ભુજઃ કચ્છમાં મહાદેવના મંદિરોમાં જોવા મળતું નાગફણી વાદ્યનું મહત્વ આજે ઘટી ગયું છે. નાગ જેવુ દેખાતું અને મોઢેથી ફૂંકવામાં આવતું નાગફણી કચ્છનું પ્રાચીન વાદ્ય છે જે પિતળમાંથી બને છે. ગુજરાતમાં લુપ્ત થઈ રહેલા વાદ્યોની યાદીમાં નાગફણીનું નામ અંકિત છે. સાધનાનું આ વાદ્ય ધાર્મિક પરંપરા સાથે સદીઓથી જોડાયેલ છે. એક સમયે આખાય ભારતમાં નાગફણી અને કમંડલ બનાવનારા કારીગરો માત્ર અંજારમાં કંસારા જ્ઞાતીના લોકો હતા. ભુજના અમૃતગીરી કહે છેકે, ‘નાગફણી વાદ્યને ફૂંકવા ફેફસામાં જોર જોઈએ. શરીરમાં ઊંડો શ્વાસ લીધા પછી શ્વાસના જોરે આ વાદ્ય વિવિધ સ્વરમાં ફૂંકવામાં આવે છે. સાધુસમાજના ગુરુમુખે લખાયેલા ધાર્મિક પુસ્તકોમાં ઉલ્લેખ જોવા મળે છે કે નાગફણીની ધ્વનિ મહાદેવને અતિપ્રિય છે અને એટલે જ માત્ર મહાદેવના મંદિરમાં નાગફણી વાદ્ય જોવા મળે છે.’
નાગમણી સાધુસમાજનું રક્ષાવાદ્ય
જૂના સમયમાં ગામના મહાદેવ મંદિરમાં પૂજારી નાગફણી વગાડે એટલે ખબર પડતી કે આરતી શરૂ થવાની છે અને ગામના લોકો ભેગા થતાં. ધર્મ અનુયાયીઓ જ્યારે ધર્મ પ્રચાર અર્થે આશ્રમોમાં ભ્રમણ કરતાં ત્યારે આ વાદ્ય સાથે રાખતા. અખાડાના મહંત કોઈ આશ્રમની બહાર પહોંચે ત્યારે કોટવાલ નાગફણી ફૂંકતા જેથી આશ્રમના મહંત બારણે ઉભેલા મહેમાન મહંતનું સામૈયું લઈને વધાવવા જતાં. નાગફણી સાધુસમાજનું રક્ષાવાદ્ય પણ ગણાતું હતું. સાધુ સમાજે બનાવેલા આશ્રમ ગામની પાદરે બનાવવામાં આવતા ત્યારે આજુબાજુના ઓછી કે નહિવત વસ્તીના કારણે સલામતીનો પ્રશ્ન રહેતો. આવા સમયે જ્યારે પણ ધર્મ કે આશ્રમ પર ઉપર આક્રમણ થતાં ત્યારે સાધુ કે મહંત દ્વારા ગામના લોકોને એકઠા કરવા નાગફણી ફૂંકતા.
નાગફણી વગાડનારા ખૂબ ઓછા
મૂળ કચ્છના અને હાલે જુનાગઢ સ્થિત દશનામ અખાડાના ઉપાધ્યક્ષ મહંત ઇંદ્રગીરી બાપુ કહે છે કે, આધુનિક સમયમાં સલામતીના પ્રશ્નોને હલ કરવા ઘણા સાધનો આવી ગયા છે. એક ફોન કરતાં પોલીસ કે ગામના લોકોને ભેગા કરી શકાય છે. મંદિરોમાં પણ તૈયાર આરતીઓ આવી ગઈ છે તો નાગફણી ફૂંકીને ગામના લોકોને ભેગા કરવાનું ચલણ હવે રહ્યું નથી.
આ બધા કારણોસર નાગફણીનું મહત્વ ઘટી ગયું છે. પરંતુ અખાડા પરંપરા હજુ નાગફણીના અસ્તિત્વને ટકાવી શક્યું છે. આજે પણ કુંભના મેળામાં એકઠા થતા સાધુપુરુષોના હાથે તમને નાગફણી જોવા મળશે.