અમદાવાદ: ગુજરાતમાં મંગળવારે કોરોનાના વધુ ૧૩૧૦ કેસ નોંધાયા છે અને ૧૪ વ્યક્તિના મૃત્યુ થયા છે. હાલમાં ૧૫૭૯૬ એક્ટિવ કેસ છે અને ૯૨ દર્દી વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં ઓગસ્ટ માસ દરમિયાન કોરોના વાયરસનો વ્યાપ વધ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૩૦૩૬ થયો છે.
ઓગસ્ટના ૩૧ દિવસમાં જ કોરોનાના ૩૪,૯૯૭ કેસ નોંધાયા છે જ્યારે ૫૮૩ વ્યક્તિના મૃત્યુ થયા છે. આમ, ઓગસ્ટમાં પ્રતિ દિન સરેરાશ ૧૧૨૯ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૧૯ વ્યક્તિ મૃત્યુ પામી છે એમ કહી શકાય. ગુજરાતમાં કોરોનાના કુલ ૯૬,૪૩૫માંથી ૩૫ ટકાથી વધુ કેસ માત્ર ઓગસ્ટમાં જ નોંધાઇ ચૂક્યા છે.
અનલોક-૪ જાહેર
ગુજરાત સરકારે અનલોક-૪ની ગાઇડલાઇન બહાર પાડી દીધી છે અને તે મંગળવારથી લાગુ પણ થઇ ગઇ છે. ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ૩૦ સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જ્યારે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર નિયત પ્રવૃત્તિ ચાલુ રાખી શકાશે. ગુજરાતમાં મંગળવારથી જ હોટેલ અને રેસ્ટોરન્ટ ૧૦ વાગ્યાના બદલે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રાખવા છુટ આપી દેવાઇ છે. તેમજ હવે પબ્લિક ગાર્ડન પણ ખુલશે. ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ ખુલ્લા રાખી શકાશે. આ સાથે સાથે આઠ વાગ્યા સુધી ખુલ્લી રહેતી દુકાનો હવે ૨૪ કલાક ખુલ્લી રાખવાની છૂટ આપી દેવાઇ છે.
જોકે સ્કૂલ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. આ જ રીતે સિનેમાગૃહો-મલ્ટિપ્લેક્સ બંધ રહેશે જ્યારે ઓપન એર થિએટર ૨૧મીથી ખોલી શકાશે. નવી ગાઈડલાઈન્સ મુજબ હવે લારી-ગલ્લા અને શેરી ફેરિયાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. જ્યારે ૬૦ ટકા કેપેસિટી સાથે લાઈબ્રેરીઓ પણ ખુલશે. એસટી-ખાનગી બસ-કેબ સેવાને પણ ૫૦ ટકા કેપેસિટી સાથે મંજૂરી આપવામાં આવી છે.
ગાઈડલાઈનના મુખ્ય મુદ્દા
• લગ્ન સમારોહમાં ૫૦ની વ્યક્તિની જ છૂટ ૨૦ સપ્ટેમ્બર સુધી યથાવત્. • ૨૧ સપ્ટેમ્બરથી શૈક્ષણિક સંસ્થાઓમાં ૫૦ ટકા શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફને ઓનલાઈન શિક્ષણ - ટેલિ કાઉન્સેલિંગ માટે બોલાવી શકાશે. • ૨૧ સપ્ટેમ્બરથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર ધો. ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ સ્વૈચ્છિ ધોરણે શિક્ષકોના માર્ગદર્શન અર્થે વાલીની લેખિત મંજૂરી સાથે સ્કૂલે જઈ શકશે. • સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ધાર્મિક-રાજકીય સમારોહ તથા અન્ય સમૂહમાં ૨૧ સપ્ટેમ્બરથી ૧૦૦ વ્યક્તિની મર્યાદામાં એકઠા થવાની છૂટ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિગ, થર્મલ સ્કેનિંગ અને સેનેટાઈઝરની સુવિધા સાથે અપાશે. લગ્ન સમારોહમાં ૫૦ વ્યક્તિ જ્યારે અંતિમવિધિ માટે ૨૦ વ્યક્તિની મર્યાદા ૨૦ સપ્ટેમ્બર સુધી યથાવત્ રહેશે.
કોરોનાના ક્યારે કેટલા કેસ ?
મહિનો કેસ મૃત્યુ
માર્ચ ૭૪ ૦૬
એપ્રિલ ૪૩૨૧ ૨૦૮
મે ૧૨૩૯ ૮૨૪
જૂન ૧૫૮૪ ૮૧૦
જુલાઇ ૨૮૭૯ ૫૯૧
ઓગસ્ટ ૩૪૯૯ ૫૮૩
કુલ ૯૬૪૩૫ ૩૦૨૨