પોરબંદરઃ નારિયેળી પૂનમ પર્વે શ્રીફળ-પૂજાપા સાથે દરિયાદેવનું પૂજન કરીને માછીમારો અને વહાણવટીઓ દરિયાઇ સફરે રવાના થયા હતા. સોમવારે માત્ર પોરબંદરના કિનારેથી જ ૨૫૦થી વધુ બોટ માછીમારી માટે દરિયામાં રવાના થઈ હતી.
અરબી સમુદ્રના કિનારે વસેલા પોરબંદરના બંદર પર માછીમારીની સિઝન બંધ થઈ હતી ત્યારથી નાની-મોટી ૪૫૦૦ જેટલી બોટ લાંગરી હતી. વર્ષોજૂની પરંપરા મુજબ નાળિયેરી પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે માછીમારો અને વહાણવટાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પરિવાર સાથે દરિયાકિનારે પહોંચે છે અને પરિવારને ક્ષેમકુશળ રાખવાની પ્રાર્થના સાથે દરિયાદેવનું પરંપરાગત પૂજન કરતા હોય છે. આ પછી સમુદ્રમાં બોટ રવાના થતી હોય છે. સરકારના સમયપત્રક મુજબ તો ૩૦ મેથી બંધ થયેલી માછીમારીની સિઝન પહેલી ઓગસ્ટથી જ શરૂ થઇ ગઇ છે, પરંતુ માછીમારો હજુ વર્ષોજૂની પરંપરાને અનુસરીને નારિયેળી પૂનમે જ દરિયો ખેડવા રવાના થાય છે.