અમદાવાદઃ સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગે રૂ. ૧૧૦ કરોડના બોગસ બિલિંગના વ્યવહારો કરીને રૂ. ૫.૫૦ કરોડની કરચોરીના કૌભાંડમાં નાસતા ફરતા આરોપી અને મુખ્ય સૂત્રધાર સંજયકુમાર પ્રહલાદ ઉર્ફે સંજય માધાની ૨૭ ઓગસ્ટે ધરપકડ કરી છે.
આરોપીએ ઉંઝામાં જીરૂની કોમોડિટીમાં માલ રવાનગીના પુરાવાનો દુરૂપયોગ કરીને એક જ બિલ પર એકથી વધુ વખત માલ રવાના કર્યાનું દર્શાવી કરચોરી કરવાનું કૌભાંડ આચર્યું હતું. સ્ટેટ GST દ્વારા ઉંઝામાં ૩૭ સ્થળે દરોડા પાડતા રૂ. ૧૧૦ કરોડના બોગસ બિલિંગ મારફતે કેરળ, કર્ણાટક, ઓડીશા, પશ્ચિમ બંગાળના વેપારીઓ સાથે આંતરરાજ્ય વ્યવહારો કરીને કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ તપાસમાં મે. મહારાજા સ્પાઈસીસ, મે. મહારાજા સ્પાઈસીસ, એમ. પી. કોમોડિટીઝ નામની પેઢીના નામે વ્યવહારો થયા હોવાનું અને માલરવાનગીમાં સદગુરૂ લોજિસ્ટિક નામની ટ્રાન્સપોર્ટ પેઢીની સંડોવણી માલૂમ પડી છે. સંજય પ્રહલાદ ઉર્ફે સંજય માધાએ આ ત્રણેય પેઢી સ્થાપીને કરચોરી કરી હતી. સંજય માધા વિરુદ્ધ સમન્સ જારી કરાયા હતા અને પરંતુ તે હાજર થયો નહોતો અને નાસતો ફરતો હતો.