ભુજ: માધાપર ખાતેની ઇન્ડસઇન્ડ બેન્કના મેનેજરે માધાપરના નિવૃત એનઆરઆઇ પાસેથી ૧૦ હજાર પાઉન્ડ (ભારતના રૂ. ૯ લાખ ૨૦ હજાર) પાંચ માસમાં ડબલ કરી દેવાની લાલચે આપી પડાવી લીધા બાદ રકમ ડબલ કરી દેવાને બદલે પરત ન આપી ચારસોવીસી ઠગાઇ કરતાં આરોપી વિરુદ્ધ ભુજ ‘બી’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ માધાપરના હાલાઇ નગરમાં રહેતા અને લંડન યુકેનું નાગરિકતા ધરાવતા રામજીભાઇ ધનજીભાઇ પટેલ (૭૭)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, બનાવ ગત ૩૦ જાન્યુઆરીથી આજ સુધી બન્યો છે.
બે ચેક રિટર્ન થતાં રકમ નહીં આપતાં નોંધાયો ગુનો
માધાપર ખાતે આવેલી ઇન્ડસઇન્ડ બેન્કમાં ફરિયાદી પોતાના પાસે રહેલા ૧૦ હજાર પાઉન્ડ બેન્કમાં જમા કરવા માટે ગયા હતા. ત્યારે બેન્ક મેનેજર ઉદયભાઇ લક્ષ્મીકાંત ભટ્ટે ફરિયાદીને આ પાઉન્ડ મને આપો તો, પાંચ માસમાં તેનાથી ડબલ રકમ તમને આપીશ તેવું જણાવીને વિશ્વાસમાં લીધા બાદ પોતાના ગાંધીધામ ખાતેની એક્સીસ બેન્કના એકાઉન્ટનો દસ લાખનો એકાઉન્ટ પે ચેક લખી આપ્યો હતો. બાદમાં આ ચેક રિટર્ન થતાં ફેબ્રુઆરી માસમાં ફરિયાદીએ આરોપી બેન્ક મેનેજર પાસે વાત કરતાં ફરી તેમના ગાંધીધામ ખાતેની મર્કન્ટાઇલ બેન્કનો દસ લાખનો એકાઉન્ટ પે ચેક આપીને રાહ જોવાનું કહ્યા બાદ તે ચેક પણ રિટર્ન થયો હતો.
બાદમાં આરોપીએ ફરિયાદીને રૂપિયા પરત આપવામાં ઠાગાઠૈયા કરતાં આખરે આરોપી બેન્ક મેનેજર વિરુદ્ધ બી ડિવિઝન પોલીસમાં ઠગાઇ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.