આર્થિક મંદી વચ્ચે અસ્પષ્ટ બજેટ?

Wednesday 05th February 2020 05:05 EST
 
 

નવી દિલ્હીઃ ભારતમાં આર્થિક મંદીના વાતાવરણ વચ્ચે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બીજી ફેબ્રુઆરીએ સંસદમાં વર્ષ ૨૦૨-૨૧નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. સંસદમાં તેમણે આ બીજી વાર બજેટ રજૂ કર્યું છે. વર્ષ ૨૦૧૯માં જ્યારે ભાજપ સરકારે લોકસભા ચૂંટણીમાં જીત મેળવી અને બીજી ટર્મ શરૂ કરી એ પછી સીતારમણે પ્રથમ બજેટ રજૂ કર્યું હતું.
ઔપચારિકતા અને પરંપરા અનુસાર, નિર્મલા સીતારમણ બજેટ ફોલ્ડર સાથે રાષ્ટ્રપતિ ભવનમાં ગયાં હતાં અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બજેટની કોપી આપી હતી.
કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે સીતારમણે કહ્યું, હું દૂરંદેશી નેતા સ્વર્ગીય અરુણ જેટલીને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. બજેટની કાર્યવાહી નિહાળવા નિર્મલા સીતારમણનાં પુત્રી વાંગમયી પણ સંસદભવન પહોંચ્યાં હતાં. દાયકાનું પહેલું રૂ. ૩૦.૪૨ લાખ કરોડનું બજેટ રજૂ કરતાં અનેક મોટી જાહેરાતો કરી હતી. સીતારમણે કહ્યું હતું કે, આવકવેરાનો નવો સ્લેબ વૈકલ્પિક હશે અને આ બજેટ મધ્યમ વર્ગને લાભદાયી રહેશે. ભારત સરકારે વર્ષ ૨૦૧૫-૧૬ના દરમિયાન ૨૭ કરોડ ૧૦ લાખ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાની કામગીરી બજાવી હતી. આ વર્ષે પણ ખેડૂતો માટે બજેટ ફાયદાકારક હોવા સાથે તેમણે કહ્યું હતું કે, ૨૦૨૨ની સાલ સુધીમાં અમારી સરકાર ખેડૂતોની આવક બમણી કરી દેશે. કુલ ૬.૧૧ કરોડ કિસાનોને પાક વીમા યોજના હેઠળ આવરી લેવાયા છે. સીતારમણનું બજેટ ભાષણ લગભગ પોણા ત્રણ કલાક ચાલ્યું હતું. સીતારમણે મોદી સરકારના વખાણ સાથે ૨૦૨૦ના બજેટ માટે સવારે ૧૧.૦૦ વાગ્યે ભાષણ શરૂ કર્યું જે બપોરે ૧.૪૦ સુધી ચાલ્યું હતું. નાણા પ્રધાનનું બજેટ ભાષણ અત્યાર સુધીના બજેટ ભાષણોમાં સૌથી લાંબુ ભાષણ બની રહ્યું હતું.
સંસદમાં બજેટ-૨૦૨૦ રજૂ કરાયા બાદ શેરબજારમાં નિરાશા વ્યાપી ગઈ હતી અને સેન્સેક્સ ૪૪૬ પોઈન્ટ તૂટ્યો હતો.
સરકારે ડીસઈન્વેસ્ટમેન્ટના ભાગરૂપે એલઆઈસી અને આઈડીબીઆઈમાં તેનો હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી. વેપાર-ઉધોગની અપેક્ષાએ, બજારમાં માગ ઉભી કરવા અને રોજગારી સર્જવા અંગે આ બજેટ જોકે ખરું નહીં ઉતર્યું હોવાનું કહેવાય છે.

