રાજકોટ: ભારતમાં ‘હાઉસિંગ ફોર ઓલ’ મિશન અંતર્ગત રાજકોટમાં ફ્રેન્ચ ટેક્નોલોજીથી શરૂ થયેલા ‘લાઈટ હાઉસ’ પ્રોજેક્ટનું વડાપ્રધાને ડ્રોનથી નિરીક્ષણ કર્યુ હતું. રૂ. ૧૧૮ કરોડના ખર્ચે ૧,૧૪૪ આવાસોનો વડાપ્રધાનનો આ ડ્રીમ પ્રોજેક્ટ પૂરજોશમા આગળ ધપી રહ્યો છે.
રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમા ગ્રીન ફીલ્ડ અંતર્ગત આકાર પામી રહેલા આ પ્રોજેક્ટની સાઈટનું વડાપ્રધાને ડ્રોનથી નિરીક્ષણ કરી એક-એક બ્લોકની કામગીરીની વિગતો મેળવી હતી. મહાનગર પાલિકા અને કન્સ્ટ્રકશન કંપની દ્વારા વડાપ્રધાનને જણાવાયું હતું કે અહી બ્લોક નં.-૧ અને રનું પ્લીન્થ લેવલનું બાંધકામ પૂર્ણ થયું છે. બ્લોક નં.-૮ અને ૯ના પ્રથમ અને બીજા માળે નિર્માણ ચાલી રહ્યું છે.
૩૪.૫૦ ચોરસ મીટરના ફ્લેટમાંથી લેક વ્યૂ નિહાળી શકાશે. લાઈટ હાઉસ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે તેમા બીમ, કોલમ અને પેનલનું ફેક્ટરીમા નિર્માણ કરીને સાઈટ ઉપર લાવવામાં આવે છે. પ્રિફેબ્રિકેટેડ સામગ્રીનો ઉપયોગ થવાથી સમયની બચત અને પર્યાવરણનું જતન થાય છે.
દેશમાં ૬ શહેરોમાં લાઈટ હાઉસ પ્રોજેકટ
દેશમાં ફ્ક્ત ૬ શહેરો રાજકોટ (ગુજરાત), લખનઉ (મધ્યપ્રદેશ), રાંચી (ઝારખંડ), અગ્રતલા (ત્રિપુરા), ઇન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નાઈ (તમિલનાડુ)ની લાઈટ હાઉસ પ્રોજેક્ટ માટે પસંદગી કરવામાં આવી છે. હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ-લાઈટહાઉસ પ્રોજેક્ટ અંતર્ગત આ ૬ શહેરોમાં ૬ જુદી-જુદી ટેક્નોલોજીના આધારે આવાસો બનાવવામાં આવશે.