રાજકોટઃ વર્ષોથી જેની રાહ જોવાતી હતી તેવા રામ મંદિરના નિર્માણનો પ્રારંભ થઇ રહ્યો છે. બુધવારે પાંચમી ઓગસ્ટે અયોધ્યામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરનો શિલાન્યાસ થશે. આ પ્રસંગે દેશભરમાંથી ૨૦૦ જેટલા અગ્રણીઓને આમંત્રિત કરાયા છે. ગુજરાતમાંથી પણ સાતથી આઠ સંતો આ પ્રસંગે ઉપસ્થિત રહીને ઐતિહાસિક ઘડીના સાક્ષી બનશે. જોકે આ પ્રસંગે રામકથાનું સતત ગાન કરનારા પૂ. મોરારિબાપુને યાદ કરાયા નથી.
ઐતિહાસિક શિલાન્યાસ પ્રસંગે ગુજરાતના જે સંતો - મહંતોને આમંત્રણ મળ્યું છે તેમાં રાજકોટના હિન્દુ આચાર્ય સભાના વડા સ્વામીશ્રી પરમાત્માનંદજી મહારાજ, અમદાવાદના મહામંડલેશ્વર અખિલેશ્વરદાસજી મહારાજ, SGVPગુરુકુળ - અમદાવાદના અધ્યક્ષ પૂ. માધવપ્રિયદાસજી સ્વામી, જામનગરના પ્રણામી સંપ્રદાયના આચાર્ય પૂ. કૃષ્ણમણીજી મહારાજ, સતકેવલ સંપ્રદાય - સારસાના અવિચલદાસજી મહારાજ, બીએપીએસના વડા મહંત સ્વામી, પૂર્વ સાંસદ અને ઝાંઝરકના ગાદીપતિ શુંભુપ્રસાદ ટુંડિયા, વડતાલ સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામી વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ સંતો-મહંતોને આમંત્રણ મોકલાયું તે આવકાર્ય છે.
જોકે રામમંદિર શિલાન્યાસ પ્રસંગે પૂ. મોરારિબાપુને આમંત્રણ ના મળતા રામભક્તોમાં નારાજગી પ્રવર્તે છે. મોરારિબાપુએ દેશવિદેશમાં સેંકડો રામકથાઓના માધ્યમથી વિવિધ સામાજિક સેવાકાર્યોમાં કરોડો રૂપિયાનું અનુદાન આપ્યું છે. તાજેતરમાં તેમની ૫૪૬ રામકથા તલગાજરડામાં ઓનલાઇન યોજાઇ હતી.
આ પ્રસંગે તેમણે વ્યાસપીઠેથી સંબોધન કરતાં શ્રીરામ મંદિરના નિર્માણ માટે પાંચ કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. અને પહેલી ઓગસ્ટે રામકથાની પૂર્ણાહૂતિ થઇ ત્યાંસુધીમાં દેશવિદેશમાં રામભક્તોએ રૂ. ૧૬ કરોડથી વધુનું ભંડોળ આપીને તેમની ઝોળી છલકાવી દીધી હતી. (જૂઓ બોક્સ)
રામ અને રામકથા જ જેમનું જીવન છે એવા પૂ. મોરારિબાપુને રામમંદિર શિલાન્યાસ પ્રસંગે આમંત્રણ નથી મળ્યું તે મુદ્દે સવાલ ઉઠાવાઇ રહ્યો છે. આવું શા માટે થયું તેનો કોઇ ઉત્તર રામભક્તોને મળતો નથી.
મોરારિબાપુની એક હાકલ અને ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે રૂ. ૧૬.૮૧ કરોડનું ભંડોળ એકત્ર
મહુવાઃ શ્રીરામ જન્મભૂમિ અયોધ્યામાં પાંચમી ઓગસ્ટના રોજ મંદિર નિર્માણનું ખાતમુહૂર્ત થઇ રહ્યું છે ત્યારે પૂ. મોરારિબાપુએ તલગાજરડામાં ચાલી રહેલી ઓનલાઈન કથામાં જાહેરાત કરી હતી કે મંદિર નિર્માણ માટે ૫ કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરીને મોકલાશે. તેમણે રૂ. પાંચ લાખનું દાન આપીને આ ભંડોળનો પ્રારંભ કરાવ્યો હતો. જેનો આંકડો શનિવાર સુધીમાં રૂ. ૧૬ કરોડને ઓળંગી ગયો હતો. મોરારિબાપુએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા ૫ કરોડ રૂપિયા અહીંથી મોકલીશું અને ઠાકોરજી આપણા બધાના મનોરથ પૂર્ણ કરે. આ તુલસીપત્રના રૂપમાં રૂપિયા મોકલવામાં આવશે. ભંડોળ એકત્ર કરવાના અંતિમ દિવસ - પહેલી ઓગસ્ટે કુલ રૂ. ૧૬.૮૧ કરોડની રકમ એકઠી થઈ ગઈ હતી.
‘મોરારિબાપુ નહીં પણ શ્રોતાગણ નિમિત બનશે’
પૂ. મોરારિબાપુએ જણાવ્યું હતું કે, ચિત્રકૂટધામ તલગાજડામાં તુલસીપત્રના રૂપે ઠાકોરજીના ચરણોમાં રૂપિયા અર્પણ કરું છું. શ્રોતાગણ તરફથી જે પણ કંઇ આવે તે બધા રૂપિયા મેળવીને આ પૈસા મોકલવામાં આવશે. મોરારિબાપુએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજ સુધીમાં માત્ર ભારતમાંથી ૧૦ કરોડ રૂપિયા આસપાસની રકમ એકત્ર થઈ ગઈ હતી. જ્યારે ૩ કરોડ ૫૧ લાખ રૂપિયા અમેરિકાથી અને કેનેડામાંથી, અને ૨ કરોડ ૮૦ લાખ રૂપિયા યુકે અને યુરોપથી આવ્યાં છે. આમ કુલ અત્યાર સુધીમાં ૧૬ કરોડથી પણ વધારે રકમ એકઠી થઈ ગઈ છે.
ક્યાંથી કેટલી રકમ એકત્ર થઇ?
• ભારત ૧૦ કરોડ રૂપિયા • યુએસ-કેનેડા ૩.૫૧ કરોડ રૂપિયા
• યુકે-યુરોપ ૨.૮૦ કરોડ રૂપિયા