થરાદમાં કોરોના દર્દીઓને વૃક્ષ નીચે અપાય છે સારવાર!

Wednesday 28th April 2021 06:08 EDT
 

થરાદ: થરાદમાં હોસ્પિટલોમાં ઇન્જેકશન અને ઓક્સિજનની અછત વચ્ચે હચમચાવતાં દૃશ્યો થરાદમાં જોવા મળી રહ્યાં છે. તેમાંય સોશિયલ મીડિયામાં રિયલ હીરો તરીકે વખણાઇ રહેલા તબીબ ડૉ પ્રકાશ એચ. ચૌધરીએ તો બે દિવસથી બે કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર ખુલ્લા ઝાડ નીચે હાઇવે પર સારવાર શરૂ કરતાં સનસનાટી પ્રસરી જવા પામી છે. થરાદ પંથકમાં કોરોના કાળો કેર વર્તાવતાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. યુવાનોથી માંડીને આધેડ તથા વૃદ્ધોના મોતની ઘટનાઓ પણ બનવા પામી છે. પરિસ્થિતિ એટલી વિકટ છે કે થરાદમાં સરકારી અને ખાનગી તબીબો પાસે ઓક્સિજની સુવિધા ધરાવતા કે સાદા બેડ પણ ખાલી નથી. આવી પરિસ્થિતી વચ્ચે વાવ તાલુકાના ગંભીરપુરા ગામના બે સગાભાઇઓને કોરોના થવા પામ્યો હતો. આથી તેમને સારવાર અર્થે થરાદની ખાનગી હોસ્પીટલમાં લવાયા હતા.
જ્યાં બંન્ને ભાઇઓનું સીઆરપી લેવલ વધી ગયેલું હોઇ ઓક્સિજનની જરૂરીયાત હતી. પરંતુ છતે ઓક્સિજને રેગ્યુલેટર નહી મળવાના કારણે સરકારી કે ખાનગી હોસ્પીટલમાં સારવાર જ મળવા પામી ન હતી. આથી હોસ્પીટલના તબીબે પણ બેડ નહી હોઇ સારવારની ના પાડી દિધી હતી. જો કે અગ્રણીઓના ફોન જવાના કારણે જો દર્દીના સગા ખાટલો લાવે તો સારવાર કરવા તૈયાર થયા હતા. આખરે બે દિવસથી થરાદના મુખ્ય હાઇવેથી માંડ દસેક ફુટના અંતરે દર્દીના પુત્રએ લાવેલા ખાટલા પર ખુલ્લામાં ઝાડ નીચે સારવાર હાથ ધરી હતી. જ્યાં બે દિવસથી બંન્ને પોઝીટીવ દર્દીઓને ઓક્સિજનના બાટલા સાથે સારવાર કરવામાં આવી રહી છે.


comments powered by Disqus