હાલોલઃ તાલુકાના શિવરાજપુર પાસે આવેલ જીમીરાં રિસોર્ટમાં દારૂની મહેફીલ અને જુગાર ધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે પાવાગઢ પોલીસે છાપો મારતાં માતરના ભાજપના ધારાસભ્ય, સાત મહિલા સહિત ૨૧ લોકો પકડાયા હતા. આ તમામ સામે જુગાર અને પ્રોહિબિશન એક્ટ હેઠળ અટકાયત કરાઈ હતી. પોલીસ રેડમાં સત્તાધારી ભાજપ પક્ષના ધારસભ્યની અટકાયત કરવામાં આવતાં આ બાબત હાલ રાજકીય છાવણીમાં ભારે ચર્ચાનો વિષય બની છે. પોલીસે દારૂની ૯ બોટલો પણ કબજે કરી છે.
પોલીસે રિસોર્ટમાં ચાલી રહેલી પાર્ટીમાં શામેલ લોકોની પૂછપરછ કરતા તેમાં માતર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ અને તેમના મિત્રો શામેલ હતા. પોલીસે ધારાસભ્ય, ૭ મહિલા સહિત કુલ ૨૧ લોકોની અટકાયત કરી હતી.
કેસરીસિંહ પાર્ટી લાઇનથી વિરુદ્ધ જતા હતા
ગુજરાતની પોલીસ કોઇ રાજકીય પક્ષના પદાધિકારી પકડાય તો પણ પૂછવા ગાંધીનગર સુધી દોડે તે પોલીસ ધારાસભ્યને રંગે હાથ પકડે તે પ્રજા માટે આર્શ્યજનક છે. માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી વર્ષ ૨૦૨૦ની રાજયસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શકિતસિંહ ગોહિલે ઉમેદવારી નોંધાવી ત્યારે ક્રોસ વોટિંગ કરશે તેવી વાતે વેગ પકડયો હતો.
કેસરીસિંહ ક્રોસ વોટિંગ કરશે તેવી વાત આવતા જ તાત્કાલિક તેમની તબિયત લથડી અને તેમને પોલીસના પહેરા સાથે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ એક ખાસ પોલીસ અધિકારીની નજર હેઠળ એમ્બ્યુલન્સમાં મતદાન કરવા આવ્યા હતા. મતદાન થયું અને કેસરીસિંહે જે વાત હતી તેવું ક્રોસીંગ વોટિંગ કર્યું નહીં. કોંગ્રેસના બે પૈકી એક જ ઉમેદવાર શકિતસિંહ જીત્યા. જીત્યા એ તો જીત્યા પણ ત્યારથી કેસરીસિંહ નજરમાં આવી ગયા. બાકી હતું તો પક્ષની લાઇનમાં આડાઅવળા થતા હતા એટલે કેટલાય નેતાઓને કણાની જેમ આંખમાં ખૂચતા હતા. હવે જુગારમાં પકડાયા એટલે ગાંધીનગરથી છૂટ્ટો દોર મળી ગયો.
હું તો માતાજીના દર્શને ગયો હતો
કેસરીસિંહ સોલંકીએ નફ્ફટાઈથી એવો પાંગળો બચાવ કર્યો છે કે હું પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે આવ્યો હતો અને મને ખોટી રીતે ફસાવાવ્યો છે.