અમદાવાદ: બનાસકાંઠા જિલ્લામાં જ ‘મનરેગા’માં ૫૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જ્યારે રાજ્ય સ્તરે અબજો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ અમદાવાદમાં શનિવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞોશ મેવાણીએ કર્યો છે.
પટેલ અને મેવાણીએ કહ્યું કે, બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે જે લોકોએ ‘મનરેગા’માં કામ કરવા અરજી કરી જ નથી, કે કામ જ નથી કર્યું એવા ૫૦૦ લોકોના જોબકાર્ડ, બેન્ક ખાતા, એટીએમ કાર્ડ બની ગયા અને એમની જાણ બહાર કોઈ ત્રીજી વ્યક્તિને બારોબાર પેમેન્ટ થઈ રહ્યું છે.
છેલ્લા ૧૦ વર્ષથી આ કૌભાંડ ચાલી રહ્યું છે, ફક્ત આ એક જ ગામનું ૧૦ કરોડ રૂપિયાનું કૌભાંડ છે, બનાસકાંઠામાં આવા ૩૫૦થી વધુ ગામો છે. સમગ્ર મુદ્દે તપાસની માગણી કરાઈ છે.