આવક વેરામાં નવ સ્લેબ સર્જી રૂ. ૪૦,૦૦૦ કરોડની મોટી રાહત આપવાનો દાવો કરાયો, પણ સાથે ડિડક્શનની છૂટ બંધ કરી અને જૂનો સ્લેબ પણ ચાલુ રાખ્યો જ્યાં ડિડક્શનની છૂટ છે. આ કારણે કરદાતાઓમાં દ્વિધા ઉભી થવાની શક્યતા છે. કઇ પદ્ધતિમાં ફાયદો વધુ એ માટે પ્રજાએ ઘણી દિમાગી કસરત કરવી પડશે.
ઓટો અને રિયલ એસ્ટેટ સેક્ટર ક્ષેત્રે પણ બજેટમાં ખાસ જાહેરાત ન થતાં શેરબજારમાં લગભગ ૧૦૦૦ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. કંપનીઓ માટેના કરવેરાના સુધારા જોઈએ તો હવે કંપનીઓએ ડિવિડંડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ ભરવો નહીં પડે, જેને ડિવિડંડ મળે તેણે જ ટેક્સ ભરવાનો રહેશે વીજનિર્માણ કરતી કંપનીઓએ ઓછા દરે કરવેરો લાગુ પડશે. નવી કંપનીઓને ૧૫ ટકાના દરે લાગુ પડશે.
ડિવિડન્ડ ડિસ્ટ્રીબિશન ટેક્સ નાબૂદીની જાહેરાતને પણ બજારે વધાવી નથી, કારણ કે શેર હોલ્ડરે એ ચૂકવવો પડશે. ઉપરાંત, મનરેગા અને ગ્રામીણ, કૃષિ બજેટમાં સરકારે ઘટાડો કર્યો છે. અને સરકારે આવક ઉભી કરવા એલઆઇસીનો હિસ્સો વેચવાનું નક્કી કર્યું છે. લોકોનો વિશ્વાસ છે એટલે સરકારના આ નિર્ણયનો પણ વિરોધ થઈ શકે છે. જોકે બજેટમાં માળખાકીય સુવિધાઓ વધારવાની અનેક જાહેરાતો છે. સીતારમણે કહ્યું કે, પ્રાપ્ત ટ્રેન્ડ્સના આધારે વર્ષ ૨૦૨૦-૨૧ માટે જીડીપીનો નોમિનલ ગ્રોથ ૧૦ ટકાનો અંદાજવામાં આવ્યો છે.
ભારતીય અર્થતંત્રને ૫ ટ્રિલિયન ડોલરનું કરવાની ‘વાર્તા’?
દેશના અર્થતંત્રને ૧૧ વર્ષમાં સૌથી ખરાબ મંદીમાંથી બહાર લાવવા સીતારમણે રજૂ કરેલા બજેટમાં વ્યક્તિગત આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરીને સામાન્ય પ્રજાને તેમજ ડિવિડન્ડ ટેક્સ રદ કરીને કંપનીઓને રાહત અપાઈ હતી જ્યારે કૃષિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં વિક્રમી ખર્ચની જાહેરાત કરાઈ હતી.
સરકારે એક બાજુ વ્યક્તિગત આવકવેરામાં કાપ મૂક્યો તો બીજી બાજુ અફોર્ડેબલ હાઉસિંગ માટેના કર લાભ લંબાવ્યા છે અને ડિવિડન્ડ ચૂકવતી કંપનીઓને રાહત આપી છે. સરકારે આવકવેરાના દરમાં કાપ મૂકતાં વાર્ષિક રૂ. ૧૭ લાખની આવક કરનારી વ્યક્તિને કરમાં વાર્ષિક રૂ. ૩૧,૦૦૦ની બચત થશે.
જોકે, આ માટે તેમણે બાળકોની ટયૂશન ફી અને વીમા પ્રીમિયમ, પ્રોવિડન્ટ ફંડમાં રૂ. ૧.૫ લાખ સુધીની ચૂકવણી પર મળતી મુક્તિ તેમજ રૂ. ૫૦,૦૦૦ના સ્ટાન્ડર્ડ ડિડક્શન સહિતની અનેક વર્તમાન કરમુક્તિ અને કપાતોને છોડવી પડશે. સીતારમણે ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે ટેબલવેરથી ઈલેક્ટ્રિક એપ્લાયન્સસિસ, ફૂટવેર, ફર્નિચર, સ્ટેશનરી અને રમકડાં સહિતના વિવિધ ઉત્પાદનો પર આયાત જકાત વધારી છે. આ સાથે ખેડૂતોને તેમના ખેતરોમાં સૌરઊર્જા ઉત્પાદન એકમો સ્થાપવા માટે ભંડોળ પૂરું પાડશે.
ઉપરાંત સરકારે દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસી અને આઈડીબીઆઈ બેંકમાં તેનો હિસ્સો વેચવાની જાહેરાત કરી છે. સંસદમાં તેમનું બીજું બજેટ રજૂ કરતાં સીતારમણે કહ્યું કે ૨૦૨૦-૨૧ના બજેટનો આશય ખેડૂતોની આવક અને ગ્રાહકોની ખરીદ શક્તિ વધારવાનો છે. તેમણે દાવો કર્યો કે અર્થતંત્રનો પાયો મજબૂત છે અને ફુગાવો નિયંત્રણ હેઠળ છે. આ ઉપરાંત બજેટમાં તેઓએ ૨૦૨૦-૨૧માં જીડીપીનો અંદાજિત આર્થિક વિકાસ દર ૧૦ ટકા રહેવાનો મત વ્યક્ત કરતાં સંસદમાં વિપક્ષ દ્વારા તેમનો હુરિયો બોલાવાયો હતો. સીતારમણે કહ્યું કે સરકાર એક ટેક્સ પેયર ચાર્ટર બનાવશે, જેથી હવે કોઈપણ કરદાતાને કોઈ પરેશાન કરી શકશે નહીં. આ સાથે તેમણે બેંકોમાં ભરતી માટે રાષ્ટ્રીય ભરતી એજન્સી બનાવવાની દરખાસ્ત પણ કરી હતી.
