પાટણઃ સિદ્ધપુરના દેથળી ગામ નજીક આવેલી એક સોસાયટીના મકાનમાં એલસીબીની ટીમે છાપો મારી ભારતમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા સાથે કનેક્શન કરી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા બે શખ્સોને પકડી પાડ્યા હતા. તેઓ અમેરિકામાં રહેતા અને લોન માટે માગણી કરી હોય તેવા લોકોને વાતોમાં ભોળવી ગિફ્ટકાર્ડ મારફતે પૈસા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરતા હતા.
પેરેડાઇઝ વિલા સોસાયટીમાં મકાન ભાડે રાખી માણસોની મદદથી ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચલાવતા મેહુલ પરમાર અને દિનેશ રાવળને છાપો મારી પોલીસે દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓ અમેરિકામાં ચાલતી કેશ એડવાન્સ નામની કંપનીના નામે અમેરિકા ખાતેના લોન એપ્લાય કરતાં ગ્રાહકોનું લિસ્ટ મેળવી કોમ્પ્યુટર,મોબાઈલ ફોનનો ઉપયોગ કરી ગુગલવોઈસ સોફ્ટવેર અને બ્રાઇસેક વીપીએન મારફતે ગ્રાહકોનો સંપર્ક કરતા હતા.
અમેરિકાનો મોબાઇલ નંબર ડિસ્પ્લે કરી અમેરિકામાં રહેતા લોકોને લોન માટે સમજાવી સિક્યુરિટી ડિપોઝિટ પેટે ગિફ્ટ કાર્ડ મારફતે પૈસા ટ્રાન્સફર કરાવી છેતરપીંડી આચરતા હતા.
બે હજાર અમેરિકનોની યાદી રૂ. ૮૫,૦૦૦માં ખરીદી હતી
અમેરિકામાં લોનવાંચ્છૂક બે હજાર લોકોની યાદી અમદાવાદના શોયેબ શેખ પાસેથી મેહુલ પરમારે
રૂ. ૮૫,૦૦૦ માં ખરીદી હતી. ૧ જૂનથી તેઓ મકાન ભાડેથી રાખી રહેવા આવ્યા હતા. અમેરિકાના લોકો સાથે ફોન પર વાત કરવા અમદાવાદથી બે યુવતીઓ બોલાવી હતી. પરંતુ યુવતીઓને માફક ના આવતા એકાદ દિવસ રહ્યા બાદ જતી રહી હતી.
