્વામિત્રી ૨૦ ફૂટેઃ પિલોલ જળબંબાકાર
વિશ્વામિત્રી નદી ૨૦ ફૂટની સપાટીએ વહેતી થઇ કે વડોદરા પાસે આવેલું પિલોલ ગામ સંપર્કવિહોણી બની ગયું હતું. વડોદરાથી સાવલી જતા ૮ કિ.મી. દૂર આવેલા પિલોલ ગામની વસ્તી લગભગ ૨૦૦૦ જેટલી છે. વિશ્વામિત્રીના કાંઠે આવેલા પિલોલ ગામમાં વિશ્વામિત્રી ૨૭ ફૂટની ઉપર પહોંચે ત્યારે પૂરના પાણી ભરાતા હોય છે. જોકે આ વખતે વિશ્વામિત્રીની સપાટી માત્ર ૨૦ ફૂટે હતી ત્યારે જ આખા ગામમાં પાણી ફરી વળતાં ગ્રામજનોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. નોંધનીય છે કે પૂરના કારણે પિલોલ વિખૂટું પડી જતું હોવાથી સાતેક વર્ષ પહેલાં નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો. જોકે આ વખતે આ બ્રિજ પરથી પણ ત્રણ ફૂટ પાણી વહી રહ્યું હોવાથી ગામના ઘણા મકાનોમાં પાણી ઘૂસી ગયા છે.
૧૦૩ ડેમો છલોછલ, ૭૮ તળાવો ઓવરફ્લો
છેલ્લા કેટલાંક દિવસથી વરસતા અનરાધાર વરસાદને કારણે ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજયના ૧૦૩ ડેમો સંપૂર્ણપણે ભરાયાં છે જયારે વરસાદી પાણીને કારણે રાજ્યની ૬૨ નદીઓ હાલમાં બે કાંઠે વહી રહી છે સાથે સાથે ૭૮ મોટા તળાવો ઓવરફ્લો થયા છે. મેઘરાજાની મહેરને કારણે આ વખતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ડેમો મોટા ભાગે ભરાઇ ચૂક્યાં છે. જોકે, હજુ ય ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણીની કમી રહી છે કેમ કે, અહીં એક જ ડેમ છલકાયો છે. સૌરાષ્ટ્રના કુલ ૧૪૦ ડેમો પૈકી ૭૪ ડેમો તો સંપૂર્ણપણે ભરાઇ ચૂક્યાં છે. સૌરાષ્ટ્રના ડેમોમાં તો અત્યારે ૯૩.૯૩ ટકા પાણી ઉપલબ્ધ છે. આ જ પ્રમાણે, કચ્છમાં ય આ વખતે મેઘરાજાની મહેર રહી છે. અહી તો ૨૦૦ ટકા વરસાદ વરસ્યો છે જેથી ૨૦ ડેમો પૈકી ૧૩ ડેમો છલોછલ ભરાયા છે. કચ્છના ડેમોમાં ૮૮.૨૭ ટકા પાણીનો સંગ્રહ થઇ ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ય ૧૩ ડેમોમાથી ૯ ડેમો ભરાયા છે. આ ડેમોમાં અત્યારે ૭૭.૩૯ ટકા પાણી મૌજુદ છે. મધ્ય ગુજરાતમાં ૧૭ ડેમો પૈકી ૬ ડેમો છલોછલ થયા છે. આ બધાય ડેમોમાં અત્યારે ૮૫.૨૭ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
ભારે વરસાદથી ખેતીને વ્યાપક નુકસાન
અનરાધાર વરસાદ વરસતાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ખેતીને વ્યાપક નુકશાન પહોંચ્યુ છે. વરસાદી પાણીને લીધે ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે, જેથી તલ, કપાસ, મગ, અડદ, મગફળી સહિતના પાકો ધોવાયા છે. આ કારણોસર ખેડૂતોએ બિયારણ, જંતુનાશક દવા સહિતનો ખર્ચ માથે પડયો છે. આ વર્ષે સારો વરસાદ થવાની આશામાં ખેડૂતોએ આખાય ગુજરાતમાં કુલ મળીને ૮૨,૯૮,૩૭૧ હેક્ટરમાં વાવેતર કર્યુ હતું.