દેશમાં કૃષિ અને ગ્રામીણ ક્ષેત્ર માટે તેમણે રૂ. ૨.૮૩ લાખ કરોડની ફાળવણી કરી હતી અને કૃષિ લોન આપવા માટે રૂ. ૧૫ લાખ કરોડનું લક્ષ્ય નિશ્ચિત કર્યું છે. પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. ૧.૭ લાખ કરોડ અને ઊર્જા સેક્ટર માટે રૂ. ૪૦,૭૪૦ કરોડની ફાળવણી કરાશે. જોકે, સરકાર સતત ત્રીજા વર્ષે તેનો નાણાકીય ખાધનો લક્ષ્યાંક ગુમાવશે. ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીના ૩.૮ ટકાની ખાધ સર્જાશે, જે ગયા વર્ષે ૩.૩ ટકા હતી.
સરકારે આગામી નાણાકીય વર્ષ માટે ૩.૫ ટકાના નાણાકીય ખાધનું લક્ષ્ય રાખ્યું છે. સીતારમણે ઈક્વિટીમાં રોકાણને વધુ આકર્ષક બનાવવા માટે કંપનીઓ દ્વારા ચૂકવાતા ડિવિડન્ડ ટેક્સને રદ કર્યો હતો. જોકે, કરદાતાઓને અપાયેલી આ સુવિધાથી સરકારી તિજોરી પર રૂ. ૨૫,૦૦૦ કરોડનો બોજ પડશે. તેમણે આગામી નાણાકીય વર્ષ માટે રૂ. ૫.૪૫ લાખ કરોડનું ચોખ્ખું ઋણ લેવાની અને પીએસયુમાંથી સરકારના હિસ્સાના વેચાણમાંથી આવક વધારીને રૂ. ૨.૧ લાખ કરોડ કરવાનો લક્ષ્યાંક રજૂ કર્યો છે. ભાષણની શરૂઆત કરતાં સીતારમણે લોકસભામાં મળેલા ચૂંટણી વિજયનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ પ્રચંડ જનાદેશ હતો, પરંતુ સ્થાયિત્વ લાવનારો છે.
જીએસટીનો ઉલ્લેખ કરતાં સીતારમણે પૂર્વ નાણા પ્રધાન સ્વ. અરુણ જેટલીને યાદ કર્યા અને કહ્યું કે તેમની દૂરંદેશીથી જીએસટી લાગુ થયો અને તેનાથી ડરામણું ઈન્સ્પેક્ટર રાજ ખતમ થયું છે.
તેમણે કહ્યું કે બેંકિંગ સિસ્ટમમાં સુધારો થયો છે, જેનાથી બેંકોની સ્થિતિ સુધારી છે. અત્યાર સુધીમાં ૪૦ કરોડના જીએસટી ફાઈલ થયા છે. તેમણે કહ્યું કે અર્થતંત્રનો પાયો મજબૂત છે અને ૨૦૧૪થી ૨૦૧૯ વચ્ચે સરકારી કામકાજમાં ફેરફાર થયો છે. તેમણે કહ્યું કે, સરકાર મોંઘવારીને કાબૂ કરવામાં સફળ થઈ છે. ગયા વર્ષે ૧૬ લાખથી વધુ નવા કરદાતા જોડાયા છે.
જીડીપીમાં આપણા દેવાની સરેરાશ ઘટી છે. સીતારમણે કહ્યું કે, નાના અને મધ્યમ ઉદ્યોગને રાહત મળી છે. તેમની સરકારે વ્યવસ્થા બદલી નાંખી છે. વડા પ્રધાન મોદીનું સૂત્ર ‘સબકા સાથ, સબકા વિશ્વાસ’નો ઉલ્લેખ કરીને સીતારમણે પીએમ આવાસ યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
રેલવે માટે રૂ. ૭૦,૦૦૦ કરોડની ફાળવણી
દેશમાં રેલવેનું બજેટ અલગ બનાવવાની પરંપરા અંગ્રેજોએ શરૂ કરી હતી. જોકે, રેલવે બજેટ પાછળ થતો ખર્ચ અને માનવ ક્લાક બચાવવા મોદી સરકારે રેલવે બજેટને સામાન્ય બજેટમાં મર્જ કરી દીધું હતું. જેના પગલે હાલના વર્ષોમાં રેલવે પ્રધાનના બદલે નાણા પ્રધાન સામાન્ય બજેટમાં રેલવેના કામોની જાહેરાત કરે છે. સીતારમણે જાહેરાત કરી હતી કે, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં રેલવે માટે રૂ. ૭૦,૦૦૦ કરોડ ફાળવાયા છે. મૂડી ખર્ચ માટે રૂ. ૧.૬૧ લાખ કરોડ મંજૂર થયા છે. ગયા વર્ષની સરખામણીએ આ રકમ ૩ ટકા વધુ છે.
નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં મૂડી ખર્ચ પેટે ૧.૫૬ લાખ કરોડ ફાળવાયા હતાં. જે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ફાળવાયેલી મૂડી ખર્ચની રકમથી ૧૭.૨ ટકા વધારે હતી.
પેસેન્જર, ગુડ્સ સહિતના સ્રોતોમાંથી રેલવેની આવકનો લક્ષ્યાંક વર્ષ ૨૦૧૯-૨૦ના રિવાઇઝ્ડ એસ્ટિમેટથી વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટ એસ્ટિમેટમાં ૯.૫ ટકા વધુ છે.
વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં નવી લાઇનના કન્સ્ટ્રકશન માટે રૂ. ૧૨,૦૦૦ કરોડના ફંડની જોગવાઈ છે. ગેજ કન્વર્ઝન માટે રૂ. ૨૨૫૦ કરોડ, ડબલિંગ માટે રૂ. ૭૦૦ કરોડ, રોલિંગ સ્ટોક માટે રૂ. ૫૭૮૬ કરોડ, સિગ્નલિંગ અને ટેલિકોમ માટે રૂ. ૧૬૫૦ કરોડની જોગવાઈ છે. રેલવે પેસેન્જર કમ્ફર્ટ માટે રૂ. ૨૭૨૫ કરોડ ફાળવાયા છે. નાણાકીય ૨૦૨૦-૨૧માં પેસેન્જરની આવક રૂ. ૬૧,૦૦૦ કરોડ અને ગુડ્ઝની આવક રૂ. ૧,૪૭,૦૦૦ કરોડ રહેવાનો અંદાજ છે.
આ વખતના બજેટમાં રેલવેની ટ્રેકની બાજુમાં રેલવેની માલિકીની જગ્યામાં વિશાળ સોલર પાવર કેપેસિટીની રચના કરવાનો પણ પ્રસ્તાવ રજૂ થયો છે. સીતારમણે રૂ. ૧૮૬૦૦ કરોડના ખર્ચે ૧૪૮ કિમી લાંબા બેંગલુરુ સબરબન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં પગાર પેટે રૂ. ૯૨,૯૯૩ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
