વડોદરાઃ અમેરિકા જવા માટે એનઆરઆઇ યુવક સાથે છેતરપિંડી આચરનાર મુંબઇની મોડેલ આખરે જેલમાં પહોંચી છે. મુંબઇમાં મોડેલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી આ યુવતીએ પતિ અને સંતાન હોવા છતાં અમેરિકા જવા માટે એનઆરઆઇ યુવકને પોતે ડિવોર્સી તરીકે પરિચય આપીને લગ્ન કર્યા હતા એટલું જ નહીં, અમેરિકા પહોંચ્યા પછી યુવક પાસેથી રૂપિયા પણ પડાવ્યા હતા. આ અંગે ફરિયાદ થયા બાદ વડોદરા પોલીસે મુંબઇ જઇ યુવતીને ઝડપી લીધી છે.
ગોરવા વિસ્તારમાં ગાંધીનગર સોસાયટીમાં રહેતો મિતેષ વાઘેલાના છૂટાછેડા થયા હોવાથી બીજા લગ્ન માટે ૨૦૧૬માં તેણે મેટ્રિમોનિયલ સાઇટ પર ડિવોર્સી તરીકે પ્રોફાઇલ મુકી હતી. જે પ્રોફાઇલ જોઇને મુંબઇમાં અગાઉ મોડેલિંગ ક્ષેત્રે સંકળાયેલી યુવતી તેના સંપર્કમાં આવી હતી.
યુએસ પહોંચીને પોત પ્રકાશ્યું
યુવતીએ પોતાનું નામ બદલીને પોતે ડિવોર્સી હોવાનું દર્શાવી એન્જિનિયર મિતેષ સાથે વડોદરામાં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ હોટલના ખર્ચા, અંગત ખર્ચ તેમજ અમેરિકા આવવા-જવાનો ખર્ચ કરાવી રૂ. ૧૫થી ૨૦ લાખ ખંખેર્યા હતા. અમેરિકા ગયા બાદ તેણે ડિવોર્સ થયા નહીં હોવાની કબૂલાત કરી હતી.
મિતેષે યુવતી સાથે રહેવાનો ઇનકાર કરતાં તેણે અમેરિકાની પોલીસ સમક્ષ મિતેષ સામે ફરિયાદ કરી હતી. જેથી મિતેષને મજબૂરીથી તેની સાથે રહેવું પડયું હતું. આ દરમિયાન યુવતી મિતેષને શારીરિક સબંધો રાખવા પણ ઓફર કરતી હતી. આખરે કંટાળીને મિતેષ વડોદરા આવી જતાં યુવતી પણ વડોદરા આવી ગઇ હતી.
આ પછી મિતેષના પિતા રમણભાઇની ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે યુવતી સામે છેતરપિંડી કરીને રૂપિયા પડાવવા બદલ ગુનો નોંધ્યો હતો. પોલીસે મુંબઇના વાસી ખાતે જઇ પતિના ફ્લેટમાંથી જ યુવતીને ઝડપી લીધી હતી.
યુવતીનો ચર્ચાસ્પદ ભૂતકાળ
તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે મુંબઇની યુવતીએ રેપની એકસરખી બે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ડિવોર્સી તરીકે એનઆરઆઇ યુવક સાથે લગ્ન કરનાર યુવતીએ યુવક સામે મુંબઇ પોલીસમાં રેપની ફરિયાદ નોંધાવતા લોકડાઉન દરમિયાન મુંબઇ પોલીસે મિતેષ વાઘેલાની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેનો જામીન પર છૂટકારો થયો હતો.
આ જ યુવતીએ અગાઉ સુરતના બાળકોના ડોક્ટર વિપુલ મિસ્ત્રી સાથે પરિચયમાં આવ્યા બાદ વડોદરાની હોટેલમાં ડોક્ટર સાથે સમય વીતાવ્યો હતો અને ત્યારબાદ ડોક્ટરે તેને ગર્ભવતી બનાવી હોવાનો આરોપ મુકી રેપની ફરિયાદ નોંધાવી હતી. સયાજીગંજ પોલીસે જે તે સમયે ડોક્ટરની ધરપકડ કરી તેમને જેલમાં મોકલ્યો હતો.