સુરત: એર ઇન્ડિયા એરલાઇન્સ પહેલી વખત સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી એક સાથે પાંચ શહેરોને જોડતી ફલાઇટ ઉડાવનારી છે. એર ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી ૬ સપ્ટેમ્બરથી ૧૮ ઓક્ટોબર દરમિયાન સપ્તાહમાં ત્રણ દિવસ પાંચ શહેરોને જોડતી ફલાઇટ ઓપરેટ કરાશે, જેમાં રવિવારે દિલ્હી, ગોવા અને હૈદરાબાદની જ્યારે સોમવારે અને બુધવારે દિલ્હી, કોલકતા અને ભુવનેશ્વરની ફલાઇટ ઓપરેટ કરાશે. આમ સ્પાઇસ જેટ અને ઇન્ડિગો એરલાઇન્સ બાદ એર ઇન્ડિયાએ પણ પોતાની ફલાઇટની સંખ્યા વધારી છે. વેપારીઓ અને ઉદ્યોગકારોએ કહે છે કે પાંચ શહેરોને જોડતી ફલાઇટો શરૂ કરતા આગામી મહિનાથી વેપારી અને ઉદ્યોગમાં તેજી મળે તેવી આશા છે.