નાણા પ્રધાને કહ્યું કે, દેશમાં ૨૭૦૦૦ કિમી રેલવે ટ્રેકનું વીજળીકરણ કરાશે. દેશમાં ૧૫૦ નવી તેજસ ટ્રેન દોડશે. ૧૫૦ તેજસ ટ્રેન પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) ધોરણે શરૂ થશે. તેજસમાં યાત્રીઓને આધુનિક સગવડો મળે છે. તેથી, દિલ્હી અને લખનઉ વચ્ચે દોડતી ટ્રેનને યાત્રીનો બહોળો પ્રતિસાદ મળતાં સરકાર ઉત્સાહિત છે. સરકારની યોજના દેશના પ્રસિદ્ધ તીર્થસ્થળોને તેજસ ટ્રેન સાથે જોડવાની છે. આ યોજનામાં રૂ. ૧૮,૬૦૦ કરોડનો ખર્ચ કરાશે. ચાર સ્ટેશનોને રિ-ડેવલપમેન્ટ કરવામાં આવશે. ખેડૂતોની પરેશાની ઓછી કરવા કિસાન રેલ ચલાવાશે.
મુંબઇ અને અમદાવાદ વચ્ચે હાઇસ્પીડ ટ્રેન દોડાવાશે. ભારતીય રેલવેનું માળખુ જૂનું પુરાણું થઇ ગયું છે. તેથી, રેલવે માળખામાં મોટા પાયે રોકાણની જરૂર છે. ઉલ્લેખનીય છે કે સરકારે રેલવેમાં રોકાણ માટે ખાનગી મૂડીરોકાણનો સહારો લીધો છે, પરંતુ રેલવે કર્મચારીઓ ખાનગીકરણનો વિરોધ કરે છે. અમદાવાદ મુંબઇ વચ્ચેની તેજસ ટ્રેનનો કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. તેથી આગામી દિવસોમાં રેલવેના ખાનગીકરણથી સરકારે કર્મચારીઓને વિરોધ સહન કરવો પડશે.
મહત્ત્વપૂર્ણ પગલાં
• સરકાર એલઆઇસીમાંથી અમુક હિસ્સો વેચશે
• ડિવિડંડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ નાબૂદ કરાયો
• સસ્તી હોમ લોનના વ્યાજ પર હવે ૧.૫ લાખની રાહત, યોજના ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી લંબાવાઈ
• ૫ લાખ રૂપિયા સુધીની બેંક ડિપોઝિટને સુરક્ષિત કરાઈ
• આધાર કાર્ડ મારફત તરત જ પાન કાર્ડ મળશે
• કસ્ટમ્સ ડ્યૂટીમાંથી ૧૪ રાહત સરકારે પાછી ખેંચી
• શૂન્ય ખર્ચ ખેતીની વિભાવના, વેરહાઉસ માટે ગેપ ફન્ડિંગ, પાકના સંગ્રહ માટેની યોજના
• ગ્રામ્ય મહિલાઓને ધાન્ય લક્ષ્મી બનાવાશે, જેઓ ગામને જરૂરી બિયારણ પૂરું પાડશે
• બાગકામ ક્ષેત્રે અનાજથી વધુ પાક તેથી માર્કેટિંગને પ્રોત્સાહન
• નાબાર્ડ રિફાઇનાન્સ સ્કીમને વિસ્તૃત બનાવાશે
• કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમનો પ્રસ્તાવ
• દૂધનું ઉત્પાદન વર્ષ ૨૦૨૧ સુધીમાં ૧૦૮ મિલિયન મેટ્રિક ટન સુધી લઈ જવાશે
• ૨૦૨૨-૨૩ સુધીમાં મત્સ્યોદ્યોગમાં ઉત્પાદન ૨૦૦ લાખ ટન સુધી લઈ જવાશે
• ૨૦ લાખ ખેડૂતોને સૌરઊર્જાથી સંચાલિત પંપ અપાશે
• કૃષિ ઉડાન યોજના શરૂ કરાશે
• શિક્ષકો, પેરા મેડિકલ સ્ટાફની વિદેશમાં માગ હોવાથી આ ક્ષેત્રે વિશેષ તાલીમ પેકેજ હશે
• એશિયન-આફ્રિકન વિદ્યાર્થીઓ માટે ઇન્ડ-સેટ પરીક્ષા, જેથી તેઓ શિક્ષણાર્થે ભારત આવે
• ડેટ આધારિત ઈટીએફ સફળ, હવે ખાસ સરકારી સિક્યોરિટીઝ માટેનું ડેટ ઈટીએફ લવાશે
• એનબીએફસી અને એચએફસીની પ્રવાહિતાની સમસ્યાને નાથવા નવી વ્યવસ્થા કરાશે
• હવે ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ બનાવાશે
• આઇડીબીઆઇ બેંકમાંથી સરકારનો બાકીનો હિસ્સો વેચી દેવાશે
• ૨૦૨૪ સુધીમાં ૧૦૦ નવાં એરપોર્ટ બનશે
• વીજગ્રાહકો માટે પ્રિ-પેઇડ મીટર્સ આવશે. ગ્રાહકો પોતાના સપ્લાયર નક્કી કરી શકશે
• ૧ લાખ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબર લિંક અપાશે.
• રેલવે પાટા આજુબાજુ સૌરઊર્જા સુવિધા ઊભી કરાશે
• ખાનગી ક્ષેત્રના સહકારથી રેલવેનો વિકાસ
• ન્યૂઝપ્રિન્ટ પરની ઇમ્પોર્ટ ડયૂટી ઘટાડીને ૫ ટકા કરવા દરખાસ્ત
• યુવાવર્ગને આકર્ષવા સ્ટાર્ટઅપ, સ્કિલ ડેવલપમેન્ટ તેમજ FDIની ટકાવારી તેમજ સ્ટાર્ટઅપ ટર્નઓવરની લિમિટમાં વધારો
• ડિજિટલ પ્લેટફોર્મને પ્રોત્સાહન ભારત નેટ પ્રોગ્રામ માટે રૂ. ૬,૦૦૦ કરોડ
• ભારત નેટ પ્રોગ્રામમાં ઘર તેમજ ઓફિસમાં જે લોકો બ્રોડબેન્ડ કનેક્શન ધરાવે છે તેમને ૨૦ એમબીપીએસની સ્પીડથી ઇન્ટરનેટની કનેક્ટિવિટી મળી શકશે.

