UAEમાં ફસાયેલા ૧૫૦૦થી વધુને સ્વખર્ચે વતન પહોંચાડનાર કચ્છીમાડૂઓની મહાનતા

Wednesday 05th August 2020 08:43 EDT
 
 

ભુજ: UAEમાં સ્થાયી થયેલાં ચાર કચ્છી યુવાનોએ અભિનેતા સોનુ સુદની જેમ જ રાત-દિવસ મહેનત કરીને કોરોનાના લોકડાઉનમાં ફસાયેલાં ૧૫૦૦ કરતાં વધુ લોકોને એરલિફ્ટ કરાવીને પોતાના વતન પહોંચાડવા મદદ કરી છે.
 છેલ્લા ૧૬ વર્ષથી દુબઈમાં સ્થાયી થયેલા અને બિઝનેસ કરતાં કચ્છ ભચાઉના યુવાન ભરત જોશી અને તેમની ટીમમાં કુંજન પટેલ, જાનકી પંચાલ, પ્રતાપ મેર નામના યુવાનોએ ઇન્ડિયન એમ્બેસી સાથે સંપર્ક કરીને અત્યાર સુધી આઠ જેટલી ચાર્ટડ ફ્લાઇટ ગુજરાત મોકલી છે. અને ૧૫૦૦ કરતાં વધુ ભારતીયોને એરલિફ્ટ કરાવ્યા છે. જેમાં મોટા ભાગનાં લોકો ગુજરાતીઓ છે.
લોકડાઉન દરમિયાન જે રીતે ભારતમાં શ્રમિકો ફસાયા હતા, તેવી જ કંઈ હાલત વિદેશમાં ગયેલા ભારતીયોની પણ હતી. આ સમય એવો હતો જ્યારે તેમાંના કેટલાક લોકોની નોકરી છૂટી ગઈ હતી, કેટલાક પાસે ભાડા ભરવાના કે જમવાના પણ રૂપિયા બચ્યા ન હતા.
આ સમયે ગુજરાતના કચ્છી યુવાન ભરત જોશીએ આગળ આવીને ભારતીયોને મદદ કરવાનું બીડું હાથમાં લીધું, અને એમ્બેસી સાથે સંપર્ક કરીને આવા ભારતીયો અને ગુજરાતીઓને પરત પોતાના વતન મોકલવા મહેનત કરી છે. ચાર્ટડ ફ્લાઇટ તેમણે લોકોના સહયોગ અને ટીમના ખર્ચે કરી હતી. જ્યારે જે લોકો ભાડું ચૂકવવા અસક્ષમ હતા તેમને પણ મદદ કરીને માનવતા બતાવી હતી.
હજી પણ હજારો ગુજરાતીઓ ગલ્ફ દેશોમાં ફસાયા છે. અને તેમને મદદની જરૂર લાગી રહી છે. ભરત જોશી અને તેમની ટીમે રાતદિવસ જોયા વગર ‘વંદે ભારત મિશન' યોજનાની મદદ વિના આ મહેનત પર પાડી છે. પોતાના વતન પહોંચનાર તમામ લોકોએ તેમની ટીમની કામગીરીને બિરદાવી છે. હજી પણ જેટલા લોકો ફસાયા છે એમની વિનંતીને સરકાર સાંભળે તેવી આશા તેઓ રાખી રહ્યા છે.


comments powered by Disqus