કોરોના થકી માનવજગતને કુદરતનો તમાચો-તમે પૃથ્વીના મહેમાન છો, માલિક નહિ..!

રમૂજ ગઠરિયા

કોકિલા પટેલ Wednesday 28th April 2021 06:13 EDT
 

૨૦૧૯માં ચીનના વુહાનથી નીકળેલો કોરોના મહિષાસુર કે ભસ્માસૂર કરતાંય ભારે નીકળ્યો! ચીનમાં પેદા થયેલા આ ભયાનક રાક્ષસને જગતે 'કોવિડ-૧૯' નામ આપ્યું. આ રાક્ષસ હજુ જન્મ્યો જ હતાં ત્યાં કોઇ ફ્રાન્સના યુરોપિયને આ રાક્ષસના જન્મસ્થળની મુલાકાત લીધી એટલે કોવિડ-૧૯ એના નાક દ્વારા એની અંદર ઘૂસ્યો અને વગર વીસાએ આવ્યો ફ્રાન્સ. એવી જ રીતે આ રાક્ષસ ફેબ્રુઆરી ૨૦માં જર્મની અને ઇટાલીમાં પગપેસારો કર્યો અને પછી તો યુરોપ આખાને ઝપટમાં લેતાં હાહાકાર મચાવ્યો. કોવિડ ઉર્ફે કોરોના અને આપણા ગુજરાતીઓનો 'કરોના' બ્રિટનમાં આવીને ગાંડોતૂર બન્યો અને એમાં યુરોપિયનો સાથે આપણાય ઘણા ખપ્પરમાં હોમાયા.
છેલ્લા એક વર્ષથી જગત આખાને ભરડામાં લઇને બેઠેલા આ કોરોના સાલો કેવો?!! એ કોઇ જનજનાવરને કે પક્ષીને જ નહીં પણ બે પગાળા માનવીને જ ઓહિયાં કરવા માંડ્યો છે. આપણા વેદપુરાણો અને શાસ્ત્રોની અનેક કથાઓમાં આવતા રાક્ષસો જપ-તપ દ્વારા દેવ-દેવીઓને પ્રસન્ન કરી અમરત્વનાં વરદાન માગતા અને પૃથ્વી પરના માનવીઓને રંજાડતા, મારતા એમ આ આધુનિક જગતનો રાક્ષસ બેફામ બની કરોડોને ભરખી રહ્યો છે એ જળ, જમીન, આકાશ, પાતાળ, વાયુ, અગ્નિ કશાયથી મરતો નથી, કાબુમાં આવતો નથી!! એક સ્વામિનારાયણી સાધુએ એમના આધ્યાત્મિક પ્રવચનમાં કહ્યું કે, “હજારો પ્રાણીઓની કતલખાને ચીસાચીસ, લાખ્ખો કૂકડા, બિલાડાં, કૂતરા, સર્પો અને લાખ્ખો ઘેટાં-બકરાને ક્રૂરતાથી મારી ખાનાર નિર્દય માનવીને કુદરતે આ કોરોના રૂપી પ્રકોપ દ્વારા પાઠ ભણાવ્યો છે.”
માણસે માણસનો ફક્ત ઉપયોગ કર્યો છે, ના છૂટકે કુદરતે એક પ્રયોગ કર્યો છે. કોરોના વાયરસના માધ્યમથી ઇશ્વરનો સુંદર સંદેશ "તમે પૃથ્વી પરના મહેમાન છો, માલિક નહીં. મંગળ પર જીવન વિકસાવવાની વાતો કરતો હતો માણસ! આજે પૃથ્વી પર અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહ્યો છે.”