કરદાતાઓને ખંખેરી લેવાયા? 

બજેટ બાદ આર્થિક નિષ્ણાતોનું તારણ છે કે વ્યક્તિગત કરદાતાઓને વેરામાં રાહત આપવાનો દેખાવ કરીને તેમને ૭૦ ટકા જેટલા વેરાના લાભથી વંચિત કરીને ખંખેરી લેવાનો કારસો લીધા છે. બજેટમાં વ્યક્તિગત કરદાતાઓ માટેના ૫,૧૦,૧૫, ૨૦, ૨૫ અને ૩૦ ટકાના મળી કુલ છ સ્લેબ છે. અગાઉ ત્રણ સ્લેબ હતા. સ્લેબમાં વધારાથી રાહતનો નિર્દેશ છે, પરંતુ વેરા લાભ મળશે તેવી શક્યતા નાબૂદ દેખાય છે. ધંધા સિવાયની આવક ધરાવતા વ્યક્તિગત કે એચયુએફ કરદાતાઓ પગાર, વ્યાજ, ભાડું, કેપિટલ ગેઈન કે પેન્શન સહિતની અન્ય આવક હોય તેમને માટે આ નવી જોગવાઈ ફરજિયાત થઈ છે. ધંધાકીય આવક ધરાવતા કરદાતા એક વાર આ વિકલ્પનો આશરો લેશે તો પછીના દરેક વર્ષે તેમને માટે આ વિકલ્પ લેવાનું ફરજિયાત કરાયું છે.
આ જ રીતે આ વિકલ્પ પસંદ કરનાર કરદાતાએ સમયસર રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત છે. તેમાં ઓપ્શન રહેશે નહીં. બજેટમાં રૂ. ૪૦,૦૦૦નું સ્ટાન્ડર્ડ ડિડક્શન પાછું ખેંચાયું છે. લિવ ટ્રાવેલ એલાઉન્સ, હાઉસ રેન્ટ એલાઉન્સના લાભ ન લેનારને જ આ નવી જોગવાઈ હેઠળનો લાભ અપાશે. કન્વેયન્સ એલાઉન્સ, ડેઈલી એલાઉન્સ, યુનિફોર્મ એલાઉન્સ, રિસર્ચ એલાઉન્સ જેવા તમામ લાભ પાછા ખેંચાયા છે.
પગારદાર કર્મચારીને કલમ ૧૦(૧૪) હેઠળ અપાતા યુનિફોર્મ એલાઉન્સ, હેલ્પર-ડ્રાઈવર એલાઉન્સના લાભ ન લેનારને જ આ લાભ આપવાનો નિર્ણય લેવાયો છે. આવકવેરાની કલમ ૧૦(૧૭) વિધાનસભ્ય, સંસદ સભ્યને મળતા એક્ઝમ્પશન પણ ખેંચી લેવાયા છે. નવી જોગવાઈ પ્રમાણેના લાભ લેવા ઇચ્છનાર પગારદારને મળતું રૂ. ૪૦,૦૦૦નું સ્ટાન્ડર્ડ ડિડક્શન કાઢી નંખાયું છે. પગારદાર કરદાતાઓને અત્યાર સુધી અપાતા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, જીવન વીમા નિગમની પોલીસીમાં કરાતા રોકાણની રકમ પણ આવકમાંથી બાદ નહીં અપાય. કલમ ૩૫(એડી) ધંધા સિવાયની વ્યાજની કે ભાડાની આવક હોય તેમને માટે આ નવી જોગવાઈ ફરજિયાત થઈ છે. કલમ ૩૨(૧) હેઠળ ધંધા માટે મશિનરીની ખરીદી કરનારાઓને અપાતો ૧૫ ટકાનો વધારાનો ઘસારો પણ આ બજેટમાં પાછો ખેંચાયો છે. કલમ ૩૨(એડી) હેઠળ બેકવર્ડ કે નોટિફાઈડ એરિયામાં નવા પ્લાન્ટ અને મશીનરીમાં કરાતું સંપૂર્ણ રોકાણ બાદ અપાતું તે પાછું ખેંચાયું છે.
પગારદારનાં આ લાભ પાછા ખેચાયા
કલમ ૮૦ સી, ૮૦ સીસીસી અને ૮૦ સીસીડી હેઠળ એલઆઈસી, પીપીએફ, એનએસસી, પેન્શન ફંડ, પેન્શન સ્કીમમાં રૂ. ૧.૫ લાખ સુધીના રોકાણો પર મળતા લાભો પાછા ખેંચી લેવાયા છે. ૮૦-ડી હેઠળ મેડિક્લેઈમના રૂ. ૩૦,૦૦૦ સુધીના પ્રીમિયમને લાભ પાછો ખેંચી લેવાયો છે. ૮૦ ડીડી હેઠળ મેડિકલ ટ્રીટમેન્ટ હેઠળ રૂ. ૧.૨૫ લાખ સુધીનો બાદ મળતો ખર્ચ બાદ આપવાની ના પાડી દેવાની દરખાસ્ત છે. ૮૦ ડીડીબી હેઠળ પોતાને માટે કે પછી પોતાના પર નિર્ભર વ્યક્તિની તબીબી સારવાર માટે કરાતો રૂ. ૪૦,૦૦૦ સુધીનો ખર્ચ બાદ આપવાનું બંધ કરવાની દરખાસ્ત છે. ૮૦-ઈ હેઠળ ઉચ્ચ શિક્ષણ માટેની લોન પર ચુકવાતા સંપૂર્ણ વ્યાજની રકમ બાદ ન આપવાની દરખાસ્ત મુકાઈ છે. ૮૦-ઈઈ હેઠળમાં હાઉસિંગ લોન પર મળતું વધારાનું રૂ. ૫૦,૦૦૦નું વ્યાજ બાદ ન આપવાની પણ દરખાસ્ત છે.
૮૦ ઈઈએ હેઠળ રૂ. ૪૫ લાખની કિંમતનું મકાન લઈને તેને માટે રૂ. ૩૫ લાખની લોન લીધી હોય તો તેવા સંજોગોમાં તેના પર ચૂકવેલા વ્યાજની રકમમાંથી રૂ. ૧.૫ લાખ આવકમાંથી બાદ આપવાનું હતું તે પાછું ખેંચી લેવાયું છે. ૮૦ ઈઈબી હેઠળ ઇલેક્ટ્રિક વાહનની ખરીદી પર બાદ અપાતી રૂ. ૧.૫ લાખ સુધીની રકમ બાદ ન આપવાની દરખાસ્ત પણ છે. કલમ ૮૦-જી હેઠળ ડોનેશનની બાદ અપાતી રકમ બાદ ન આપવાની દરખાસ્ત પણ બજેટમાં છે.
કંપનીના માલિક દ્વારા કંપનીના કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડમાં કરાતું સંપૂર્ણ રોકાણ સંપૂર્ણ માફ હતું. આ બજેટમાં નવી જોગવાઈ મુજબ વ્યક્તિગત કરદાતાના એકાઉન્ટમાં વર્ષે રૂ. ૭.૫ લાખથી વધુ રકમ પીએફમાં એમ્પ્લોયરના કન્ટ્રીબ્યુશન તરીકે જમા કરાવનારની રૂ. ૭.૫ લાખ ઉપરની રકમને વેરાપાત્ર ગણવાનો નિર્ણય લેવાયો છે.

