નારાયણ સરોવર: લદાખ સરહદે તણાવની ઘટના બાદ પાકિસ્તાનને એવું હતું કે ભારત ચીન સામે ઝૂકી જશે. જોકે આવું કંઇ ન થતાં પાકિસ્તાને ભારત સાથે જોડાયેલી કચ્છ સરહદે મોરચાબંદી શરૂ કરી છે. હાલ કચ્છ ક્રિક સામે પાકિસ્તાનની ક્રિક રેન્જર્સ ૩૦ બટાલીયન કાર્યરત છે અને ચીનના કહેવાથી હવે ક્રિક રેન્જર્સ ૩૧ બટાલીયન મુકવા માટેની તૈયારી કરી લીધી હોવાના અહેવાલ સાંપડ્યા છે.
ચીન પોતે હટી રહ્યું છે અને પાકિસ્તાનના રેન્જર્સને ધક્કો મારી રહ્યું છે તેવું પાક સંરક્ષણના અધિકારીઓને લાગતા તેઓ મુંઝવણમાં મુકાઇ ગયા છે. સાથે એવું પણ જાણવા મળ્યું હતું કે, પાક. સેનાના અધિકારીઓમાં પણ કચવાટ સર્જાયો છે. તેઓને સમજાવા લાગ્યું છે કે લાંબા સાથે ટૂંકો, મરે નહીં તો માંદો થાય.
ભારતના આર્થિક, રાજકીય અને સૈન્ય પગલાઓથી ડ્રેગન પણ ઢીલું પડતું દેખાતા પાકિસ્તાનને પોતાની વાસ્તવિક ક્ષમતાની ખબર પડી ગઇ છે. પાકિસ્તાનના સરહદી પ્રાંતોમાં એક જ ચર્ચા છે કે પાકિસ્તાનના આકા ચીનનો હુકમ આવતા સરહદે સૈન્ય વધારો તોકરી દેવાયો છે, પણ તેનો ખર્ચ ઉપાડવા માટે પાકિસ્તાન સક્ષમ નથી.
પાકિસ્તાન સરકારની જેમ પાક સેના પણ ચીનની ગુલામ બનતી જાય છે અને આવનારા દિવસોમાં આ મુદ્દો ઘાતક સાબિત થશે તેવું પાક.માં ચર્ચાઇ રહ્યું છે. પાકિસ્તાને વિચાર્યું હતું કે ચીન સામે ભારત બેકફૂટ પર હશે પણ એવું ન થયું અને પાકનું સપનું તુટી ગયું હતું. ચીન સરકાર સામે ચીનના સેનાની નારાજગી છે. આવનારા દિવસોમાં પાક. સરકાર અને પાક. સૈન્ય વચ્ચે ખટરાગ થાય તો નવાઇ નહીં. હાલ તો પાકિસ્તાનીઓ પણ માને છે કે ચીન પોતે પાછળ જાય છે અને આપણને આગળ ધક્કો આપી રહ્યો છે.