નવીદિલ્હી: ઓનલાઈન યોજાયેલા કોવિન ગ્લોબલ કોન્કલેવમાં પોતાના વિચારો વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અન્ય દેશોને વેક્સિનેશન અભિયાન માટે કોવિન પ્લેટફોર્મ મફત આપવા તૈયાર છે. કેનેડા, મેસક્સિકો, નાઈજિરિયા, પનામાં, યુગાન્ડા સહિત ૫૦ દેશોએ પોતાના દેશોમાં વેક્સિનેશન ઝુંબેશ ચલાવવા માટે કોવિન અનપનાવવામાં રસ દાખવ્યો છે. ભારત તેમની સાથે ઓપન સોર્સ સોફ્ટવેર મફતમાં શેર કરવા તૈયાર છે. ભારતની સંસ્કૃતિ આખી દુનિયાને પોતાનો પરિવાર માનતી રહી છે. વડાપ્રધાન અધિકારીઓને કોવિનનું ઓપન સોર્સ વર્ઝન તૈયાર કરવા આદેશ કર્યો હતો. વડાપ્રધાને કહ્યું હતું કે છેલ્લાં ૧૦૦ વર્ષમાં આવો વ્યાપક રોગચાળો જગતે જોયો નથી. કોરોનાએ સમજાવ્યું છે કે કોઈપણ દેશ, ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય, તે એકલા હાથે કોરોનાને માત કરી શકે એમ નથી. એ માટે આખા જગતે એકબીજા સાથે હાથ મિલાવીને સહિયારો મોરચો રચવો જ પડશે.