બજેટમાં બિનનિવાસી ભારતીયો માટે જોગવાઈઓ

આવકવેરા ધારામાં કલમ ૬(એ) નવી ઉમેરીને નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વિદેશમાં વસતા ભારતીય નાગરિકને વિદેશમાં કે ભારતમાં થતી આવક પર જે તે દેશમાં આવકવેરો ન ભરતો હોય તો તેવા સંજોગોમાં તેની ગ્લોબલ આવક ગણીને તેની પાસેથી ભારત સરકાર આવકવેરો વસૂલ કરશે તેવું જણાવ્યું હતું. આ પ્રકારના બિનનિવાસી ભારતીયને નાગરિકની કેટેગરીમાં મૂકીને તેમની પાસેથી ટેક્સની વસૂલી શરૂ થઈ જશે. મોટી ધંધાકીય આવક ધરાવતા તેમની આવક પર વેરો બચાવવા તેમના ઘરના એકાદ બે વ્યક્તિને આ રીતે દેશની બહાર ટેક્સ હેવનમાં મોકલી દઈને તેઓ ભારતમાં વેરો ભરવાની કરોડોની જવાબદારીમાંથી છટકી જતા હતા. આ પગલું લઈ નાણા પ્રધાને તેમને ટેક્સ નેટમાં લાવવા ઉપરાંત ટેક્સની મોટી આવક કરવાનું આયોજન પણ કર્યું છે. અત્યાર સુધી ભારતીય નાગરિક કે પર્સન ઓફ ઈન્ડિયન ઓરિજન વર્ષ દરમિયાન ૧૮૧ દિવસથી ઓછા દિવસ ભારતમાં રહે તો તેમને નોન રેસિડેન્ટ ગણવામાં આવતા હતા. આ ૧૮૧ દિવસની લિમિટ બજેટના માધ્યમથી ઘટાડીને ૧૨૦ કરાઈ હતી. આમ કરદાતાનો વ્યાપ વધારાયો છે.
આર્થિક નિષ્ણાતોના કહેવા પ્રમાણે, બજેટ પ્રમાણે જે નાગરિકો ૧૮૨ દિવસથી વધુ સમય સુધી ટેક્સ હેવન ગણાતા દેશોમાં રહીને નોન રેસિડેન્ટનું સ્ટેટસ મેળવતા હતા અને ટેક્સ ભરવાની જવાબદારીમાંથી છટકી જતા હતા તેમને ઓર્ડિનરી રેસિડેન્ટ ગણી લઈને તેમની પાસેથી અબજોની આવક ઊભી કરવાનું આયોજન કરાયું છે. આ રીતે ભારતના ટેક્સ પેયર્સની સંખ્યામાં અને સરકારની કરવેરાની આવકમાં ખાસ્સો વધારો થવાની ધારણા રાખવામાં આવી રહી છે. અગાઉ ઓર્ડિનરી રેસિડન્ટ માટેની મર્યાદા ૭ વર્ષની કરવામાં આવી છે.
પાંચ વર્ષમાં વિદેશી રોકાણમાં ૨૮૪ બિલિયન ડોલરનો વધારો
ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૨૦૧૪થી ૨૦૧૯ દરમિયાન ફોરેન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)માં ૨૮૪ બિલિયન ડોલરનો વધારો થયો હોવાનું નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ૨૦૨૦ના પ્રસ્તાવ દરમિયાનના ભાષણમાં જણાવ્યું હતું. ભારતમાં એફડીઆઈ અંગે સીતારમણ બોલ્યાં હતાં કે, વર્ષ ૨૦૦૯થી ૨૦૧૪ દરમિયાન દેશમાં વિદેશી રોકાણ ૧૯૦ બિલિયન અમેરિકન ડોલર હતું.
મેઇક ઇન ઇન્ડિયામાં રોકાણ કરનાર વિશ્વના પાંચ દેશ
મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટ મેઇક ઇન ઇન્ડિયામાં વિશ્વના પાંચ દેશનું મોટું રોકાણ છે. આ પાંચ દેશમાં અમેરિકા, જાપાન, યુએઇ, જર્મની અને ફ્રાન્સનો સમાવેશ થાય છે. એમેરિકાની સાત કંપનીઓ, જાપાનની ૬ કંપનીઓ, યુએઇની પાંચ કંપનીઓ, જર્મનીની ૬ કંપનીઓ અને ફ્રાન્સની અલગ-અલગ ૬ કંપનીઓનો સમાવેશ થતો હોવાનું બજેટ ભાષણમાં જાણવા મળ્યું છે.
ભારતમાં નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં ૧૫ ટકાનો વધારો
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૬ મહિનામાં વિદેશી રોકાણમાં ૧૫ ટકાનો વધારો થયો હતો, જે મુજબ વર્તમાન પરિસ્થિતિમાં વિદેશી રોકાણનો આંકડો ૨૬ અબજ ડોલર પર પહોંચ્યો છે. ભારતમાં સર્વિસિસ, કમ્પ્યુટર સોફ્ટવેર તથા હાર્ડવેર, ટેલિકમ્યુનિકેશનના બિઝેનેસે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને આકર્ષિત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૬ મહિનામાં સિંગાપોરે સૌથી વધુ આઠ અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. ગત વર્ષે બ્રાન્ડ રિટેલ ટ્રેડિંગ, કોલસા અને ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં વિદેશી રોકાણની નીતિમાં છૂટછાટ અપાઈ હતી.
૧) હવે, ઈન્કમટેક્સ એક્ટ, ૧૯૬૧ અન્વયે જો NRI કોઈ પણ નાણાકીય વર્ષમાં ૧૨૦થી વધુ દિવસ ભારતમાં રહે છે તો તેમને ભારતના નિવાસી તરીકે ગણવામાં આવશે. અગાઉ આ જોગવાઈ ૧૮૨ દિવસની હતી.
જો તેઓ ગત ૧૦ વર્ષમાંથી ત્રણ વર્ષ ભારતના નિવાસી તરીકે હશે તો તેમને RNOR તરીકે ગણવામાં આવશે. આ પછી, તેમની વૈશ્વિક આવક ભારતમાં ટેક્સને પાત્ર રહેશે.
૨) ભારતનો કોઈ વ્યક્તિગત નાગરિક ભારતની બહાર કમાયેલી આવક પર ટેક્સને પાત્ર ગણાશે તેની શરત એ છે કે તે ભારતીય બિઝનેસ અથવા પ્રોફેશનમાંથી કમાયેલી હોવી જોઈએ અને તે અન્ય કોઈ દેશ અથવા જ્યુરિડિક્શનમાં ટેક્સને પાત્ર ગણાશે નહિ.
૩) NRI ચોક્કસ સરકારી સિક્યુરિટીઝમાં ઈન્વેસ્ટ કરી શકે છે જે, આકર્ષક રોકાણ તક ગણાય છે.
૪) હવે FPI કોર્પોરેટ બોન્ડ્ઝના આઉટસ્ટેન્ડિંગ સ્ટોકના ૧૫ ટકા સુધી રોકાણ કરી શકે છે. અગાઉ આ જોગવાઈ ૯ ટકા સુધીની હતી.
૫) રોયલ્ટી અથવા ટેક્નિકલ સર્વીસીસની ફીમાંથી પ્રાપ્ત આવકના કેસમાં જો TDS કાપવામાં આવ્યો હોય તો NRI એ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની આવશ્યકતા રહેતી નથી.
NRIs માટે આવકવેરાની જોગવાઈને પ્રવાસી ભારતનો આવકાર
સામાન્ય બજેટમાં NRIs માટે ટેક્સમાં ફેરફારની જોગવાઈ કરાઈ છે. તે મુજબ વિદેશ જઈને વસેલા ભારતીય નાગરિકોનું ભારતમાં ટેક્સમાં યોગદાન થશે. તેની જોગવાઈઓ સ્પષ્ટ છે અને વિદેશમાં રહેતા NRIs આવકવેરો ભરતા હોય તો તેમને કોઈ અસર થવાની નથી.
આ પ્રસંગે ઈ વોટીંગ અથવા પોસ્ટલ બેલેટ જેવા નોન રેસિડેન્ટ ઈન્ડિયન ફિઝીબલ વોટીંગ ઓપ્શન્સ માટે થોડી રકમની ફાળવણી કરવામાં આવે તેવી ભારત સરકાર સમક્ષ પ્રવાસી ભારતની માગ છે. તેથી દુનિયામાં કોઈપણ ખૂણે રહેતો ભારતીય નાગરિક સીધું જ દેશને અને લોકશાહીને પોતાનું યોગદાન આપી શકે.
NRIsપૈકી કેટલાંક અથવા મોટાભાગના લોકો એકાઉન્ટન્સી ચાર્જીસ અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની ફી ચૂકવી શકે તેમ ન હોવાથી અથવા તેમની સેવા લઈ શકે તેમ ન હોવાથી NRIsને ઈન્કમ ડેકલેરેશન માટે એક પેજનું સરળ ફોર્મ લાગૂ કરવામાં આવે તેવી પણ પ્રવાસી ભારતની માગ છે. બજેટ ૨૦૨૦માં ભારત સરકારનું આ સારું પગલું છે. કેટલાંક વિક્સિત રાષ્ટ્રોની સરખામણીમાં ટેક્સનું કલેક્શન અને ચૂકવણી દેશ માટે આર્થિક રીતે અને સમાજમાં મોટાપાયે યોગદાન માટે સારું રહેશે.

