અમદાવાદ: સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા રાજકોટ, ધોરાજી, જૂનાગઢ સહિત વિવિધ સ્થળે મગફળી અને સીંગદાણાના ૧૪ વેપારીઓ પર પાડેલા દરોડામાં રૂ. ૧૦૦ કરોડના બોગસ બિલિંગના વ્યવહારો પકડાયા છે.
મગફળી અને સીંગદાણાના વેપારીઓ દ્વારા બિનહિસાબી વ્યવહારો કરીને મોટાપાયે કરચોરી કરવામાં આવતી હોવાની મળેલી બાતમીના આધારે સ્ટેટ જીએસટીના અધિકારીઓની ટીમો દ્વારા જૂનાગઢ, માણાવદર, ધોરાજી, રાજકોટમાં ૧૪ જેટલા વેપારીઓના ૨૫ જેટલા સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. મગફળી અને સીંગદાણાના વેપારીઓ પર હાથ ધરાયેલ સર્ચ ઓપરેશનમાં અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને ગાંધીધામના સ્ટેટ જીએસટી અધિકારીઓની ટીમ ભેગી મળીને મગફળીના અને સીંગદાણાના ૧૪ વેપારીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરીને રૂ. ૧૦૦ કરોડના બોગસ બિલિંગના વ્યવહારો પકડી પાડયા છે. હાલ એસજીએસટીની તપાસ ચાલી રહી છે અને તપાસને અંતે હજુ વધુ રકમના બોગસ વ્યવહારો અને કરચોરી પકડાય તેવી શક્યતાઓ સત્તાવાર સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.