મહેસાણા: હાલ કોરોનાના કહેર વચ્ચે જિલ્લા મથક મહેસાણા સહિત મહાનગરોમાં ઓક્સિજન બેડ ખૂટી પડ્યા છે. ત્યારે યાત્રાધામ બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન બેડની વ્યવસ્થાના અભાવે એક સપ્તાહમાં બે-બે મહિલાનાં મોતની ઘટનાથી હચમચી ગયેલા શંખલપુર ગામના યુવાન પરેશ પટેલે આર્થિક સહયોગ મેળવી માત્ર ૮ કલાકમાં ૫ જમ્બો ઓક્સિજન સિલિન્ડર ભેટ અપાવી બહુચરાજી સરકારી હોસ્પિટલમાં બે ઓક્સિજન બેડની કાયમી વ્યવસ્થા ઊભી કરાવી છે.
શંખલપુર ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે કહ્યું કે, એક સપ્તાહ પહેલાં અમારા ગામનાં કોરોનાગ્રસ્ત બહેનને સિવિલમાં ઓક્સિજનના અભાવે ૭૦ કિલોમીટર દૂર વિસનગર લઇ જવાં પડ્યાં હતાં. પણ ઓક્સિજન સેચ્યુરેશન ૪૦ હોઇ મોત થયું. સોમવારે નજીકના સાપાવાડા ગામનાં ૬૦ વર્ષીય સીતાબેન પટેલને પણ બહુચરાજીથી સીતાપુર, મહેસાણા અને પાટણ લઇ જવા છતાં ઓક્સિજનની સારવાર નહીં મળતાં તેમણે પણ જીવ ગુમાવ્યો. આ બે ઘટનાએ મને વિચલિત કરી નાખ્યો. મેં શંખલપુરમાં શિક્ષણ સંસ્થા ધરાવતી રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યુબ લી. કંપનીના વાઇસ પ્રેસિડન્ટ જયેશ સલુજાને ફોન કરી ઘટના વર્ણવી મદદ માગી.
તેમણે એક ઘડીનો વિલંબ કર્યા વિના ઓક્સિજન વ્યવસ્થા માટે જે ખર્ચ થાય તે આપવા સંમતી આપી. એકાદ લાખની કિંમતનાં પાંચ જમ્બો સિલિન્ડર બુધવારે સાંજે સિવિલ હોસ્પિટલમાં આવી જતાં અહીંના ઉત્સાહી ડોક્ટર મિલાવ પટેલ સહિત સ્ટાફે તુરત જ બે ઓક્સિજન બેડ પણ તૈયાર કરી દીધા. આ જ સમયે ડેડાણા ગામનાં એક બહેનને ઓક્સિજનની સારવાર માટે અહીં લવાયાં. તેમને અહીં જ ઓક્સિજન મળી જતાં પરિવારના ચહેરા પર ખુશી જોઇ કાર્ય ઉગી નીકળ્યાનો આનંદ થયો.