દહેરાદૂનઃ ઉત્તરાખંડનાં ૧૧માં મુખ્યપ્રધાનપદે ૪૫ વર્ષના પુષ્કરસિંહ ધામીએ હોદ્દો અને ગુપ્તતાનાં શપથ લીધા હતા. રાજભવનમાં યોજાયેલા સાદા સમારોહમાં રાજ્યપાલ બેબી રાની મૌર્ય દ્વારા તેમને હોદ્દો અને ગુપ્તતાનાં સોગંધ લેવરાવવામાં આવ્યા હતા. તેમની સાથે અન્ય ૧૧ સિનિયર પ્રધાનોએ પણ સોગંધ લીધા હતા. છેલ્લા ચાર વર્ષમાં ઉત્તરાખંડને આ ત્રીજા સીએમ મળ્યા છે. આ અગાઉ ત્રિવેન્દ્રસિંહ રાવત તેમજ તીરથસિંહ રાવત સીએમનો હોદ્દો સંભાળી ચૂક્યા છે. ધામી રાજ્યનાં સૌથી નાની ઉંમરનાં સીએમ બન્યા છે.
જોકે, રાજ્યમાં સીએમ તરીકે પુષ્કરસિંહ ધામીની પસંદગી પછી નારાજ થયેલા ૩૫ સિનિયર ધારાસભ્યો બળવો કરશે તેવી અટકળો અને અફવાએ વેગ પકડ્યો હતો. આ ધારાસભ્યો મોવડીમંડળને રજૂઆત કરવા દિલ્હી જઈ રહ્યા છે તેવા અહેવાલો આવ્યા હતા.
ધામીની સાથે ૧૧ સિનિયર પ્રધાનોએ પણ સોગંધ લીધા હતા. આ તમામ પ્રધાનો તીરથસિંહ રાવતની સરકારમાં સામેલ હતા. બિશનસિંહ ચુફાલ સહિતના કેટલાક ધારાસભ્યોએ બગાવતનો બૂંગિયો ફૂંક્યો હતો.
માત્ર ૪ મહિનાના સમયગાળા પછી તીરથસિંહે રાવતે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. કારણમાં એવું જણાવાયું હતું કે બંધારણ મુજબ પદ સંભાવ્યાના ૬ મહિનાની અંદર વિધાનસભામાં ચૂંટાઇ શક્યા નહોતો. હવે વિધાનસભા ચૂંટણીને એક વર્ષની ઓછો સમય હોવાથી પેટા ચુંટણી સંભવ નહોતી.