વડતાલ સ્વામીનારાયણ મંદિરના પૂર્વ કોઠારી ૭ વર્ષથી જાતીય શોષણ કરે છેઃ વેદાંતવલ્લભ સ્વામી

Wednesday 05th August 2020 09:03 EDT
 
 

અમદાવાદ: સ્વામીનારાયણ સંપ્રદાયના મુખ્ય ધર્મસ્થાન વડતાલ મંદિરના વયોવૃદ્ધ પૂર્વ કોઠારી ઘનશ્યામ શાસ્ત્રી સામે તેમના જ યુવાન શિષ્ય સંત વેદાંતવલ્લભદાસ સ્વામીએ જાતીય શોષણના સનસનાટીભર્યા આક્ષેપો કરતું વીડિયો નિવેદન વાયરલ કરતાં હરિભક્તોએ આઘાત સાથે આંચકો અનુભવ્યો છે. આ નિવેદનમાં તેમણે પૂર્વ કોઠારી સ્વામીએ પોતાનું તેમજ કેટલાય બાળકોનું અનેક વખત જાતીય શોષણ કર્યું હોવાનો આરોપ મૂક્યો છે.
કંડારી ગુરુકુળની યુટયુબ ચેનલમાં અપલોડ થયેલો ૪૫ મિનિટનો આ વીડિયો અને તેની લીંક ૨૮ જુલાઇએ ગણતરીના કલાકોમાં લાખો હરિભક્તોમાં વાયરલ થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે વેદાંતવલ્લભ-દાસ સ્વામીની ૩૨ પાનની આ ફરિયાદને આધારે તાજેતરમાં જ હરિભક્તોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી તપાસની માગ કરી હતી.
બનાવની વિગતો એવી છે કે વડતાલ મંદિરના પૂર્વ મુખ્ય કોઠારી ઘનશ્યામ શાસ્ત્રી સામે તેમના જ યુવાન શિષ્ય વેદાંતવલ્લભદાસ સ્વામીએ છેલ્લાં સાત વર્ષથી તે પોતાની સાથે જાતીય દુષ્કર્મ આચરતા હોવાના આક્ષેપો કર્યા છે. આ સંદર્ભે વેદાંતવલ્લભદાસ સ્વામીએ ગત મહિનાના અંત ભાગમાં સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમસ્વામી, સંપ્રદાયના આચાર્ય રાકેશપ્રસાદ તથા અગ્રણી સંતોને સંબોધીને ૩૨ પાનનો એક વિવાદાસ્પદ પત્ર લખ્યો હતો. જેમાં વેદાંતવલ્લભ-દાસ સ્વામીએ નવેમ્બર ૨૦૧૩થી સિલસિલાબંધ રીતે વિવિધ સ્થળોએ પોતાનું જાતીય શોષણ કરાયું હોવાની ઘટનાઓનું વર્ણન કર્યું હતું.
ફરિયાદી સ્વામીનો અતોપતો નથી
આ પત્રને આધારે વડતાલ નજીકના સંજાયા ગામના રાકેશ પટેલ નામના હરિભક્તે ચકલાસી પોલીસ મથકમાં અરજી આપીને ઘનશ્યામશાસ્ત્રી તથા તેમના મળતીયા અન્ય સંતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરતી પોલીસ અરજી કરી હતી. એ સમયે પોલીસ તથા વડતાલ સંપ્રદાયના વરિષ્ઠ સંતોએ એમ કહીને આખી વાત દબાવી દીધી હતી કે જ્યાં સુધી ફરિયાદી જાતે ફરિયાદ ન આપે ત્યાં સુધી કોઇ કાર્યવાહી થઇ શકે નહીં.
જોકે હવે છેલ્લાં ત્રીસ દિવસથી ભૂગર્ભમાં રહેલા વેદાંતવલ્લભદાસ સ્વામીએ ૩૨ પાનના પત્રમાં રજૂ કરેલી વિવાદાસ્પદ વિગતોને યથાતથ્ રજૂ કરતો ૪૫ મિનિટનો વીડિયો વાયરલ કર્યો છે.
અલબત્ત, આ વીડિયો ક્યાં અને ક્યારે બનાવાયો છે તે જાણવા મળતું નથી અને સ્વામી હજુ અજ્ઞાતવાસમાં જ છે. આથી આ બાબતનું રહસ્ય વધુને વધુ ઘૂંટાતું જાય છે.
વળી, વેદાંતવલ્લભદાસ સ્વામીનો વાયરલ વીડિયો તાજેતરનો જ છે કે અગાઉનો તે નક્કી થઇ શક્તું નથી. જોકે આ વીડિયોમાં સ્વામીએ જાતીય દુષ્કર્મની એ જ વિગતો કહી છે, જે ૩૦ દિવસ અગાઉ તેણે પોતાના ૩૨ પાનના કાગળમાં કહી હતી.
ફરિયાદી સ્વામીને મારી નાખવાની ધમકી
વેદાંતવલ્લભદાસ સ્વામીએ વીડિયોમાં ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે તેમને ઘનશ્યામશાસ્ત્રીના ચેલા દિવ્યવલ્લભ સ્વામી (નાવલી, તા. બોરસદ ગુરુકુળવાળા) મારફતે જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. જો પોતાને જાનનું જોખમ થશે તો ઘનશ્યામશાસ્ત્રી સ્વામીના સેક્સકાંડના સ્પાય કેમેરાથી કરેલા અગણિત રેકોર્ડિંગ સમાજમાં ખુલ્લેઆમ રજૂ કરી દેવાશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
આક્ષેપો ગલીચ અને દુઃખદાયી: આચાર્ય રાકેશ પ્રસાદ
વડતાલ સંપ્રદાયના આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે એક વીડિયો આ મામલે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે સાંપ્રત સમયમાં વેદાંતવલ્લભદાસ સ્વામીએ પૂર્વ કોઠારી અને ચેરમેન ઘનશ્યામશાસ્ત્રી સામે કરેલા આક્ષેપો અત્યંત ગલીચ અને દુઃખદાયી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભગવાન સ્વામીનારાયણે કરેલા આદેશો મુજબ આવા વ્યક્તિઓને સંપ્રદાયમાં સાંખી લેવા જોઇએ નહીં.
ભોગ બનનાર હાજર થાય તો જ કાર્યવાહી: પોલીસ
ચકલાસી પોલીસમથકના ઇન્સ્પેક્ટર જીગર પટેલે આ વિવાદ સંદર્ભે જણાવ્યું હતું કે અગાઉ ૩૨ પાનનો વાયરલ થયેલો કાગળ અને વેદાંતવલ્લભનો વાયરલ થયેલો વીડિયો બંને અમને મળ્યા છે. જોકે આ કેસમાં જ્યારે  ભોગ બનનાર રૂબરૂ હાજર થશે ત્યારે જ આગળની કાર્યવાહી હાથ ધરી શકાશે એ સિવાય કાંઇ થઇ શકશે નહીં.