બજેટ-૨૦૨૦: ગુજરાતને લાભ

ગાંધીનગરઃ બજેટ-૨૦૨૦માં જાહેર થયેલી નવી યોજનાઓમાં ગુજરાતના લાભ વિશે મુખ્ય પ્રધાન રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત માટે બજેટમાં ઘણી મહત્ત્વની જાહેરાતો થઈ છે. ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ કરવાની જાહેરાતથી વિશ્વભરના વેપાર ઉદ્યોગને ગુજરાતમાં નવું બળ મળશે.
મુખ્ય પ્રધાને બજેટને જન-જનનું, હરેક વર્ગ, હરેક સમાજને આવરી લેતું જનહિતાય બજેટ ગણાવતાં કહ્યું કે, આ બજેટમાં નાના-મધ્યમ વર્ગના નાગરિકોને ૫થી ૧૫ લાખ સુધીની આવક પરના કરમાં જે છૂટાછાટ અપાઇ છે તેનાથી લોકોના નાણાની બચત થશે અને ખરીદશક્તિ વધશે. ખેડૂતોને પણ આ બજેટમાં વિશેષ ફોકસ કરાયા છે. આ બજેટમાં ભારત પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બને તકે માટેનું રિફ્લેક્શન થયું છે. આ ઉપરાંત દેશની ઐતિહાસિક ધરોહરોને આઇકોનિક રીડેવલપમેન્ટ માટેની જાહેરાતમાં કચ્છના ધોળાવીરાનો પણ સમાવેશ કરાયો છે. આ પુરાતત્ત્વીય સાઇટને વર્લ્ડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનવા તક મળશે.
લોથલમાં મેરિટાઇમ મ્યુઝિયમની પણ જાહેરાત કરી નાણા ફાળવતા લોથલના પૌરાણિક બંદર-સદીઓ પહેલાના સામુદ્રિક વેપારને મ્યુઝિયમમાં ઉજાગર કરાશે. નેશનલ ગ્રીડનો ૨૭૦૦૦ કિલોમીટરનો વ્યાપ વધારવાથી પણ ગુજરાતને લાભ થશે. આ સાથે મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગતિથી આગળ વધારવા બજેટમાં અપાયેલા વિશેષ લાભ માટે મુખ્ય પ્રધાન રૂપાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.

બજેટમાં વિઝન અને એક્શન બન્ને છેઃ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટની પ્રશંસા કરતા કહ્યુ હતું કે, બજેટમાં રોજગાર વધારવા અને અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે ભાર મૂકવામાં આવ્યો છે. વડા પ્રધાને કહ્યું હતું કે, નવા દશકના પહેલા બજેટમાં વિઝન અને એકશન બંને છે. જેના માટે નાણા પ્રધાન અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. વડા પ્રધાને કહ્યું હતું કે, બજેટમાં ઘણા નવા નિર્ણયોની ઘોષણા છે જે અર્થવ્યવસ્થાનો પાયો મજબૂત કરશે. મોદીએ ભરોસો વ્યક્ત કર્યો હતો કે, બજેટ આવક અને રોકાણ, માગને પ્રોત્સાહન આપશે.
બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, યુવાનો રોજગાર ઇચ્છે છે, પણ સંસદીય ઇતિહાસનું સૌથી લાંબુ બજેટ ભાષણ મળ્યું છે. જેમાં કામની વાત નથી. એવું લાગે છે કે વડા પ્રધાન અને નાણા પ્રધાનને આગળ શું કરવું? તેનો ખ્યાલ આવી રહ્યો નથી. મુખ્ય સમસ્યા બેરોજગારી છે. બજેટમાં એવી કોઇ ખાસ જોગવાઇ નથી. જેનાથી યુવાનોને રોજગાર મળી શકે. બજેટમાં સરકાર પોતાની જ પીઠ થપથપાવતી જોવા મળી છે માત્ર વાતો થઇ છે કામ થઇ રહ્યું નથી.
• આ બજેટમાં કર પ્રણાલિ તર્કસંગત બનાવવા, પાયાના માળખાને પ્રોત્સાહન, બેંકિંગ પ્રણાલિ મજબૂત બનાવવા, રોકાણમાં વૃદ્વિ કરવા અને વેપારમાં સરળતા લાવવાના પ્રભાવી નિર્ણય છે મોદી સરકાર પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના સંકલ્પમાં આગળ વધશે.
- અમિત શાહ કેન્દ્રિય ગૃહ પ્રધાન
• આ હાલના વર્ષોનું સૌથી લાંબુ બજેટ હતું. ૧૬૦ મિનિટ ચાલ્યું, પણ સમજણ પડી નથી કે બજેટથી સરકારનું શું સંદેશ આપવા માગે છે. બજેટમાં રોજગાર સર્જનને લઇને કોઇ ઉલ્લેખ કરાયો નથી.
- પી. ચિદમ્બરમ, કોંગ્રેસી નેતા, પૂર્વ નાણા પ્રધાન
• ખુશી છે કે રાજકોષીય ખાદ્ય ૩.૮ ટકા હોવાનો નાણા પ્રધાને સ્વીકાર કર્યો છે. તેમણે દેશને દર્શાવવું જોઇએ કે જો કેન્દ્રીય અને રાજ્યની ખાદ્ય જોડવામાં આવે તો તે ૮ ટકાથી પણ વધારે નથી. જે દેશ માટે ચિંતાનજક છે.
- કપિલ સિબલ, કોંગ્રેસી નેતા
• બજેટનું ગણિત સમજાવવામાં નિષ્ફળ રહ્યા છે. ભારે ભરખમ શબ્દોનો કોઇ અર્થ નથી. ઇન્પેક્ટર રાજને ખતમ કરવાનો નાણા પ્રધાનનો દાવો ખોટો અને મજાક જેવો છે. આઇટીના દરોડા વધ્યાં છે. ટેક્સ ટેરેરિઝમે વ્યાપાર જગતના આગેવાનોમાં ભય ફેલાવ્યો છે.
- આનંદ શર્મા, કોંગ્રેસ નેતા
• રાહુલ ગાંધી બજેટને લઇને ઉત્સાહિત નહોતા. જો તેની પાસે કોઇ મુદ્દા આધારિત પ્રશ્ન હોય તો તેનો જવાબ આપવા તૈયાર છું, પરંતુ તેઓ માત્ર વિશેષણનો ઉપયોગ કરવા માગે તો તેના કરતાં ૧૦ ગણા સારા વિશેષણ ટેલિવિઝન ઉપર જોવા મળી રહ્યાં છે. જે સકારાત્મક છે.
- પીયૂષ ગોયલ, કેન્દ્રીય પ્રધાન
• જ્યાં સુધી મોદી સરકારના પ્રધાન અને ભાજપના નેતા ભારતીય સમાજને નષ્ટ કરવા કામ કરતા રહેશે ત્યાં સુધી દેશમાં કોઇ પણ આર્થિક પુનરુત્થાન થઇ શકશે?
સીતારામ યેચુરી, માર્ક્સવાદી નેતા
• વિશ્વમાં ભારતને એક પ્રમુખ આર્થિક શક્તિના રૂપમાં સ્થાપિત કરનારું બજેટ મોદી સરકારની દૂરોગામી વિચારધારાનું પ્રતિબિંબ પાડે છે.
- વસુંધરા રાજે, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભાજપ, પૂર્વ મુખ્ય પ્રધાન - રાજસ્થાન
• ભાજપ વધુ એક નિરાશાનજક બજેટ લાવ્યો છે. રોજગારી, કારોબારી, ઉદ્યોગ, કિસાન, મજૂર કોઇને ફાયદાની વાત નથી. યુવાનો નિરાશ થયા છે અને મોંઘવારીની મારથી લોકો ત્રસ્ત છે.
- અખિલેશ યાદવ, રાષ્ટ્રીય અધ્યક્ષ, સમાજવાદી પાર્ટી
• અર્થવ્યવસ્થામાં થિગડાં લાગી ચૂક્યા છે. નાણા પ્રધાન એક જ છે જેઓ કોસ્મેટિક સર્જરી કરી શકે છે કારણ કે ભાજપ સરકાર ઇમરાન ખાન અને પાકિસ્તાનના મુસલમાનોની વાત કરવામાં વ્યસ્ત હોય છે.
- અધિક રંજન ચૌધરી, કોંગ્રેસ નેતા
• હું તો જોઇને હેરાન છું કે કેવી રીતે કેન્દ્ર સરકારે દેશની ઔતિહાસિક સાર્વજનિક સંસ્થાઓને તાર ઉપર રાખી દીધી છે.
- મમતા બેનરજી, પ.બંગાળનાં મુખ્ય પ્રધાન
• દિલ્હીને બજેટ પાસેથી ઘણી આશા હતી, પરંતુ ફરી એક વાર દિલ્હી સાથે ઓરમાયો વ્યવહાર થયો છે. દિલ્હી ભાજપની પ્રાથમિકતામાં આવતું જ નથી તો દિલ્હીવાસી ભાજપને મત શા માટે આપે?
- અરવિંદ કેજરીવાલ, મુખ્ય પ્રધાન, દિલ્હી
• લોકો પર વધારાનો કોઈ કરબોજ લાદ્યા વિના અનેક વધારાની સુવિધાઓ આપતા નાણા પ્રધાન સીતારામને રજૂ કરેલા અનોખા બજેટ બદલ તેમને અભિનંદન આપું છું.
- યેદિયુરપ્પા, કર્ણાટકના મુખ્ય પ્રધાન

