વડનગર: વડનગર એક પ્રાચીન એવી ઐતિહાસિક નગરી તરીકે ખૂબ જાણીતું નગર છે. જેનો ઐતિહાસિક વારસો ખૂબ વૈવિધ્ય સભર છે. આ શહેર પ્રાચીન સમયમાં ૭ વાર નષ્ટ પામી પુનઃ ઉભું થયું હોઇ અહીં ધરતીના પેટાળમાં અનેક શાસન અને ધર્મનો ઐતિહાસિક વારસો રહેલો છે. ત્યારે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વડનગરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા શરૂ કરાયેલા ઉતખનન પ્રક્રિયામાં પહેલા રાજ્ય સરકાર બાદ હવે ભારત સરકાર પણ આ ઉત્ખનન કામગીરીમાં લાગી છે. જે કામગીરી દરમિયાન વડનગરની ઐતિહાસિક ધરોહરમાંથી સમયાંતરે કંઇકને કંઈક અવનવી ચીજ વસ્તુઓ અને સ્ટ્રક્ચર મળી આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં એક કેપ્સ્યુલ આકારનું પૌરાણિક સ્ટ્રક્ચર મળી આવતા કુતુહલ જોવા મળ્યો છે.
વડનગરની ધરોહરમાંથી અત્યાર સુધી જુદી જુદી સાઇટ પર પુરાતત્વ વિભાગ દ્વારા ઉતખનન કરવામાં આવતા પ્રાચીન સમયના બૌદ્ધ ધર્મના અવશેષો, બુદ્ધ મઠ, બુદ્ધ સ્તૂપ, સોલંકી ક્લીન ઇમારતોની દીવાલ, મંદિરના સ્ટ્રક્ચર, હાડપિંજર, બંગળી, શંખ, મોતી, માટીના વાસણો વગેરે ચીજ વસ્તુઓ મળી આવી છે તો વિશેષ પ્રકારના સ્ટ્રક્ચરમાં બૌદ્ધ મઠ અને સ્તૂપ બાદ કારખાના જેવું સ્ટ્રક્ચર, મોટા માટલા અને હાડપિંજર જેવી રચનાઓ, મોટી અને લાંબી દીવાલો, કુંડ, દિશા ચક્ર અને તાજેતરમાં એક કેપ્સ્યુલ આકારની રચના મળી આવી છે.
સ્ટ્રક્ચર અંદાજે ૨૦૦૦ વર્ષ પૂરાણું
વડનગર ખાતે રેલવે ફાટક નજીક અનાજ ગોડાઉન પાસે પુરાતતવીય વિભાગના ઉતખનન દરમીયાન તાજેતરમાં એક કેપ્સ્યુલ આકારનું સ્ટ્રક્ચર મળી આવ્યું છે. જે સ્ટ્રક્ચર મામલે પુરાતત્વ વિભાગના સ્થાનિક અધિકારી દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી રહી. જોકે, ચર્ચાઓના ચગડોળે આ મળી આવેલું કેપ્સ્યુલ આકારનું સ્ટ્રક્ચર એ અંદાજે ૨,૦૦૦ વર્ષ જેટલું પ્રાચીન હોવાનું અને તે પ્રાચીન સમયમાં કોઈ ધાર્મિક એક્ટિવિટી માટે નિર્માણ કરાયું હોવાનું માનવામાં રહ્યું છે. જોકે, હાલના તબક્કે પુરાતત્વીય વિભાગ દ્વારા તેના પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. તેમના સંશોધન બાદ આ સ્ટ્રક્ચર શુ છે અને કેટલું પ્રાચીન અને ક્યાં કામ અર્થે નિર્માણ પામ્યું હશે તેવી પ્રકારના સવાલો પરથી પડદો ઉચકાશે.

