નવી દિલ્હીઃ આખો દેશ કાળમુખા કોરોનાના ભરડામાં આવી ગયો છે. દેશનાં અનેક રાજ્યોમાં ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. એક જ દિવસમાં કોરોનાના નવા સૌથી વધુ કેસ નોંધાવાના મામલે ભારત હવે વિશ્વમાં અમેરિકા અને બ્રાઝિલને પછાડીને નંબર વન થઈ ગયો છે. સોમવારે કોરોનાનાં નવા ૫૨,૯૭૨ કેસ નોંધાયા છે જ્યારે ૭૭૧ને કોરોના ભરખી ગયો છે. દેશમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૯ હજાર નજીક પહોંચ્યો છે.
ભારતની સરખામણીએ અમેરિકામાં ૨૪ કલાકમાં ૪૭,૦૦૦થી વધુ અને બ્રાઝિલમાં ૨૫,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૮,૦૩,૬૯૫ થઈ છે જ્યારે યોગ્ય સારવારને કારણે ૧૧,૮૬,૨૦૩ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. એક્ટિવ કેસની સંખ્યા ૫,૭૯,૩૫૭ છે.
કોરોનાનું સૌથી વધુ સંક્રમણ મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક બિહાર, ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં છે. દેશમાં સતત પાંચમા દિવસે ૫૦,૦૦૦થી વધુ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. ૨૪ કલાકમાં ૪૦,૫૭૪ લોકો રિકવર થયા છે. આથી રિકવરી રેટ વધીને ૬૫.૭૬ ટકા થયો છે જ્યારે પોઝિટિવિટી રેટ ૧૧ ટકાથી વધીને ૧૩.૯૦ ટકા થયો છે. મૃત્યુ દર ઘટીને ૨.૧૩ ટકા થયો છે.
બે કરોડ કરતાં વધુના ટેસ્ટ
ICMRના જણાવ્યા મુજબ રવિવારે એક જ દિવસમાં દેશમાં ૩,૮૧,૦૨૭ લોકોનાં સેમ્પલ ટેસ્ટ કરાયાં હતાં. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૨ કરોડ કરતાં વધુ એટલે કે ૨,૦૨,૦૨,૮૫૮ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં ૧૮૬ દિવસમાં કોરોના સંક્રમિતોનો આંક ૧૮ લાખને પાર થયો છે. પહેલા ૧ લાખ કેસ નોંધાતા ૧૧૦ દિવસ લાગ્યા હતા જ્યારે છેલ્લા ૭૬ દિવસમાં નવા ૧૭ લાખ કેસ નોંધાયા છે. ટેસ્ટમાં વધારો થવાથી નવા કેસ નોંધાઈ રહ્યા હોવાનું નિષ્ણાતોનું માનવું છે.
૮૦ ટકા કેસ ફક્ત
૫૦ જિલ્લામાં
દેશના કુલ ૭૪૦ જિલ્લામાંથી ૫૦ જિલ્લામાં જ કોરોનાના ૮૦ ટકાથી વધુ કેસ નોંધાયા હતા. સૌથી વધુ વસ્તી ધરાવતા આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં સંક્રમણ વધ્યું હતું. સરકારે ગામડાઓમાં સંક્રમણ વધતું રોકવા પગલાં લીધાં છે.
દક્ષિણનાં રાજ્યોમાં કોરોના વકર્યો
દક્ષિણનાં રાજ્યો આંધ્ર પ્રદેશ અને તેલંગણા તેમજ તામિલનાડુમાં કોરોના વકર્યો છે. આંધ્રમાં નવા ૮,૫૫૫ કેસ નોંધાયા હતા અને ૬૭ નવા મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૧,૪૭૪ થયો હતો. ૬,૨૭૨ લોકો સાજા થયા હતા. જો કે ૭૪,૪૦૪ કેસ એક્ટિવ હતા. જ્યારે ૮૨,૮૮૬ લોકો સાજા થયા હતા. તેલંગણમાં ૨૪ કલાકમાં ૯૮૩ કેસ આવ્યા હતા અને ૧૧નાં મોત થયા હતા. કુલ મૃત્યુઆંક ૫૫૧ થયો હતો. બીજી બાજુ બેંગ્લુરૂમાં આવેલા ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સમાં રહેતા ૧૯ લોકોને કોરોના થતા હડકંપ મચ્યો હતો. કોરોના પોઝિટિવમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, સ્ટાફ અને તેમના પરિવારજનો સામેલ છે.