વડતાલ મંદિરનો વહીવટ કોર્ટને સોંપી દો, બધી પૈસાની માથાકૂટ છે’ઃયજ્ઞપુરુષ સ્વામી

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય મથક એવા વડતાલ ધામમાં છેલ્લા બે દાયકાથી આચાર્યપદના વિવાદ બાદ હવે સંતોના વ્યાભિચારને લઇ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ઘનશ્યામપ્રકાશદાસના જ શિષ્ય એવા વેદાંતવલ્લભદાસ દ્વારા માસૂમ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્વનું કૃત્ય કરાતું હોવાના આક્ષેપના વીડિયોનો મામલો હજુ શાંત પડ્યો નથી. ત્યાં હવે સ્વામિનારાયણ સંપ્રદાયના જ યજ્ઞપુરુષ સ્વામીએ વીડિયો વહેતો કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે વડતાલ સહિત ગઢડા, જૂનાગઢના મંદિરને ન્યાયપાલિકા હસ્તક કરી દો અને કરોડોનો રૂપિયાના થતાં વહીવટ પર નજર રાખો. જે રીતે સોમનાથ, અંબાજીમાં વહીવટ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં તેમણે એમ પણ જણાવ્યું છે કે આ બાબતે હું હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ પણ કરવાનો છું, જે સારા વકીલ હોય અને ધર્મસ્થાનના શુદ્વિ માટે રસ હોય તે આગળ આવી મદદ કરે તેવી અપીલ કરું છું.


comments powered by Disqus