ડીસાઃ બનાસકાંઠાના વ્યાપારીમથક ડીસાની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે એક જ કલાકમાં કોરોનાના પાંચ દર્દીઓએ દમ તોડ્યો હતો. જો કે ઓક્સિજન વિના મૃત્યુ પામનારા દર્દીઓનો બિનસત્તાવાર આંકડો ૧૧ જેટલો થવા જાય છે, જેમાં અન્ય હોસ્પિટલોના દર્દીઓનો પણ સમાવેશ થાય છે. ડીસામાં ઓક્સિજન વિના આટલા બધા દર્દીઓના થયેલા મૃત્યુએ બનાસકાંઠા જિલ્લામાં જ નહીં પણ આખા ઉત્તર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે.
ડીસા શહેરમાં આવેલા હેત આઈ.સી.યુમાં ઓક્સિજનનું લેવલ ઘટી જતાં આ દર્દીઓનાં મોત થયાં હતાં. છેલ્લા ચાર દિવસથી આ અહીં તેમને સારવાર આપવામાં આવી રહી હતી. તેમની હાલત ગંભીર હોવાના લીધે તેમને ઓક્સિજનની જરૂર હતી. પરંતુ ઓક્સિજનના પુરવઠાની ઘટ હોવાના લીધે પૂરતો ઓક્સિજન આપી શકાતો નહોતો. અગાઉ તેમને ધાનેરાથી ઓક્સિજન લાવીને આપવામાં આવ્યો હતો. ત્યારે અચાનક હોસ્પિટલમાં ઓક્સિજનનું લેવલ ઘટી જતાં આ દર્દીઓના મોત થયા હતા. આ ઘટના બનતા હેત આઈ.સી.યુ.માં મૃતકના પરિવારજનોમાં ભારે શોક અને આક્રંદ મચી ગયો હતો.
ડીસાની ખાનગી હોસ્પિટલમાં ચાર દિવસથી સારવાર લઈ રહેલા દર્દીઓના ઓક્સિજન ના મળવાથી મોત નિપજ્યાં છે. પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો પૂરો થઈ ગયો હોવા છતાં ઓક્સિજન આપવાની બીજી વ્યવસ્થા કરાઈ નહોતી કે તેની તબીબ દ્વારા કોઈ જ જાણ કરવામાં ના આવતા તેમના સ્વજનોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ તબીબી લાપરવાહીને પગલે તબીબ સામે પોલીસ કાર્યવાહી કરવાની માંગ મૃતકના પરિવારજનોએ કરી હતી.
