મુંદ્રામાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયોઃ આઇએસઆઇ માટે કામગીરી કરતો હતો

Thursday 03rd September 2020 07:04 EDT
 

ભુજઃ દેશની નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) બે દિવસથી કચ્છના મુંદ્રામાં એક વ્યક્તિની તપાસ કરી હતી. હવે તપાસમાં આ વ્યક્તિ પાકિસ્તાની જાસુસી સંસ્થા આઇએસઆઇ એજન્ટ તરીકે કામ કરતો હોવાનું સામે આવતા તેની ધરપકડ કરાઇ છે.
એનઆઈએ ટીમ એક મહિનાથી કચ્છમાં ચારેક વાર મુલાકાત લઈને તપાસ કરી ચુકી હતી. આ પછી મુંદ્રાના કુંભારવાસ વિસ્તારમાં રહેતા રજાક સુમારભાઈ કુંભારના ઘરની તપાસ કરીને શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કર્યા હતા. હવે જાહેર થયું છે કે રજાક આઈએસઆઈ એજન્ટ તરીકે કામ કરતો હતો.
મુંદ્રાના રજાક પર એનઆઈએની નજર ત્યારે પડી જ્યારે તેના પેટીએમ એકાઉન્ટ વડે પાંચ હજાર રૂપિયાની રકમ એક અન્ય વ્યક્તિ થકી ટ્રાન્સફર થઈને વારાણસીમાં એટીએસ જેના વિરુદ્ધ તપાસ ચલાવી રહી છે, તે રશીદના પેટીએમ ખાતામાં પહોંચી હતી.
રશીદે આ અગાઉ ભારતીય સેના, સીઆરપીએફના કેમ્પ અને અન્ય મહત્વપુર્ણ સ્થળોની વિગતો અને ફોટોગ્રાફ પાકિસ્તાનના હેન્ડલરને મોકલ્યા હોવાનું સામે આવી ચુક્યું હતું. આ ૫૦૦૦ રૂપિયા તે માહિતી સામે આઇએસઆઇએ કરેલું ચુકવણું હોવાનું અને તે કરવા મુંદ્રાના રજાકને કહેવાયું હોવાનું એનઆઈએનું કહેવું છે.
રજાક મજૂરી કરતા પરિવારનો સભ્ય છે, જે પહેલા રીક્ષા ચલાવતો હતો અને હવે મુંદ્રા સ્થિત ડોકયાર્ડમાં સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો. તેના કચ્છમાં જ થયેલા અગાઉ એક લગ્ન તુટ્યા બાદ, પાકિસ્તાનમાં સગાવ્હાલા રહેતા હોવાથી ત્યાં ગયો હતો ત્યારે બીજા નિકાહ પઢ્યા હતા. જોકે યુવતીને ભારતમાં લાવીને ગૃહસ્થી વસાવી શકે તેમ ન હોવાથી તલાક આપ્યા હતા.
આ દરમિયાન તેના પરિવારના સુત્રોએ જણાવ્યું હતું કે પખવાડીયા અગાઉ જ તેણે ભુજની કન્યા સાથે લગ્ન કર્યા હતા.


comments powered by Disqus