નવીદિલ્હી: હાલ સમગ્ર દેશમાં કેન્દ્રની મોદી સરકારના બીજા કાર્યકાળના પહેલા પ્રધાનમંડળના વિસ્તરણની અને મહારાષ્ટ્ર સરકારને લઇને વ્યાપક ચર્ચાઓ થઇ રહી છે. મંત્રીમંડળના વિસ્તરણમાં મોટાપાયે ફેરબદલ થશે જેમાં એક સમયનો ભાજપનો જૂનો સાથીદાર શિવસેના પણ તેમાં સામેલ થાય તેવી શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે. કોંગ્રેસ મુક્ત ભારતના સ્વપ્નને આંખમાં આંજીને આગળ વધનાર ભાજપને મહારાષ્ટ્રમાં તેમના જૂનો સાથી પક્ષ શિવસેના કોંગ્રેસનો ટેકો લઇને સરકાર ચલાવે છે તે વાત આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યું છે ત્યારે ભાજપને આશા છે કે મહારાષ્ટ્રમાં અસ્થિર ગઠબંધન સરકારના વિસર્જન માટે શિવસેનાને રાજી કરી લેશે અને શિરપાવ રૂપે તેને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આપશે. બીજી તરફ હાલ શિવસેના તેમના સભ્યો સામેની કેન્દ્રીય એજન્સીઓની તપાસથી પરેશાન છે અને પોતાના સાથી પક્ષ કોંગ્રેસના નાના પટોલેના મુખ્યપ્રધાન બનવા અને ચૂંટણી એકલા હાથે લડવાના નિવેદનથી નારાજ છે. હાલમાં સરકારમાં ૫૩ પ્રધાનો છે બંધારણ અનુસાર વધારેમાં વધારે ૮૧ પ્રધાનો બનાવી શકાય છે.
હવે મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં સતત ખટપટોના સમાચારો સામે આવતા રહે છે. તાજેતરમાં ફરી શિવસેના નેતા સંજય રાઉત અને મુંબઇ ભાજપના પૂર્વ અધ્યક્ષ આશિષ શેલારની મુલાકાત થઇ હતી. આ અંગે ખુલાસો કરતાં સંજય રાઉતે કહ્યું હતું કે હું આશિષને એક સામાજિક પ્રસંગે મળ્યો હતો મહારાષ્ટ્રની રાજનીતિ ભારત અને પાકિસ્તાન જેવી નથી. થોડા સમય પહેલા શિવસેના નેતા પ્રતાપ સરનાઇકે પણ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો જેમાં તેઓએ કોંગ્રેસ અને NCPને સ્વાર્થી પક્ષો ગણાવ્યા હતા. સરનાઇકે અભિપ્રાય આપતા ઉદ્ધવને જણાવ્યું હતું કે મારા મતે તમે પીએમ મોદીની વધુ નજીક જાવ તે સારૂ રહેશે.