બ્રિટનમાં આપણે લગભગ એક વરસ ઘરમાં પૂરાઇ રહ્યા ત્યારે કોરોનાના ભરડામાંથી રાહત મેળવી શક્યા છીએ. હવે છેલ્લા ચારેક અઠવાડિયાથી ભારત પર કોરોનાનો કહેર ચાલુ થયો છે. હોસ્પિટલો ઉભરાય છે, ઓક્સીજનની અછત ઉભી થઇ છે, શહેરો અને ગામડાઓમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને આખેઆખા કુટુંબ કોરોના સંક્રમિત થયાના સમાચાર સાંપડે છે. ભારતમાં કોરોનાનો સેકન્ડ વેવ આટલો ખતરનાક હશે એની કોઇને કલ્પના પણ નહિ હોય. જો કે એમાં હાથના કર્યાં હૈયે વાગ્યા જેવું થયું છે. વહીવટકર્તાઓ ને રાજકારણીઓનો મોટો વાંક ખરો! લગ્ન સમારંભોમાં ૨૦૦ આમંત્રિત મહેમાનોને બદલે ૧૦૦૦, ૧૨૦૦નો મેળાવડો, સ્થાનિક ચૂંટણીઓમાં કોરોના અને સોશ્યલ ડિસ્ટન્સની ઐસીતૈસી કરી સરઘસો ને સભાઓ યોજી એમાં કોઇને મોંઢે માસ્ક નહિ. ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા વચ્ચે મેચ રમાતી હતી ત્યારે સ્ટેડિયમમાં બેઠેલી હજારોની મેદનીમાં કોઇને મોંઢે માસ્ક જ નહિ!! અધૂરામાં પૂરું કર્યું કુંભમેળાએ હજારો નાગાબાવાઓ સાથે લાખ્ખોની જે જનમેદની ઉમટેલી એ જોઇ આખું વિશ્વ આશ્ચર્યચક્તિ બન્યું.
અત્યારે ભારતના શહેરો અને ગામડાઓમાં રોજના હજારો લોકો કોરોના સંક્રમિત થઇ મોતને ભેટી રહ્યા છે, સ્મશાનગૃહોમાં પણ ટોકન લઇ સ્વજનોની અંતિમક્રિયા માટે લાઇનો લાગી છે. આવા ભલભલાને ધ્રજાવે એવા સમાચારો જોઇ અમારા એક મિત્રનાં વયોવૃધ્ધ બા ગંગાબાએ પૂછયું કે, “બોન.. છેલ્લા એક વરસથી યમરાજા આ ધરતી પરથી ઢગલાબંધ લોકોને ઉપાડી રહ્યા છે, તે ઉપર પેલા ચંદ્રગુપ્તને------ આટલા બધાના ચોપડા જોઇ જોઇને આંખે મોતિયા નઇ આયા હોય?!.. અમેરિકામાંથી એટલાં ઉપાડ્યાં, આપણે ત્યાંથી (યુ.કે.) રોજનાં હજારો ઉપાડતા અને હવે ભારતમાં મંડ્યા છે..! એમના પાડાની બિચારાની શું હાલત થઇ હશે?!! આપણામાં તો મરીએ ત્યારે ગંગાજળ અને તુલસીપાન મુખમાં દઇએ.. હવે તો.. આ.. કરીના!! અમે કહ્યું: "બા, કરીના નહિ, કોરોના..” બા કહે "હોવે એ જ બોન". હવે શબને પ્લાસ્ટીકની કોથળીમાં લઇ જઇને સીધું ચિતા પર જ મૂકી દેવાનું. અરરર .. ના કોઇ સગું, ના સહોદર ગંગાબાએ એમની ડહાપણની પોટલી ખોલતાં ભજન ગાયું "કોઇ કોઇનું નથી રે, એકલા આવ્યા ને ખાલી હાથે એકલા જવાનું રે" એવો ઘાટ થયો છે. ભારત આપણી ઋષિમુનિઓની ધરતી છે, ભલે આદિકાળના ઋષિઓ રહ્યા ના હોય પણ આપણું DNA ચેક કરીએ તો એમનો અંશ આવે ખરો ?! કોરોનાથી બચાવે એવી વેકસીનનો અનાદર કરી જાતજાતના ગતકડાં. સોરી. આયુર્વેદીક ઉપચારો મોકલતા રહે છે. કોઇ કહે "સૂંઠ, મરી, તુલસી, લવીંગ ને દેશીગોળનો ઉકાળો રોજ પીતા રહો, રાજકોટના એક ભાઇએ નુસખો અજમાવવા કહ્યું, લીબુંના રસનાં બબ્બે ટીપાં રોજ નાકમાં નાખવાથી કોરોના મટે ! એક જણે લખ્યું, કપૂરની બે ગોટી, અજમાની પોટલી રોજ સૂંઘો! બીજા એક ભાઇએ અજમેટનાં ફૂલ (મેન્થોલ)ની કટકી મોંઢામાં રાખવાનો તુક્કો આપ્યો. આ કોરોનાકાળ ચાલુ થયો ત્યારથી ઘરગથ્થુ વૈદુના નુસખા જેવા કે, નાકમાં સૂંઠ નાખો, નાકમાં મીઠું નાખો, થોડા દિવસ પછી મેસેજ આવે કે નાકમાં કોપરેલનું તેલ લગાવો, પછી બીજે દહાડે કીધું કે નાકમાં તજ, લવીંગ, હળદર, મીઠું લગાડો..એક જણે લખ્યું, અત્યાર સુધીમાં ત્રણ કિલો મસાલો નાખ્યો એટલે નાકનો કલર પણ લાલ, પીળો થઇ ગયો છે બાપલીઆ.. હવે વેકસીન જ લેવું પડશે!!”
