વલસાડ: વલસાડના તબીબ માતા-પિતાની ડોક્ટર દીકરીએ સમગ્ર દેશ અને અનાવિલ સમાજનું નામ અમેરિકામાં રોશન કર્યું છે. ડો. એંજલ દેસાઇને વર્ષ ૨૦૨૦-૨૧ માટે પેન્ડેમિક ટેક ઇનોવેશન ફેલોશિપની નવાજેશ કરવામાં આવી છે. આ ફેલોશિપ અંતર્ગત મહામારીના સંશોધન માટે એક લાખ ડોલરની સહાય આપવામાં આવે છે.
ડો. એંજલ દેસાઇ ચેપી રોગો માટેના નિષ્ણાંત ફિઝિશિયન છે. પેન્ડેમિક ટેક એ ઓસ્ટિન - ટેક્સાસમાં કાર્યરત નૂતન આવિષ્કાર માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ એવા સમર્પિત સંશોધકો માટેની સંસ્થા છે. ૨૦૧૬થી શરૂ થયેલી આ સંસ્થાને એક
લાખ યુએસ ડોલરની આ ફેલોશિપ મળી છે. જેમાંથી ડો. એંજલ દેસાઇ, ProMED Team, ઇમ્પિરિયલ કોલેજ - લંડન અને હાર્વર્ડ હેલ્થમેપના સહયોગીઓ સાથે કોવિડ-૧૯ માટે અસરકારક પગલાં માટે કામ કરશે.
ડો. એંજલ દેસાઇ, આવી ઊભરતી મહામારીના પ્રતિકાર માટે અનૌપચારિક તપાસ પદ્ધતિ વિકસાવવા ઉત્સુક સંશોધક પણ છે. તેમણે વર્ષ ૨૦૦૭માં વિદેશી સેવા માટે વિજ્ઞાન શાખામાં સ્નાતક કર્યું અને ૨૦૧૩માં યુનિવર્સિટી ઓફ ઇલિનોઇ, શિકાગોથી એમ.ડી. કર્યું હતું. તેમને પબ્લિક હેલ્થ માટેની માસ્ટર્સ ડિગ્રી, હાર્વર્ડ ટી. એચ. ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાંથી મળી છે. ડો. એંજલ દેસાઇના પિતા ડો. નરેન દેસાઇ ઇએનટી સર્જન છે. માતા ડો. રેણુકા દેસાઇ પીડિયાટ્રિશિયન છે. ડો. એંજલ દેસાઇના જીવનસાથી બેન્જામિન કાર્ને પણ તબીબ છે.