સાત રાજ્યોના ગવનર્સ બદલાયાઃ કેન્દ્રીય પ્રધાનને પણ ગવર્નર પદ અપાયું

Wednesday 07th July 2021 07:29 EDT
 
 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપેક્ષિત કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણ પૂર્વે સાત રાજ્યપાલોને બદલવામાં આવ્યા હતા. તેમા કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. આમ ૭૩ વર્ષના થાવરચંદ ગેહલોત હવે કર્ણાટકના રાજ્યપાલ પદનો કાર્યભાર સંભાળશે. તેઓ સામાજિક ન્યાય અને સંપ્રભુત્વ વિભાગના કેન્દ્રીય પ્રધાન હતા. આ ઉપરાંત ભાજપના રાજ્યસભાના નેતા હતા. તેમના જવાના લીધે કેબિનેટની સાથે તેમના રાજ્યસભા પદની પણ જગ્યા પડશે.
મિઝોરમના ગવર્નર પીએસ શ્રીધરન પિલ્લાઈ હવે ગોવાના ગવર્નર બનશે. હરિયાણાના ગવર્નર સત્યપાલ નારાયણ આર્યા ત્રિપુરાના ગવર્નર બનશે. ત્રિપુરાના ગવર્નર રમેશ બૈસ ઝારખંડના ગવર્નર બનશે. હિમાચલ પ્રદેશના ગવર્નર બંડારુ દત્તાત્રેય હરિયાણાના ગવર્નર બનશે. હરિબાબુ ખંભાતી મિઝોરમના ગવર્નર બનશે. મંગુભાઈ છગનભાઈ પટેલ મધ્યપ્રદેશના ગવર્નર બનશે. રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર હિમાચલ પ્રદેશના ગવર્નર બનશે.
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અધર બેકવર્ડ ક્લાસીસ (ઓબીસી) હોય તેવા ઘણા ગવર્નર છે. ભાજપના નેતાએ જણાવ્યું હતું કે હાલમાં ત્રણ જાટ નેતાઓ ગવર્નર તરીકે કામ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં વિવાદાસ્પદ રાજ્યપાલ જગદીપ ધનખડનો મુખ્ય પ્રધાન મમતા બેનરજી સાથે સતત સંઘર્ષ થતો રહે છે. આ ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મેઘાલયના સત્યપાલ મલિક પણ જાટ નેતા છે. ગેહલોત ઉપરાંત અનુસૂચિત જાતિના અન્ય નેતાઓને ગવર્નર બનાવવામાં આવ્યા છે, તેમા રાજેન્દ્ર આર્લેકર, સત્યદેવ નારાયણ આર્ય અને બેબી રાની મૌર્ય (ઉત્તરાખંડ ગવર્નર)નો સમાવેશ થાય છે. ભાજપના ગવર્નરોમાં મંગુભાઈ પટેલ અને અનસૂયા આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કરતાં અન્ય ગવર્નરોમાં રમેશ બૈસ, બંડારુ દત્તાત્રેય, ગંગાપ્રસાદ ચૌરસીયા અને તમિલિસાઇ સુંદરરાજનનો સમાવેશ થાય છે. બિહારના ગવર્નર ફાગુ ચૌહાણ લોનિયા સમાજના છે. ભાજપે આ ઉપરાંત આરિફ મોહમ્મદ ખાન અને નજમા હેપ્તુલ્લા જેવા મુસ્લિમ ચહેરાને કેરળ અને મણિપુરના ગવર્નર બનાવ્યા છે.


comments powered by Disqus