લંડનઃ ૨૭ જાન્યુઆરીને સોમવારે લંડનના ગિલ્ડહોલમાં ભારતીય હાઈ કમિશન દ્વારા ૭૧મા પ્રજાસત્તાક દિન નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા યુકેના મિનિસ્ટરો અને અધિકારીઓ તથા ભારતીય ડાયસ્પોરાને સંબોધતા યુકે ખાતેના ભારતીય હાઈ કમિશનર રુચિ ઘનશ્યામે આતંકવાદ સામેની લડાઈ સહિત ઘણાં ક્ષેત્રોમાં યુકે અને ભારતને ‘સ્વાભાવિક ભાગીદારો’ ગણાવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં અસંવાદિતા સર્જવા, શાંતિને જોખમમાં મૂકવા અને વિકાસને અવરોધવા માટે આતંકવાદના વિવિધ સ્વરૂપો દ્વારા ભારત વિરુદ્ધ ખોટી વાતો અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
તેમણે તાજેતરમાં જ પદ્મશ્રીથી સન્માનિત થયેલા ભારતના મિત્ર સાંસદો લેબર સાંસદ અને શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ બેરી ગાર્ડનર અને કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેનને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે પૂર્વોત્તર સહિત ભારતના વિવિધ ભાગોના પંરપરાગત નૃત્ય રજૂ કરાયા હતા.
કાર્યક્રમમાં યુકે સરકારના પ્રધાનોએ પણ સંબોધન કર્યું હતું. કન્ઝર્વેટિવ પાર્ટીના અધ્યક્ષ જેમ્સ ક્લેવરલીએ ગયા મહિને સામાન્ય ચૂંટણીમાં ૧૫ મૂળ ભારતીય સાંસદો ચૂંટાયા તેનો ઉલ્લેખ કર્યો હતો. તેના પરિણામે ત્રણ મૂળ ભારતીય મિનિસ્ટરો સાથે ‘ઈતિહાસની સૌથી દેશી કેબિનેટ’ રચાઈ હતી. જેનાથી બ્રેક્ઝિટ પછી પણ દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે. તેમણે યુકે આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૬૩ ટકાનો વધારો થયો હોવાની વાત પર ભાર મૂક્યો હતો અને આ વર્ષના પાછળના ભાગમાં પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા અમલી બન્યા પછી આ સંખ્યામાં હજુ વધારો થવાની આશા વ્યક્ત કરી હતી.
યુકે ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસમાં મિનિસ્ટર ફોર કોમનવેલ્થ અફેર્સ લોર્ડ તારીક એહમદે કોમનવેલ્થમાં ભારત - યુકેના વધતા સહયોગ પર ભાર મૂકતા યુકે સરકાર અને સંસદના બન્ને ગૃહોમાં ‘દેશી ફ્લેવર’ વિશે વાત કરી હતી.

