પૈસા નહીં પણ પ્લાસ્ટિકના બદલામાં નાસ્તો મળે છે આ કાફેમાં

Wednesday 07th July 2021 06:58 EDT
 

દાહોદઃ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે દાહોદ વહીવટી તંત્ર દ્વારા એક પ્લાસ્ટિક કાફે શરૂ કરવામાં આવ્યું છે. દાહોદમાં આ પ્લાસ્ટિક કાફે તાલુકા પંચાયતની કચેરીની સામે શરૂ કરવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિ આ પ્લાસ્ટિક કાફેમાં જઈને ૫૦૦ ગ્રામ પ્લાસ્ટિકનો કચરો આપીને ચા અથવા તો કોફી મેળવી શકે છે અને જો ગરમા ગરમ ગોટા ખાવાની ઈચ્છા હોય તો તેને ૧ કિલો પ્લાસ્ટિક આ કાફેમાં આપવું પડશે. ત્યારબાદ તેને પ્લાસ્ટિકના બદલામાં ગોટા, ચા અથવા તો કોફી આપવામાં આવશે. આ પ્લાસ્ટિક કાફેનું સંચાલન માત્ર મહિલાઓ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. જો વ્યક્તિને ગોટા ખાવાની ઈચ્છા ન હોય તો તે દાબેલી અને પૌવા પણ મંગાવી શકે છે.
આ પ્લાસ્ટિક કાફેની શરૂઆત થયા પછી લોકો દૂધની થેલી અને શાકભાજીની થેલીઓ જમા કરાવીને પ્લાસ્ટિક કાફેમાં નાસ્તો કરતા જોવા મળ્યા હતા. વહીવટી તંત્રની આ પહેલના કારણે ગરીબ લોકો રસ્તા પરથી પ્લાસ્ટિકનો કચરો એકઠો કરીને નાસ્તો મેળવી શકશે અથવા તો ચા કે, કોફી પી શકશે. આ ઉપરાંત શહેર પણ પ્લાસ્ટિક મુક્ત થશે.


comments powered by Disqus