ભાવનગર: ઘોઘા નજીકનું વાલેસપુર ગામ ભાવનગર જિલ્લાનું એક એવું ગામ છે જ્યાં દોઢ સદી પહેલાં વસેલા ક્રિશ્ચિયન પરિવારે આ ગામને જ તેમની કર્મ અને માતૃભૂમિ બનાવી છે. ભાવનગર જિલ્લાનું આ એક માત્ર ગામ એવું છે જ્યાં ૧૦૦ ટકા વસતી ખ્રિસ્તી પરિવારની છે. આ સમુદાય અન્ય સમાજ સાથે દૂધમાં સાંકળની જેમ ભળી ગયો છે. જેના કારણે જ તમામ નાના-મોટા પ્રસંગોમાં અન્ય જ્ઞાતિ-સમાજના લોકો આનંદ અને ઉત્સાહથી હાજરી આપે છે.
જિલ્લાના ઘોઘા તાલુકાનું વાલેસપુર ગામ ક્રિશ્ચિયન સમાજની બહુમત ધરાવતું એક માત્ર ગામ છે. ૧૮૫૦ બાદ દરિયાવાટે ખ્રિસ્તી ધર્મના લોકો વાલેસરપુર ગામે આવ્યા હતા અને અહીં જ તેમણે કાયમ માટે વસવાટ કર્યો હતો. જેથી હાલમાં ગામમાં ખ્રિસ્તી પરિવારના ૫૦૦થી ૫૫૦ સભ્યો રહે છે. તેમના ૪૫થી ૫૦ મકાન ગામમાં અને અન્ય મકાનો વાડી વિસ્તારોમાં પણ આવેલા છે. વેરભાવના, ઝઘડા-કંકાસથી દૂર રહેતા આ ગામના લોકોને આજુબાજુના ગામો સાથે પણ સુમેળભર્યા સંબંધો છે એટલે જ અન્ય જ્ઞાતિના લોકો ક્રિશ્ચિયન પરિવારના સારા-નરસા પ્રસંગોમાં અચૂક હાજરી આપે છે. વાલેસપુર સાથેનો નાતો ૧૫૦ વર્ષથી પણ વધુ પુરાણો હોઈ, ગામના તમામ લોકો પાસ ભારતીય નાગરિકતાની સાથે આધાર, ચૂંટણી કાર્ડ પણ છે.
વાલેસપુર ગામના ક્રિશ્ચિયન પરિવારો વર્ષમાં ચાર તહેવારોનો ઉમંગ, ઉત્સાહ અને ધાર્મિક પરંપરા-માન્યતા મુજબ ઉજવે છે. જેમાં ગુડ ફ્રાઈડે, ઈસ્ટર સન્ડે, નાતાલ અને ન્યુ યરનો સમાવેશ થાય છે. નાતાલના પર્વે આ ગામના લોકો પ્રભુ ઈશુના જન્મદિવસ ક્રિસમસ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરે છે. વધુમાં ગામના તમામ પરિવારો શિક્ષણ પ્રત્યે સજાગ હોવાથી આ ગામનો સાક્ષરતા દર આશરે ૧૦૦ ટકા છે.