શું મોઘું? શું સસ્તું?
બજેટના ભાષણ દરમિયાન સીતારામને ફૂટવેર અને ફર્નિચર પર કસ્ટમ ડ્યુટી વધારવાની વાત કરી. જેથી બજારમાં તેની કિંમતમાં વધારો થશે. આયાત થતાં ફર્નિચરની કસ્ટમ ડ્યૂટી ૨૦થી વધારીને ૨૫ ટકા કરાઈ. ફૂટવેરની ડ્યૂટી ૨૫થી વધારી ૩૫ ટકા કરાઈ છે. ઈમ્પોર્ટેડ પેકેજ્ડ ફૂડના ભાવ પણ વધશે. આ સિવાય કૃષિ અને પશુ સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો જોવા મળશે.
મોંઘું
• સિગારેટ અને તમાકુની વસ્તુઓ • ફૂટવેર • ફર્નિચર • મેડિકલ સંસાધનો • પંખા • મિક્સર-ગ્રાઈન્ડર, ઓવન, કૂકર • મોબાઈલ ફોન અને એસેસરીઝ • સ્ટેશનરી • કિચનવેર, ટેબલવેર • ઓટોપાર્ટ્સ • રમકડાં • લેમ્પ અને લાઈટ ફિટિંગ • હેર ડ્રાયર, ઈસ્ત્રી •
સસ્તુ
• ન્યુઝપ્રિન્ટ અને લાઈટવેઈટ કોટેડ પેપર • કાચી ખાંડ • રમગમતનો સામાન • ઈલેક્ટ્રિક વ્હિકલ • કૃષિ અને પશુ આધારિત ઉત્પાદનો • આલ્કોહોલ • સોયા ફાઈબર, સોયા પ્રોટીન • ચશ્માની ફ્રેમો • સેનેટરી પેડ • બેગ • સ્વદેશી ઈલેક્ટ્રોનિક્સ સાધનો • અગરબત્તી • નમકીન

નાણા પ્રધાન ઉવાચઃ
• લોકોએ અમારી આર્થિક નીતિઓમાં વિશ્વાસ મૂક્યો છે
• સરકાર તંદુરસ્ત બિઝનેસ માટે પ્રતિબદ્ધ
• ટેક્નોલોજીની મદદથી અર્થતંત્રને ધમધમતું કરવાની પ્રતિબદ્ધતા
• અર્થતંત્રનાં ફંડામેન્ટલ્સ મજબૂત છે
• ફુગાવો નિયંત્રણમાં રખાયો છે. સરકારે માળખાકીય સુધારાઓ માટે પગલાં ભર્યાં છે
• ડરામણું ઇન્સ્પેક્ટર રાજ નાબૂદ થઈ ગયું છે
• દરેક ચીજવસ્તુ પરનો વાસ્તવિક કરવેરાનો દર ઘણો ઘટી ગયો છે
• જીએસટીને કારણે દરેક પરિવારને ૪૦૦૦ રૂપિયાની બચત થવા લાગી છે
• મોદી સરકારમાં ૧૬ લાખ નવા કરદાતાઓ ઉમેરાયા છે

કરવેરાની જોગવાઈઓ
• પ્રત્યક્ષ કરવેરામાં વ્યક્તિગત કરદાતાને રાહત
• વ્યક્તિગત કરદાતાની સુવિધા માટે નવા દર ઘટાડાશે
• અમુક ડિડક્શન જવા દઈને ઓછા દરનો લાભ લઈ શકાશે
• ૨.૫ લાખ રૂપિયા સુધીની આવક હાલની જેમ કરમુક્ત
• ૨.૫ લાખથી ૫ લાખ સુધીની આવકને ૫ ટકાનો દર લાગુ કરાશે
• ૫થી ૭.૫ લાખ રૂપિયા સુધીની આવક માટે કરવેરાનો દર ૧૦ ટકા
• ૭.૫ લાખથી ૧૦ લાખ રૂપિયા સુધીની આવક માટે કરવેરાનો દર ૧૫ ટકા
• ૧૦ લાખથી ૧૨.૫ લાખ રૂપિયા સુધીની આવક માટે કરવેરાનો દર ૨૦ ટકા
• ૧૨.૫ લાખથી ૧૫ લાખ માટે કરવેરાનો દર ૨૫ ટકા
• ૧૫ લાખ રૂપિયાથી વધારેને ૩૦ ટકા


comments powered by Disqus