• રાજ્યમાં ૨૦ જિલ્લાઓમાં કોરોનાનો એક પણ નવો કેસ નહી: ગુજરાતમાં ૫ જૂલાઈની સ્થિતિએ કોરોનાના દૈનિક કેસનો આંકડો ૭૦થી પણ નીચે આવી ગયો છે. ૨૪ કલાકમાં રાજ્યમાં નવા ૬૨ કેસ નોંધાયા છે અને વધુ ૨ દર્દીના મોત થયાં છે. બીજી તરફ ૧૯૪ દર્દી સાજા થયાં છે. મહત્વનું છે કે, હવે માત્ર અમદાવાદ શહેરમાં જ કોરોનાના દૈનિક કેસ ડબલ ડિજીટમાં રહ્યાં છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને ૨,૩૩૩ થઈ ગઈ છે. જેમાંથી નાજૂક સ્થિતિના કારણે હવે માત્ર ૯ દર્દી જ વેન્ટિલેટરના સહારે સારવાર લઈ રહ્યાં છે. જુનાગઢ કોર્પોરેશન તથા આણંદ, અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પાટણ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને તાપી સહિત કુલ ૨૦ જિલ્લામાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી. આમ રાજ્યમાં અત્યાર સુધીના કોરોનાના કુલ કેસની સંખ્યા ૮,૨૧,૩૩૩એ પહોચી ગઈ છે. કોરોનાના કારણે રાજ્યના કુલ ૧૦,૦૭૧ નાગરીકોએ દમ તોડયો છે. રાજ્યના ૮,૧૧,૪૯૧ દર્દીઓએ કોરોનાને મ્હાતી આપી છે. જેથી ગુજરાતનો રિકવરી રેટ વધીને ૯૮.૪૯ ટકાએ પહોચ્યો છે.
• યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશનર મુખ્યપ્રધાનની મુલાકાતે: મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી સાથે યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશનર મીસ ગ્રેસ અકેલ્લોએ ૫ જૂલાઈના રોજ ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી હતી. ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં મેન્યુફેકચરિંગ હબ તેમજ દેશના એમ.એસ.એમ.ઇ સેક્ટરમાં જે મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે તેની સફળતાથી તેઓ પ્રભાવિત થયા હતા. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ યુગાન્ડા ગુજરાત વચ્ચેના ઉષ્માપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાં સહયોગની ખાતરી આપી હતી. મુખ્યપ્રધાને યુગાન્ડાના હાઈકમિશનરની ટીમને ગુજરાતના એમ.એસ.એમ.ઇ કમિશનરેટની મુલાકાત લઈ આ સમગ્ર ઇકો સિસ્ટમ સમજવા તેનો અભ્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું.
• ભાગવત હવે અકબર, ઔરંગઝેબની પિતૃપૂજા કરશેઃ આરએસએસના વડા મોહન ભાગવતે મુસ્લિમ રાષ્ટ્રીય મંચના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, હિન્દુ-મુસ્લિમનું ડીએનએ એક છે. આ નિવેદનને વખોડતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે, મહંમદ ગઝનીના પીલ્લુઓ મારા પૂર્વજ નથી, મારા પૂર્વજ સોમનાથનું મંદિર બનાવનાર સરદાર પટેલ છે. આગામી ભાદરવા મહિનામાં ભાગવત ગઝની, ઘોરી, અકબર, ઔરંગઝેબનું શ્રાદ્ધ કરશે. તોગડિયાએ કહ્યું કે, ડીએનએ એક છે તેમ બોલીને ભાગવતે હિન્દુઓનું અપમાન કર્યુ છે. દેશમાં કોઇ સંગઠન હોય તો તે હિન્દુઓની કૃપાથી છે, આરએસએસની કૃપાથી હિન્દુઓ નથી. દેશમાં આરએસએસ હતું નહીં ત્યારે પણ હિન્દુઓ હતા,મોગલ શાસનમાં પણ હિન્દુ હતા, આરએસએસ નહીં.
• ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી નિમિતે ચોટીલામાં સોરઠી સંતવાણી: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ નિમિત્તે એમની જન્મભૂમિ ચોટીલા ખાતે એમની અંતિમ કૃતિ આધારિત સોરઠી સંતવાણી-પ્રાચીન ભજનોનો ઓન-લાઈન સ્વરાંજલિ કાર્યક્ર્મ યોજાયો. ઈન્ટરનેટ પર વિશ્વભરમાં વસતાં ૨૦ લાખથી વધુ ભાવિકોએ જીવંત માણ્યો. ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરવામાં આવ્યું હતું.
• રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ ૪.૮૦ ઇંચ વરસાદ: રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. વરસાદ ખેંચાતાં રાજ્યમાં ચોમાસાની આ સીઝન દરમિયાન અત્યાર સુધી સરેરાશ ૪.૮૦ ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં નર્મદાના ડેડિયાપાડામાં ૭ મી.મી. ડાંગના વઘઈમાં ૩ મી.મી. અને વલસાડમાં ૨ મી.મી. વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કચ્છમાં ચોમાસાની અત્યાર સુધીની સીઝનનો સરેરાશ ૨.૨ ઈંચ વરસાદ થયો છે, ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીની સીઝનનો ૩.૬૬ ઈંચ વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં અત્યારસુધીની ચોમાસાની કુલ સીઝનનો ૪.૮૦ ઈંચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યારસુધીની કુલ સીઝનનો ૩.૩ ઈંચ જેટલો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીનો કુલ ૯.૩૭ ઈંચ વરસાદ થયો છે.
• દિવ-દમણમાં ૧૮+ના ૧૦૦ ટકાને રસીનો પહેલો ડોઝઃ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને દમણ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના ૧૦૦ ટકા લોકોને રસીકરણમાં પહેલો ડોઝ અપાઇ ગયો છે. હવે બીજા ડોઝ પર ભાર મુકાઇ રહ્યો છે. રસીકરણમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સનો સમાવેશ થઇ જાય છે. માઇગ્રન્ટ વર્કર્સનું પણ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જે ગામોમાં ૯૫ ટકાથી વધારે રસીકરણ થાય ત્યાં ખાસ ઇનામની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ, દીવમાં છેલ્લા ૧૦ દિવસમાં નવા કેસ માત્ર ૨ જ નોંધાયા છે. ૯ દિવસ એકપણ નવો કેસ કેસ નોંધાયો નથી. રિકવરી રેટ ૯૯.૩ ટકા છે. દીવમાં એક્ટિવ કેસ ૨ છે.
• ઇન્ટરનેશનલ ફલાઇટ પર ૩૧ જુલાઇ સુધી પ્રતિબંધઃ અમદાવાદ સહિત દેશમાં કોરોનાનું સંક્ર્મણ ફેલાતા એપ્રિલ ૨૦૨૦થી તમામ ઈન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઈટોનું સંચાલન બંધ કરી દેવાયું હતું. હજુ પણ ભારત સહિત અનેક દેશમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. જેને ધ્યાને રાખી ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ હાલમાં તમામ ઇન્ટરનેશનલ ફ્લાઈટોનું સસ્પેન્શન ૩૧ જુલાઈ સુધી લંબાવ્યું છે. આ સમય દરમિયાન પસંદગીના રૂટ પર વંદે ભારત મિશન અને એર બબલ સમજૂતીના ભાગરૂપે ખાસ મંજૂરી સાથે સંચાલિત થતી ફ્લાઈટો અને એર કાર્ગો મુવમેન્ટ પણ યથાવત ચાલુ રહેશે.
• કવિ વિનોદ જોશીને ગુજરાત સાહિત્ય અકાદમીનાં બે પારિતોષિકઃ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૧૮નાં જાહેર થયેલાં વિવિધ વિભાગના સાહિત્યનાં પારિતોષિકોમાં ભાવનગરના વિનોદ જોશીનાં પ્રબંધકાવ્ય 'સૈરન્ધ્રી'ને શ્રેષ્ઠ કવિતાનાં પ્રથમ અને 'નિર્વિવાદ'ને શ્રેષ્ઠ વિવેચનગ્રંથનાં પ્રથમ એમ બે પારિતોષિકોથી નવાજવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં વિનોદ જોશીને ગુજરાતી કવિતાનો સર્વોચ્ય ગણાતો નરસિંહ મહેતા પુરસ્કાર
અર્પણ થયો હતો. ત્યારે મોરારિબાપુના હસ્તે પ્રબંધકાવ્ય 'સૈરન્ધ્રી'નું લોકાર્પણ થયું હતું. આ પૂર્વે ૨૦૧૫માં ગુજરાત સાહિત્ય અકાદમીએ વિનોદ જોશીને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી પણ સન્માનિત
કરેલા છે.
