વિશ્વપ્રસિદ્ધ આદ્યશકિત યાત્રાધામ અંબાજીનો ભારત સરકારે ‘પ્રસાદ’ યોજનામાં સમાવેશ કર્યો છે. કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે દેશના વધુ પાંચ તીર્થયાત્રા સ્થાનોનો આ યોજનામાં સમાવેશ કરવા કરેલી જાહેરાત અંતર્ગત અંબાજીને પણ પ્રસાદ યોજના અન્વયે સાંકળી લેવાનો નિર્ણય કર્યો છે.
આમ ‘પ્રસાદ’ યોજનામાં અગાઉ સમાવિષ્ટ થયેલા સોમનાથ અને દ્વારકા સાથે હવે અંબાજી ગુજરાતનું ત્રીજું યાત્રા પ્રવાસન તીર્થ બન્યું છે, જેનો ‘પ્રસાદ’ યોજના અન્વયે વિકાસ થશે.
ગુજરાત પ્રવાસન નિગમે યાત્રાધામ અંબાજીનો ‘પ્રસાદ’ પરિયોજનામાં સમાવેશ કરીને પ્રવાસન સુવિધા કેન્દ્ર, કોમ્યુનીટી કિચન, ગબ્બર પગથિયાં નવિનીકરણ જેવી પ્રવાસન-યાત્રી સુવિધાઓ વિકસાવવા ભારત સરકારમાં કરેલી દરખાસ્તનો કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે સ્વીકાર કર્યો છે. આમ હવે, અંબાજી યાત્રાધામમાં વ્યાપક સ્તરે વિકાસકાર્યો હાથ ધરીને યાત્રિક સુવિધામાં વધારો કરાશે. ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ અંબાજીને તાજેતરમાં જ શ્રેષ્ઠ યાત્રિક સુવિધાઓ માટે ISO 9001 સર્ટીફિકેટ પણ પ્રાપ્ત થયેલું છે.