પોરબંદર: પોરબંદર અમદાવાદ વચ્ચે વિમાની સેવા પંદર દિવસથી બંધ હતી. ચાલુ કરવા થયેલી રજૂઆતો બાદ અંતે પોરબંદર અમદાવાદની ફ્લાઇટ શરૂ થઈ છે. મુંબઈની વિમાનસેવા શરૂ થાય તેવી મુસાફરો દ્વારા માંગ કરાઈ છે.
પોરબંદરના દેશ-વિદેશના અનેક પર્યટકો આવતા હોય છે. અહીંથી અમદાવાદ, મુંબઈ સહિતના શહેરોમાં પ્રવાસીઓ, વેપારીઓ સહિત અનેક લોકો અવરજવર કરતા હોય છે. પોરબંદરના એરપોર્ટ પરથી અમદાવાદ જવા માટે ટ્રુ જેટ એરલાઇન્સની વિમાની સેવા કાર્યરત હતી. જે ગત તા. ૧૯ નવેમ્બરથી બંધ હતી. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.આ ફ્લાઈટમાં પૂરતો ટ્રાફિક મળી રહેતો હતો અને આ ફ્લાઈટ પોરબંદરના વેપારીઓ તેમજ દર્દીઓ અને ઉદ્યોગપતિઓને ભારે ઉપયોગી બનતી હતી. જેથી ફ્લાઈટ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ મુસાફરો એ કરી હતી. જે અનુસંધાને પોરબંદર અમદાવાદ ફ્લાઈટે ફરી ઉડાન ભરી છે.