જોકે, ધારણા કરતાં વધુ વરસાદ પડતા અતિવૃષ્ટિ જેવી સ્થિતિ પરિણમી છે. મોરબી, સુરેન્દ્રનગરમાં કપાસના નાના છોડવા સૂકાયા છે. સાથે સાથે દાડમના પાકનો સોથ વળી ગયો છે. તુવેર, તલનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. અમદાવાદ જિલ્લામાં તો ડાંગરના પાકને નુકશાન પહોચ્યુ છે. જૂનાગઢ પંથકમાં ય માણાવદર, વંથલી, મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ખેતરોમાં ભરાઇ જતાં મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકશાન પહોચ્યુ છે. અહીં તો આખેઆખા ખેતરો જ ધોવાઇ ગયા છે જેના કારણે હવે તો આ જમીન પર ખેતી કરવી ય મુશ્કેલભર્યુ બન્યુ છે. વાંકાનેરમાં વરસાદ અવિપરતપણે વરસી રહ્યો છે જેના કારણે મગફળી, તલ, કપાસનો પાક નિષ્ફળ ગયો છે.
જામનગર પંથકમાં કપાસ પર ફૂલ બેસવાના સમયે જ ભારે વરસાદ થતાં પાકને નુકશાન પહોચ્યુ છે. પોરબંદરના કુતિયાણામાં તો ખેતરોમાં પાંચ ફુટથી વધુ પાણી ભરાયા છે જેના કારણે પાકના મૂળિયા જ સડી ગયા છે. પાકના દાણામાં ફુગ આવી છે.
નેશનલ હાઈવે, ૩૩ સ્ટેટ હાઈવેને અસર
ભારે વરસાદને પગલે રાજ્યમાં કુલ ૨૯૭ રસ્તા બંધ છે. પંચાયત હસ્તકના ૨૩૨, એક નેશનલ હાઈવે, ૩૩ સ્ટેટ હાઈવે વરસાદના પાણી ફરી વળતાં બંધ થઈ ગયા છે. રાજ્યની એસટી બસના ૪૮ રૂટ પરની ૧૦૧ ટ્રીપ બંધ કરી દેવાઈ છે. જો કે હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યાં હોવાથી બે-ચાર દિવસમાં વાહન-વ્યવહાર પૂર્વવત થાય તેવી આશા છે.
યાત્રાધામ કરનાળીમાં પણ હોડીઓ ફરતી થઇ
નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે પ્રસિદ્ધ યાત્રાધામ કરનાળીમાં પાણી ફરી વળતા અવરજવર સદંતર બંધ થઈ ગઈ છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતાં નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે યાત્રાધામ કરનાળીમાં ૧૨થી ૧૫ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે ગામમાં હોડીઓ ફરતી થઇ હતી. પૂરના કારણે બસ સ્ટેન્ડથી નર્મદા માતા મંદિર સુધીનો માર્ગ તેમજ કરનાળી ગામમાં પ્રવેશવાના ચાર રસ્તા સર્કલ, ઓરસંગ બ્રીજ, પીએચસી સેન્ટર, પોલીસ સ્ટેશન, કરનાળી મંદિરના ભંડારાનો શેડ તેમજ અન્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. નોંધનીય છે કે, યાત્રાધામ કરનાળીને પૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વ. અરુણ જેટલીએ દત્તક લીધું હતું.
નર્મદા સાથે ઓરસંગના પાણી ફરી વળ્યા
કરનાળી નજીક ત્રિવેણી સંગમ થતો હોવાથી બેવડો માર પડ્યો છે. ઓરસંગ અને નર્મદાના પાણી એકસાથે ફરી વળતાં કરનાળીના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.