મોરબીઃ રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્રભાવના જેના રક્તના બુંદ બુંદમાં છે તેવા યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરિયા કોઈ પણ કુદરતી આફતમાં જરૂરતમંદોને વ્હારે આવવાનું ચુક્તા નથી. તેમણે કોરોના મહામારીમાં સતત ૫૭ દિવસ સેવાયજ્ઞ હાથ ધરી ઘેર ઘેર જરૂરિયાતમંદોને ટિફિન પહોંચાડ્યા હતા. હવે અજયભાઈએ કોરોના વોરિયર્સ ટીમના ૨૦ યુવાનોને સ્વખર્ચે બાઈકની ભેટ આપી લોકડાઉનમાં કરેલી સેવાની કદર કરી છે. ઉલ્લેખનીય છે કે અજયભાઈએ અગાઉ તેમના ગામ વાયપરમાં ૧૪ યુવાનોને બાઈક અર્પણ કર્યા હતા. બાકી રહેલા છ યુવાનને મોરબીમાં બાઈક અર્પણ કર્યા છે.
કલેક્ટર જે. બી. પટેલ, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, સંઘ પ્રચારક જયંતીભાઈ ભાડેસિયા સહિતના અગ્રણીની ઉપસ્થિતમાં અજય લોરિયાએ બાઈક અર્પણ કરી સેવાયજ્ઞનું ઋણ ચુકવ્યું છે. સ્વખર્ચે કાર્ય કરી અનોખી પ્રેરણા લોકોની આપી છે. ઉપસ્થિત આગેવાનોએ અજયભાઈની સેવાની બિરદાવી હતી.
અજયભાઈએ જણાવ્યું હતું કે કોરોના લોકડાઉનમાં તેમની ટીમે ૨૧ હજાર ગરીબો સુધી ટિફીન પહોંચાડ્યા છે. ૭૦ હજાર માસ્ક અને ૧૧ હજાર રેશનકિટનું વિતરણ કર્યું હતું. પુલવામા હુમલામાં શહીદ જવાનોના પરિવારને ત્યાં વતન જઈ સહાય પહોંચાડી છે. આ માટે તેમણે ૧૦ હજાર કિમીનું અંતર કાપી કુલ રૂ. ૭૩ લાખની સહાય હાથોહાથ આપી છે.