મહેસાણાઃ ઉત્તર ગુજરાતના મોખરાના નગર મહેસાણાનો ૨૮ ઓગસ્ટે ૬૬૩મો જન્મદિન ઉજવાયો હતો.
સંવત ૧૪૧૪ - ભાદરવા સુદ દસમના રોજ અંબાસણના ચાવડા રાજા પુંજાજીના ઉત્તરાધિકારી પાટલીપુત્ર મેસાજી ચાવડાએ તોરણવાળી માતાજીના સ્થાપના કરી મેસાણા વસાવ્યું હતું. મેસાજીએ વસાવ્યું હોઈ તે સમયે મેસાણા તરીકે ઓળખાતું આ શહેર હાલમાં ઉત્તર ગુજરાતનું એક અગ્રેસર શહેર મહેસાણા બની ચૂક્યું છે. મહેસાણા શહેર વસ્યું ત્યારે તેની વસતી માંડ ૧૦,૧૪૧ અને ૧૯૫૭માં ૨૫૦૦૦ જેટલી હતી. જ્યારે આજે મહેસાણા શહેરીની વસ્તી અઢી લાખ ઉપર પહોંચવા આવી છે. તો શહેરનો ઘેરાવો પણ વધીને ૩૨ ચોરસ કિમીથી વધી ગયો છે.
મહેસાણાનું તોરણ મેસાજી ચાવડાએ તોરણવાળી માતાજીની ડેરી પ્રસ્થાપિત કરી બાંધેલુ એટલે આ તોરણવાળી માતા તરીકે ઓળખાય છે, જે મહેસાણાના સ્થાનિક બ્રહ્મભટ્ટોનાં કુળદેવી છે. દર વર્ષે મહેસાણા શહેરની સ્થાપનાના દિવસે બ્રહ્મભટ્ટ સમાજ અને તોરણવાલી માતાજી ટ્રસ્ટ દ્વારા મહેસાણામાં શોભાયાત્રા કઢાય છે અને માતાજીનો હવન કરવામાં આવે છે.
૨૮ ઓગસ્ટે પણ આ પરંપરા શ્રદ્ધાભેર નિભાવવામાં આવી હતી. રણવાલી માતાના મંદિર અગળ જ મેસાજી ચાવડાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે ત્યારે મહેસાણાના ૬૬૩મા સ્થાપના દિને શુક્રવારે મહેસાણા નગરપાલિકા પ્રમુખ નવિનભાઈ પરમાર, સદસ્યો જનક બ્રહ્મભટ્ટ, સંજય બ્રહ્મભટ્ટ, પરેશ ઝા સહિતે પ્રતિમાને પૂષ્પાંજલિ અર્પણ કરી હતી.
સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે પાલિકાનું ભવન, ટાઉનહોલ, ગાંધી શોપિંગ સેન્ટર ફાયર સ્ટેશન સહિત પાલિકાની મિલકતોને રોશનીનો ઝગમગાટ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, તોરણવાળી માતાજીના મંદિરમાં તે સમયે મેસાજી ચાવડાએ દિવો પ્રગટાવ્યો હતો, જે ૬૬૩ વર્ષથી મંદિરમાં અખંડ દિવો પ્રજવલિત છે. માતાજીના મંદિરમાં ગજસવારી આરૂઢ શાલીગ્રામ પથ્થમાંથી કંડારેલી મૂર્તિ પણ યથાવત્ છે.