કોરોનાના ભયથી ભલે આપણે ધ્રુજતા હોઇએ પણ ભયાનકતા વચ્ચે આપણા ભેજાબાજોનાં ભેજાં અત્યંત સક્રિય બની ગયાં છે. એમાંના કેટલાક રમૂજી ટૂચકા અમારી ગઠરિયામાં સાદર કરીએ છીએ.
• પરિસ્થિતિ એટલી ખરાબ છે કે.. બર્થડેનો ફોટો વોટ્સ અપ કે સ્ટેટસમાં મૂકીએ તો પણ લોકો ઓમ શાંતિ લખી નાખે છે..
• અહીંયાં ઘરની બહાર જવું અશક્ય છે અને પેપરમાં રાશિ ભવિષ્ય કહે છે કે, 'પ્રવાસનો યોગ છે' હવે ચિંતા પેઠી છે કે એમ્બ્યુલન્સમાં લઇ જશે કે શું?
• "ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે" એ ભૂલી જાવ.. હવે તો.. ફરે તે મરે અને બાંધ્યો લીલાલહેર કરે".
• બજારમાં જાઉં તો એવું લાગે કે ભારતમાં કોરોના આવ્યો જ નથી પણ ઘરે જઇને ન્યુઝ ચેનલ જોઉં તો એવું લાગે છે કે ભારતમાં કોઇ બચશે જ નહિ!!”
• સાહિત્ય પ્રેમી દુકાનદારની દુકાન પર બોર્ડ માર્યું હતું કે "જો તમે શુધ્ધ ગુજરાતીમાં વાત કરશો તો ૧૦% વળતર મળશે.”
માથાભારે જગ્લાએ લાભ લેવા કહ્યું:” બે સુક્ષ્માતિસૂક્ષ્મ મુકુટ વિષાણુ આગમન-નિર્ગમન અવરોધક મુખોષ્ટનાસિકાદી રક્ષણાર્થે કર્ણદ્વય સમર્થીત વસ્ત્રપટ્ટીકા આપોને !”
દુકાનદાર- બકા, તું અંગ્રેજીમાં બોલ તો હું તને ૧૫% વળતર આપીશ..!”
જગ્લો કહે- બે માસ્ક આપોને!!
• હવે જો લોકડાઉન આવે તો સરકારને વિનંતી છે કે ટીવી પર રામાયણ, મહાભારત ના દેખાડતા સીધું ગરુડપુરાણ જ દેખાડજો એટલે ખબર પડે કે કયાં કર્મની કેવી સજા મળે..!
• દાદા વેન્ટિલેટર પર હતા. નાકમાં નળી ને છાતી પર વાયર લાગેલા હતા. દીકરાનો પાંચ વર્ષનો દીકરો દાદાને મળવા ગયો. દાદાને જોઇને બાળસહજ મમ્મીને પૂછયું, “મમ્મી, દાદાને ચાર્જીંગમાં મૂક્યા છે?!!”
તાજેતરમાં 'વોટ્સઅપ યુનિવર્સિટી'ના હિન્દીભાષી "કોરોના સ્પેશીયાલિસ્ટ ફેંકુ"એ ગજબનું તીક્કડમ મોકલ્યું છે. એમનું કહેવું છે કે આલ્કોહોલથી કોરોનાના વાયરસ મરી જાય છે એટલે વારે ઘડીએ હાથ સેનેટાઇઝ તો કરવાના પણ તમારે રોજ ત્રણવાર વ્હિસ્કીનું સેવન કરવાનું, એ "અમૃત" સમી વ્હિસ્કીને મોંઢામાં ભરી ગોળ-ગોળ ગુમાવવાથી ગળાના વાયરસ મરી જાય એટલું જ નહિ પણ નાક અને ફેફસાની નળીમાંથી વાયરસનો સફાયો કરવા નીટ વ્હિસ્કીનો હુક્કો પીવો. બોલો…! ગાંધીના આપણા ડ્રાય (આમ તો રોજ રેલમછેલ થાય છે) ગુજરાતમાં એક બોટલ લેતાં બિચારાઓને હાંહા પડતા હોય ત્યાં દા'ડાના ત્રણવાર પ્યાલા ગટગટાવા અને હુક્કો પીવાનો શેં પરવડે !!!


comments powered by Disqus